સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૭ને રોજ સાંજના સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “લોયાના ૭મા વચનામૃતમાં અનુભવજ્ઞાન કહ્યું છે તે કેવી રીતે સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવજ્ઞાન કહીએ. અને સુખનો અને મૂર્તિનો પાર ન આવે ને નવાં નવાં સુખ લીધા કરે તે અનુભવજ્ઞાન છે. માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરે એ જ મુક્ત કહેવાય.”
“જે ખોટું છે તેને ખોટું કરવું તેમાં તે શું? પણ સાચાને ખોટું કરવું તે ખોટું કર્યું કહેવાય. તે ખોટું કિયું ને સાચું કિયું? તો મૂળપ્રકૃતિ પર્યંત બધું ખોટું છે. અને બ્રહ્મકોટિ, અક્ષરકોટિ, શ્રીજીમહારાજનું તેજ અને અનંત ઐશ્વર્ય તે સાચાં છે. તેને પણ મૂકીને એક શ્રીજીમહારાજની મૂર્તિમાં જ નિમગ્ન રહે ત્યારે છેલ્લી અવધિ આવી જાણવી. આ જ્ઞાન જે કહીએ છીએ તે મૂર્તિના સુખનું છે; માટે જ્ઞાન બધું સરખું નથી. એક તો ખોટાને ખોટું કરે તે પણ જ્ઞાન કહેવાય, અને બીજું સાચાને પણ ખોટું કરીને મૂર્તિમાં પહોંચી ગયા કેડે પણ સુખમાં જવું ને સુખ લેવું અને દાતા-ભોક્તાપણું અને સ્વામી-સેવકપણું દૃઢ કરવું ને સુખનું અપારપણું જાણવું તે અનુભવજ્ઞાન કહેવાય. અને એ વચનામૃતમાં કહ્યું છે જે, ‘બ્રહ્મકોદાળ રામ-કૃષ્ણાદિક અવતારોને પોતાની લહેરી કહે છે, તે બ્રહ્મકોદાળ તો આંકેલા આખલા જેવા છે. તે વિધિ-નિષેધને ખોટા કરે છે. તે માર્ગ કલ્પિત છે અને તે નર્કે જાય છે.’”
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “લોયાના ૭મા વચનામૃતમાં ઇંદ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણ પ્રકારે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષ થાય એમ કહ્યું છે. તે જેને ભગવાન મનુષ્યરૂપે પ્રત્યક્ષ મળ્યા હોય તેને જીવાત્મામાં સાક્ષાત્કાર ન થયો હોય તેનું આત્યંતિક કલ્યાણ થાય કે નહિ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને પ્રત્યક્ષ ભગવાન મનુષ્યરૂપે મળ્યા હોય ને તેમને યથાર્થ મહિમાએ સહિત જાણ્યા હોય, તો તેનું કલ્યાણ આત્માને વિષે સાક્ષાત્કાર થયો હોય તેના જેવું જ થાય; એટલો પ્રત્યક્ષ મળ્યાનો વિશેષ છે.” ।।૬૯।।