સંવત ૧૯૭૩ના વૈશાખ વદ-૩ને રોજ સવારે સભામાં અમદાવાદનું ૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં સર્વેને અંતર્યામી જેવા કરીશું, અને બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક કરે એવા સમર્થ કરીશું એ વાત આવી.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “એ કેવી રીતે સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજની મૂર્તિને વિષે શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, પર્વતભાઈ આદિ અનંત મુક્ત રહ્યા છે; તે જે સુખ લે છે તે એક-બીજા જાણે છે જે, ‘આ મુક્ત આટલું સુખ લે છે ને આ મુક્ત આટલું સુખ લે છે’, એમ જાણવું તે અંતર્યામીપણું કહ્યું છે. અને આ લોકમાંથી જીવને વર્તમાન-નિયમ પળાવીને માયાથી પર કરીને સત્સંગમાં લાવીને ધામમાં કે મૂર્તિમાં લઈ જવા તે ઉત્પત્ત્યાદિક જાણવી.”
પછી ભુજના ભોગીલાલભાઈએ પૂછ્યું જે, “લોયાના ૧૩મા વચનામૃતમાં તુચ્છ જેવો જીવ હોય એ જો ભગવાનના ચરણારવિંદમાં નિર્વિકલ્પ સ્થિતિએ કરીને રહ્યો હોય, તેને દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય; ને બ્રહ્માદિક એવી રીતે રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય એમ કહ્યું છે. તે જે ભગવાનના ચરણારવિંદમાં રહ્યો હોય તેને તુચ્છ જેવો કહ્યો છે તે કેમ સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ લોકની દૃષ્ટિએ મનુષ્યભાવે તુચ્છ કહ્યો છે, પણ ભક્તપણાની દૃષ્ટિએ જોઈએ તો બ્રહ્માદિકથી પણ ઘણો મોટો છે. અને બ્રહ્મા જેવા કહ્યા છે તે ઐશ્વર્યની દૃષ્ટિએ કહ્યા છે, પણ ઐશ્વર્યાર્થીઓ તો કેટલાક માયાની અંદરના છે ને તે માયારૂપી કેદખાનામાં પડ્યા છે, અને કેટલાક માયાથી પરના છે તે ઐશ્વર્યરૂપી કેદખાનામાં પડ્યા છે. અને આ જીવ તો મહારાજના મુક્તને વિષે હેત કરીને માયામાંથી અને ઐશ્વર્યમાંથી છૂટી ગયા; માટે ઘણા મોટા છે.”
“મહારાજની ઉપાસના તો આ સત્સંગમાં છે; પણ બીજે ગોલોક, વૈકુંઠ, બ્રહ્મકોટિ કે અક્ષરકોટિમાં ક્યાંયે નથી. એ સર્વે આજ મનુષ્યરૂપે થઈને પોતાના કલ્યાણને અર્થે આ સત્સંગમાં આવ્યા છે. તેમાં કેટલાક તો મુક્તને જોગે કરીને અક્ષરધામમાં જતા રહ્યા, અને કેટલાક મુક્તનો જોગ કરે છે, તે મહારાજનો મહિમા સમજીને અક્ષરધામમાં જાય છે અને કેટલાક આવે છે તે મુક્તનો જોગ કરીને જશે. માટે બીજી સભાઓના મુક્તોથી તથા તેમના સ્વામીઓથી પણ આ સત્સંગમાં શ્રીજીમહારાજના મુક્ત વિશેષ છે.”
આટલી વાર્તા કરીને પછી સર્વેને હાર પહેરાવ્યા, ને પછી પુષ્પની પાંખડીઓ સંતો ઉપર નાખીને બોલ્યા જે, “આ વિનગુણ એટલે દિવ્ય હાર છે, તેની પાંખડીઓ પડી છે તે વીણી લ્યો.”
પછી સંતે પુષ્પોની પાંખડીઓ વીણી લીધી.
પછી બોલ્યા જે, “ધણી અહીં મળ્યા છે ને કસર ટાળવા જ્યાં ત્યાં જાય તે સમજણમાં ખામી છે, માટે જે છે તે અહીં છે. જેતલપુરમાં સંતદાસજીએ સર્વે સંતોને કહ્યું હતું જે, ‘જે છે તે અહીં છે ને બધા અહીંનું ભજન કરે છે’. માટે બીજે કોઈ જગ્યાએ એટલે કોઈ ધામમાં કે તેના ધામીમાં વૃત્તિ કરવી નહિ. ‘મેરે તો તુમ એક આધારા’, એમ એક શ્રીજીમહારાજનો જ આધાર હારલની લકડીની પેઠે રાખવો. બીજા મોટા મોટા મૂળઅક્ષર પર્યંત સર્વે શ્રીજીના સકામ ભક્ત છે તે કોઈનો આધાર કે ભાર ન રાખવો. શ્રીજીમહારાજ પાસેથી પણ માયિક સુખ કે ઐશ્વર્ય કાંઈ ઇચ્છવું નહિ, અને જો ઇચ્છે તો કીડીસખી (એ નામે સાધુ)ની પેઠે માર ને ભાઠાં પડે. માટે એક મૂર્તિ જ ઇચ્છવી તો નિષ્કામ ભક્ત કહેવાય, ને મુક્તની પંક્તિમાં ભળાય.”
“જુઓને! કેવા મહારાજ મળ્યા ને કેવા મુક્ત મળ્યા! આવું કોઈ નથી. મૂળઅક્ષરકોટિને પણ આ મુક્તનાં દર્શન નથી, તે તમને મળ્યા છે. માટે મૂળપુરુષરૂપ ઈશ્વરકોટિનો તથા બ્રહ્મકોટિનો તથા અક્ષરકોટિનો ને એમનાં કાર્યનો એ સર્વેનો નિષેધ કરી નાખવો. જેમ મહારાજ ને મુક્ત મોટા મળ્યા છે તેમ જ આ લોકમાં સાધનદશાવાળાને કળિયુગ પણ મોટો મળ્યો છે, તે રૂપ ફેરવી નાખે છે ને મોટા મોટાને પણ કલ્યાણના માર્ગમાંથી પાડે છે. એ તો જે મહારાજનાં સ્વરૂપમાં જોડાય તેને બાધ ન કરે, પણ બીજાને તો કરે ખરો.”
એમ વાતો કરતા હતા એટલામાં માવજીભાઈ જમવા બોલાવવા આવ્યા.
પછી ઊઠતી વખતે બોલ્યા જે, “અખાડો ચલાવો, આ ઝાડવાં સાંભળશે તે અક્ષરધામમાં ચાલશે.”
એમ કહીને જમવા પધાર્યા ને સંતોએ કથા ચાલતી રાખી. પછી બાપાશ્રી જમીને આવ્યા, ત્યારે સંતોએ ‘જય સ્વામિનારાયણ’ કહ્યા ત્યારે મૂર્તિ સામે હાથ કરીને બોલ્યા જે, “આ સ્વામિનારાયણ ઊભા, જેને લેવા હોય તે લ્યો.” ।।૧૭૩।।