સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૧૦ને રોજ સવારે સભામાં સારંગપુરનું ૧૬મું વચનામૃત વંચાતું હતું. તેમાં નરનારાયણ ઋષિ ભરતખંડના સર્વે મનુષ્યોના કલ્યાણને અર્થે ને સુખને અર્થે તપ કરે છે એમ આવ્યું.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીનરનારાયણ તપરૂપી ફળ આપે છે અને શ્રીજીમહારાજ તથા તેમના લાડીલા અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજની મૂર્તિના રસરૂપી સુખ લઈને મુમુક્ષુઓને આપે છે. શ્રીજીમહારાજે માંગરોળમાં વાવ ગળાવી તે જ્ઞાનરૂપી વાવ જાણવી. તેમાંથી અમૃતરૂપી જળે કરીને અનંત જીવોને સુખિયા કર્યા. તે કરોડો જીવોને તથા ઈશ્વરોને તથા અનંત બ્રહ્મની કોટિઓને તથા અક્ષરોને પણ સુખ આપે છે; પણ મહારાજ તથા મુક્ત પ્રત્યક્ષ મળ્યા વિના કૂદકો લઈને સુખ લેવાય એવું નથી. અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા છે ને મૂર્તિનું સુખ લઈને જીવમાં પ્રવર્તાવે છે.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જીવમાં મહારાજ પધરાવ્યા ક્યારે કહેવાય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારે મોટા મળે ને નવો જન્મ આપે ને આશીર્વાદ આપે, તેમાં મૂર્તિ પધરાવી દે ને તે મૂર્તિનું ધ્યાન કરે તો મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને ધ્યાન ન કરે તો અંત સમયે મોટા મૂર્તિનો મેળાપ કરાવે.” ।।૭૪।।