સંવત ૧૯૮૪ના ચૈત્ર વદ ૦)) અમાસને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ સંત અમારી ગાયો છે. આ સંત સુખી તો અમે સુખી અને આ સંત દુઃખી તો અમે દુઃખી. કેમ જે આવા સંતને જોગે ભગવાન ઓળખાય. તે વિના સર્વોપરી ભગવાન પ્રત્યક્ષ વિચરતા હોય તોપણ ઓળખાય નહિ. સૂર્ય, ચંદ્ર, શિવ, બ્રહ્માદિક કોઈ આ બ્રહ્માંડથી આગળ નથી ગયા. પુરુષોત્તમનારાયણ તો સર્વેના કારણ છે, એમનો કોઈ કર્તા નથી. એ સૌના કારણ છે, કર્તા છે, નિયંતા છે, આધાર છે; એમ સમજે તો કામ થાય. કાં તો મહારાજની મૂર્તિના સુખભોક્તા આવા સંત મળે તો આગળ જાય એટલે એ વાત સમજાવે. આ બધા સંત આવ્યા છે તે મૂકશે નહિ, ઉપાડી જશે એટલે ઠેઠ મહારાજની પાસે લઈ જશે.” એમ રમૂજ કરી.
પછી બપોરના ત્રણ વાગે બાપાશ્રી તથા સંત-હરિભક્તો સર્વે છત્રીએ ગયા ત્યાં સૌ દર્શન કરી ધર્મશાળામાં બેઠા. પછી બાપાશ્રીએ મહારાજના મહિમાની ઘણીક વાતો કરીને સર્વેને સુખિયા કર્યા. તે વખતે નારાયણપુરથી ખીમજીભાઈ તથા હરજીભાઈ આદિ ચંદન ઘસીને તથા હજારી ફૂલના હાર તૈયાર કરીને લાવેલા તેથી બાપાશ્રીની અને સંતોની પૂજા કરી હાર પહેરાવ્યા.
બાપાશ્રીએ પણ સૌના ભાલે ચંદન ચર્ચ્યું ને બોલ્યા જે, “આ ચંદન દુર્લભ છે, ચર્ચનારા પણ એવા જ છે. આ સંત પણ મૂર્તિમાં રહેનારા છે તેથી સૌને ચમકની પેઠે ખેંચે છે. એ જ્યાં બેઠા હોય ત્યાં સભા ભરાઈ જાય છે.”
સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોની પ્રશંસા કરતા બોલ્યા જે, “અમે આવા સંતના જોગ-સમાગમ ને રાજીપાથી સુખિયા છીએ.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “બાપા! આપે સાજા સત્સંગને સુખિયો કર્યો છે. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં આપના એવા સમાચાર મળે છે કે, ‘આજ અમને બાપાશ્રીનાં દર્શન થયાં, અમારા પર અતિ પ્રસન્નતા જણાવી, મહારાજ તથા સંતનાં મંડળ પણ સાથે હતાં, આમ કહ્યું, આમ ભલામણ કરી.’ આવી રીતે આપે આ સમે સત્સંગમાં બહુ દયા વાપરી છે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજ સૌને સુખ આપે છે. એ મૂર્તિ જ એવી ચમત્કારી છે. મૂર્તિમાં રહેનારા મુક્ત તો મૂર્તિ ભેળા જ હોય.”
એમ વાત કરતા હતા ત્યાં ગોધાવીના માસ્તર જગન્નાથ તથા તેમના દીકરા મણિલાલે આવી બાપાશ્રીને પગે લાગી જય સ્વામિનારાયણ કર્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આ માસ્તરને ઓળખ્યા?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા, આ તો ખરેખરા વિશ્વાસી ને પ્રેમી. આપણે જ્યારે સાણંદ દરબારને ત્યાં ગયા હતા ત્યારે ત્યાં તેડવા આવેલા જે, ‘બાપા! સ્વામી આદિ સંતોને લઈને અમારે ગામ ગોધાવી પધારો.’ પણ આપણે ઉતાવળ હતી તેથી એમ કહ્યું જે, ‘માસ્તર, આપણે સદાય ભેળા જ છીએ. અમે તમારે ગામ આવ્યા એમ જાણી રાજી રહો.’ ત્યારે તે કહે, ‘બહુ સારું, જેવી આપની મરજી.’ એવા વિશ્વાસી છે.” એમ કહી તે બન્નેને બાપાશ્રીએ ચંદન ચર્ચી પોતાના કંઠમાંથી ઉતારી હાર પહેરાવ્યા ને માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવી.
પછી સૌ સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી છત્રીની ધર્મશાળા પર અગાસીમાં પધાર્યા. ત્યાં સંતોએ બાપાશ્રીનું વચમાં આસન કર્યું ને ફરતા સૌ ગરબી ગાયા. પછી એ સર્વેને મૂર્તિમાં રાખવાનો વર આપી સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।।૧૪૧।।