સંવત ૧૯૮૩ના આસો સુદ-૪ને રોજ દહીંસરાના મંદિરમાં નિત્યવિધિ કરીને બાપાશ્રી આસને બેઠા. તે વખતે રામપુરથી દેવરાજભાઈ આવ્યા. તેમણે બાપાશ્રી તથા સંતોને પોતાને ગામ લઈ જવાની પ્રાર્થના કરી.
ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ દેવરાજભાઈ રામપુર લઈ જવાની પ્રાર્થના કરે છે તે જાવું જોશે અને આ ગોડપુરના હરિભક્તો પણ તેમને ગામ લઈ જવા આવ્યા છે.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! પ્રથમ રામપુર જઈએ, પછી ગોડપુર જઈશું.”
પછી વચનામૃતની કથા થતી હતી. ત્યારે ખીમજીભાઈએ કહ્યું જે, “બાપા! આજ આપ રામપુર પધારવાના છો તેથી થાળ વહેલા તૈયાર થયા છે, માટે જમવા પધારો.” ત્યારે કથાની સમાપ્તિ કરીને ખીમજીભાઈને ઘેર બાપાશ્રી જમવા પધાર્યા. થોડીવારે પાછા મંદિરમાં આવી સંત-હરિભક્તોએ સહિત રામપુર જવા તૈયાર થયા, ત્યારે ગામના હરિભક્તો સૌ વળાવવા આવ્યા.
તે સર્વેને રાજી કરીને બપોરે ચાર વાગે બાપાશ્રી રામપુર પહોંચ્યા. ત્યાં મંદિરમાં ઉતારા કરી તરત જ ગંગામાં સ્નાન કરવા ગયા. સાથે ગામના કેટલાક હરિજનો હતા. ત્યાં વસ્ત્ર ઉતારી સંતોએ સહિત કીર્તન બોલતાં નાહીને પરસ્પર જળ ઉછાળી બાપાશ્રી સૌને મળ્યા. પછી વસ્ત્ર પહેરી નદીના કાંઠા ઉપર સર્વે માનસી પૂજા કરવા બેઠા. જાગૃત થયા ત્યારે હરિભક્તોએ બાપાશ્રી તથા સંતોની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી.
એ સમયે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “આપણે બધા આંખો મીંચીને માનસી પૂજા કરતા હતા ત્યારે ઓચિંતાનું નદીનું પૂર બે કાંઠે આવ્યું હોય તો કેમ થાય?”
ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા! મહારાજની મૂર્તિમાં અખંડ રહેવાનું મળે.”
ત્યારે બોલ્યા જે, “તો તો ઠીક.” એમ કહી સૌ મંદિરમાં પધાર્યા. રાત્રે સભામાં પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં અમારી મૂર્તિ વિના અક્ષરપર્યંત સર્વે વિસારી દેવું એમ વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ વચનામૃતમાં તો શ્રીજીમહારાજના આશ્રિતને શ્રીજીમહારાજે પોતાની મૂર્તિ વિના બીજું કોઈ પ્રધાન રહે તેવું રાખ્યું નથી, તોપણ કેટલાક પરોક્ષ અવતારમાં જ અટકી પડે છે, તે આવા વચનને સમજી શકતા નથી.”
“હમણાં અહીં એક સાધુ આવ્યા હતા. તે વિદ્વાન કહેવાતા હતા, પણ મહારાજને ને અવતારને જુદા જાણતા નહિ તેથી વચનામૃત વાંચે ને સભામાં વાતો કરે જે, ‘મહારાજ ને બીજા અવતાર ક્યાં જુદા છે?’ તેને અમે કહ્યું જે, ‘તમે અમદાવાદનું ૭મું વચનામૃત વાંચો.’ ત્યારે તે કહે, ‘એ તો પાછળથી વચનામૃત થયાં છે. અમારા દેશની પ્રતમાં એ નથી.’ પછી અમે કહ્યું જે, ‘પ્રથમ પ્રકરણનું ૨૪મું વચનામૃત વાંચો, એ તો તમારા દેશની પ્રતમાં છે ને?’ ત્યારે તેમણે એ વચનામૃત વાંચ્યું તેમાં ‘જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને એનું કાર્ય એ કાંઈ નજરમાં આવતું નથી; એકરસ ચૈતન્ય ભાસે છે. તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે; બીજો કોઈ આકાર રહેતો નથી. ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિ જે પોતે તેમાં અખંડ વૃત્તિ રાખવાથી એવી સ્થિતિ થાય છે’ તેમાં એમ આવ્યું તેથી કાંઈ બોલ્યા નહિ.”
“પછી અમે કહ્યું જે, ‘મધ્યનું ૬૨મું વચનામૃત છે તેમાં જેને દાસત્વભક્તિ હોય તેને પોતાના ઇષ્ટદેવનું દર્શન, તેનો સ્વભાવ તથા તેની જ વાર્તા સાંભળવી ગમે, તે આપણા ઇષ્ટદેવ કયા?’ ત્યારે તે કહે, ‘મહારાજ.’ બીજું શું બોલે!”
“પછી અમને પૂછ્યું જે, ‘મહારાજે મંદિરમાં પોતાની જ મૂર્તિઓ કેમ ન પધરાવી ને તે અવતાર કેમ પધરાવ્યા?’ ત્યારે અમે કહ્યું જે, ‘એ તો શ્રીજીમહારાજે પોતે જે લોજ, માંગરોલ આદિકમાં અવતાર રૂપે દર્શન આપ્યાં હતાં તે પોતાની જ મૂર્તિઓ પધરાવી છે, તોપણ તેનું ધ્યાન થાય નહિ. ધ્યાન તો મૂળ મૂર્તિ જે સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, શ્રીહરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ એ નામની મૂર્તિઓનું જ થાય; કેમ જે એ કારણ મૂર્તિ છે.”
“તે લોયાના ૧૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે આજ્ઞા કરી છે જે, ‘અમારા આશ્રિતને અમારું જ ધ્યાન કરવું, પણ પૂર્વે અવતાર થઈ ગયા તેનું ધ્યાન ન કરવું.’ તેમાં અવતાર-અવતારીની વિક્તિ સમજાવી છે.”
“તેમજ છેલ્લાના ૧૬મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે, ‘ભગવાનના ભક્તને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતા જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે તેને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ.’ એ વચન પ્રમાણે બીજા અવતારમાં સ્વામિનારાયણ ભગવાન જેવો ભાવ બેસે તો પતિવ્રતાપણું જાય; એટલા માટે એ જ વચનામૃતમાં વ્યભિચારિણીના જેવી તથા પોતાનું નાક કપાય તેવી ભક્તિ કરવાની ના પાડી છે. આવી રીતે મહારાજે વચનામૃતમાં ખુલાસા કર્યા છે તોય આપણે ન સમજીએ તો પછી મહારાજનો મહિમા શું જાણ્યો!”
“પછી તો તે સાધુ સમજી ગયા ને કહેવા લાગ્યા જે, ‘બાપા! મારે તો પંચતીર્થી લેખે લાગી. મેં તો આજ સુધી જેને જેને વાતો કરી છે તેને મહારાજ ને અવતારનું ભેળું ને ભેળું વર્ણન કર્યું છે. તે મહારાજ રાજી થાય તો ઠીક. હું તો એમ જાણતો જે આ સત્સંગમાં કેટલાક અવતાર-અવતારીનાં જ્ઞાનનાં ચૂંથણાં કરે છે, તેમાં ભગવાનનો અપરાધ થાય છે. પણ હવે તો મને એમ સમજાય છે જે મહારાજ જેવા છે તેવા ન ઓળખાય તો જ અપરાધ થાય.’”
“ત્યારે અમે કહ્યું જે, “મોટા સદ્ગુરુઓએ વાતોમાં જે જે લખ્યું છે તે તો કેટલાક મોટાનો મહિમા ન જાણનારા ને પોતાના ડહાપણના ડોડવાળા એમ કહે છે કે, ‘એ તો વાતોમાં લખ્યું છે ને!’ એવાને શું સમજાવવું! પણ જો પોતાની બુદ્ધિનો ડોડ મૂકીને મોટાને મન, કર્મ, વચને સેવે ને તેના વચનમાં વિશ્વાસ કરે તો આવી વાત હાથ આવે. શ્રીજીમહારાજ જેવા સર્વોપરી ભગવાન મળ્યા ને ગોળ-ખોળ એક કરે તેને બીજું શું કહેવું!”
“અ.મુ. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રગટ થવાના છ હેતુ લખ્યા. તેમાં અવતાર તથા અવતારના ભક્તને પોતાની ઉપાસના અને પોતાનું જ્ઞાન આપી પોતાની મૂર્તિને પમાડવાપણું લખ્યું. તે જો અવતાર-અવતારી એક હોય તો એમ મહારાજ શું કરવા કરે! શાસ્ત્ર ભણેલાઓને આવી વાતો કેમ સમજાતી નહિ હોય! અમને તો નવાઈ લાગે છે. શાસ્ત્રમાં શબ્દછળ હોય તથા દ્વિઅર્થી હોય તે મોટા દયા કરી સમજાવે તો ખરા, પણ તે મનાય નહિ તેથી આવી વાતો ન સમજાય.”
“સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે, ‘જેમ તીર ને તીરના નાખનારામાં ભેદ, રાજા ને રૈયતમાં ભેદ, ચંદ્રમાં ને તારામાં ભેદ.’ એવાં વચન ન સમજાય તેને શું કહેવું?”
“અમારા ગુરુ સદ્. નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં લખ્યું છે જે, ‘આ મૂર્તિને ભજીને તો અનંત કમળાપતિ થાય છે.’”
“વળી મહારાજ અમદાવાદના ૭મા વચનામૃતમાં લખે છે કે, ‘મારા વિના બીજો કોઈ પુરુષોત્તમ દેખ્યો નહિ.’ આમ શ્રીજીમહારાજ જેવા સર્વોપરી ભગવાન દયા કરીને પોતાનું મિષ લઈને સમજાવે તોય ન સમજાય તેને શાસ્ત્ર શું કામ કરી દે!”
“આવી વાતો કરી તેથી તે સાધુને તો અમારે વિષે હેત બહુ થઈ ગયું. પછી વારે વારે એમ બોલે જે, ‘બાપા! હું તો સાધુ આજ થયો એવું મને લાગે છે.’ આમ મોટાનાં વચન મનાય તો કામ સરે.”
“અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે જે, ‘મને મહારાજે એમ કહ્યું જે મારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો ત્યાં સુધી તમને આ દેહમાં રાખીશ.’ તથા અ.મુ. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘અમને તો સ્વામિનારાયણ ભગવાને કાનમાં છાના મંત્ર ફૂંક્યા છે તેથી મહારાજને જેવા છે તેવા કહીશું.’”
“વળી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, ‘ધન્ય ધન્ય આ અવતારને રે, જોવા રાખી નહિ જોડ.’ તથા ‘અષાઢી મેઘે આવી કર્યા રે, ઝાઝાં બીજા ઝાકળ.’”
“આવી જ રીતે સદ્. નિર્ગુણદાસજી સ્વામી વાતો કરતા તેથી તેમને ઉપાધિ બહુ થઈ હતી. જ્યારે શ્રીજીમહારાજે દર્શન દઈને ધ.ધુ.આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું ત્યારે વાત સમજાણી.”
“આગળ મોટા મોટા સંતો જાણતા, પણ જીવ પાત્ર નહિ તેથી જેમ જેમ સમજતા ગયા તેમ તેમ દૃષ્ટાંત આપીને સમજાવતા ગયા. શાસ્ત્રમાં તો અનંત જીવને હળવે હળવે પોતાને વિષે હેત થાય ને મહિમા જણાય તેવાં લખાણ હોય તથા સર્વોપરી વાતો પણ હોય. એ વાત મોટા મુક્ત વિના પોતાની બુદ્ધિબળે સમજવા જાય તેથી ગોળ-ખોળ એક હારે ગણે. તે ઉપર મહારાજ તથા મોટા રાજી ન થાય ને જાણે જે, ‘આને આપણા મહિમાની કે ઐશ્વર્ય-પ્રતાપની ખબર નથી.’ આ તો અલૌકિક અવતાર ને અલૌકિક રીત તે જે જાણતા હોય તે જાણે.”
“મહારાજે પંચાળાના ૧લા વચનામૃતમાં એમ વાત કરી છે જે, ‘જ્યારે અક્ષરધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે બીજાં સુખ ઊતરતાંથી ઊતરતાં થઈ જાય છે.’ પછી કહ્યું જે, ‘જેવું આ ભગવાનમાં સુખ છે તેવું કોઈને વિષે નથી.’ તે મશાલનું દૃષ્ટાંત દઈ સમજાવ્યું છે.”
“માટે મહારાજ તો સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર, એ જેવા એ એક છે. એના આશ્રિત થઈને હવે બીજાં દૃષ્ટાંત ને સિદ્ધાંત મેળવવા બેસીએ તો શું વળે? એ તો કણ મૂકીને કુશ્કા લીધા જેવું થાય. કેટલાક તો વચનામૃત વાંચીને ઊલટા પાછા વળે છે ને કહે છે કે, ‘મહારાજ રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે ને તમે તો મુક્ત ને મહારાજનું ધ્યાન કરવાનું સમજાવો છો.’ તેવાને આવી વાતો ક્યાંથી હાથ આવે! તેવા સાધારણ જીવો ઉપર પણ આપણે દયા રાખવી.”
એમ કહીને બોલ્યા જે, “કેટલાક તો શાસ્ત્રના ભણેલા હોય, પણ મોટાનો વિશ્વાસ ને જોગ વિના અટકીને ઊભા થઈ રહે છે ને કહે છે કે, ‘જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી.’ તે સદ્. શુકાનંદ સ્વામીએ હરિવાક્યસુધા સિંધુના અર્થમાં પૂર્વ અવતારનાં સ્થાન મથુરા, દ્વારકા આદિક લખ્યાં છે, તેથી એમ સમજે કે એ સ્થાનની ને એ અવતારની લીલા સંભારવી; પણ અવરભાવ-પરભાવને ન સમજ્યા હોય તેને આવી વાત ક્યાંથી સમજાય? પરભાવમાં તો મહારાજ ને મહારાજના મુક્ત તે અવતાર-અવતારી સમજવાના છે.”
“શ્રીજીમહારાજ શિક્ષાપત્રીમાં લખે છે જે, ‘હું શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું.’ તે જો લખેલું વાંચી પરભાવનો અર્થ ન સમજવો હોય તો મહારાજનું ભગવાનપણું ક્યાંથી હાથ આવે! વચનામૃતમાંથી પણ સમજતાં ન આવડે ને બુદ્ધિબળે વાંચી વિચારે ને મોટાનો વિશ્વાસ ન હોય એ શું સમજે?”
“જુઓને! એક ઠેકાણે ‘અમે નરનારાયણ છીએ’ એમ કહ્યું, બીજે ઠેકાણે ‘નરનારાયણને અને અમારે સુધો મનમેળાપ છે’ એમ લખ્યું. એવી જ રીતે ‘હું ભગવાનના ભક્તનો ભક્ત છું’, ‘તમે મને ભગવાન જાણો છો’, ‘તમારો આચાર્ય, ઉપદેષ્ટા, ગુરુ, ઇષ્ટદેવ એવો જે હું’, તથા ‘નરનારાયણ અમારા હૃદયમાં બિરાજે છે’, ‘અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને મંદિર કર્યાં છે’, નરનારાયણ ભરતખંડના રાજા છે’, ‘આ ભગવાનમાંથી સર્વે અવતાર થાય છે’, ‘અક્ષરધામના ધામી તમારી સભામાં બિરાજે છે’, ‘અમારે શ્રીકૃષ્ણને વિષે કોટિગણું હેત છે’, ‘તેજમાં મૂર્તિ છે તે અમે પોતે જ છીએ’, એવાં વચન પોતાની મેળે ન સમજાય એટલે વરુણના દીકરાની પેઠે કહે જે, ‘વધુ સમજીશ તો અપરાધ થઈ જશે.’ એમ કહી પરોક્ષ અવતાર ને મહારાજનું એકમેક વર્ણન કરે. તેને બીજું શું કહેવું!”
“તે તો સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું જે, ‘સ્વપ્નમાં ઘોડાનો પગ ભાંગ્યો, તે એકસો ઘોડા ઉપર સવારી કરીને ભડાકા કરે ને બધા ઘોડા દોડે ત્યારે તે પગ ઊપડે. તેમ જેને શાસ્ત્રનાં વચનથી વહેમ બંધાઈ જાય છે, તેને તો મહારાજના મોટા મુક્ત દયા કરીને સમજાવે ને તેનાં વચનમાં વિશ્વાસ લાવે તો જ સમજાય.” એમ વાત કરી. ।।૨૧।।