સંવત ૧૯૮૩ના આસો સુદ-૮ને રોજ સવારે વચનામૃતની કથા વાંચવાનો આરંભ કર્યો ત્યારે એક હરિભક્ત દર્શને આવેલ તેમણે બાપાશ્રીને વાત કરી જે, “હું ઘણી વખત ભુજના મંદિરમાં દર્શને જાઉં છું. હમણાં અમદાવાદના સાધુ આવેલા તેમણે સભામાં વાત કરી જે, ‘નરનારાયણ ભગવાનની જે મૂર્તિઓ છે તે સ્વામિનારાયણ પોતે જ છે; બદરિકાશ્રમમાં રહ્યા છે એ નહિ.’ તેમની સાથે મારે વાતચીત થતાં તેમણે તો ‘સ્વામિનારાયણ વિના બીજા ભગવાન કોઈ છે જ નહિ, એ એક જ ભગવાન છે’ એમ કહ્યું. પછી તેઓ ત્યાંથી ગામડામાં ગયા છે. એ વાત મારા સાંભળવામાં આ ફેરે જ આવી તેથી મને સમજાણી નહિ. તો એ વાત જેમ હોય તેમ દયા કરીને મને સમજાવો. મારે તમારો ખરો વિશ્વાસ છે.”
ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, “તમને જે સાધુએ વાત કરી હતી તે સાધુ અહીં જ છે, હમણાં નાહવા ગયા છે તે આવે છે.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજી નાહીને આવ્યા ત્યારે તે કહે, “આ એ જ.”
પછી તો સ્વામીએ તેને બહુ રીતે વચનામૃતમાંથી સમજાવ્યા. તેથી ઘણા રાજી થઈને એમ બોલ્યા જે, “બાપા! તમારી પાસે દર્શને આવવાથી આ લાભ મને મોટો મળ્યો, હવે મને આ વાત સમજાણી.”
પછી બાપાશ્રીએ વાત કરી જે, “સત્સંગમાં મહારાજને સર્વોપરી જાણવા અને જણાવવા એ કામ બહુ જબરું છે. શ્રીજીમહારાજ પોતે પ્રત્યક્ષ દર્શન દેતા તોપણ જ્યારે ‘આ મૂર્તિ સૌથી નોખી છે, આ મૂર્તિને સુખે અનંત મુક્તો સુખિયા છે, મોટા મોટા અક્ષરાદિક અવતારો ને તેમના મુક્તો આ મૂર્તિનું ધ્યાન કરે છે’ એમ વાત થતી ત્યારે કેટલાક મૂંઝાતા. અ.મુ. ગોપાળાનંદ સ્વામી જેવા મહા સમર્થ મુક્તને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા. પણ એવા જીવને ખબર ન પડે કે આ ભગવાન કેવડા મોટા છે, એમના મુક્ત કેવા સમર્થ છે. જુઓને! નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘આ મૂર્તિ સૌથી નોખી, આચરજકારી છે; કહું છું ચોક્કસ વાત ચોખી આચરજકારી છે.’ એવી રીતે મોટા મુક્તોએ મહિમા કહ્યો છે. મહારાજને તથા મોટા મુક્તને જીવો ઉપર અપાર દયા છે તેથી જેમ જેમ મહિમા સમજાય તેમ સમજાવે છે.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આપે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકામાં આ બધીએ વાત સમજાવી છે તથા આપ વાતો કરો છો તેમાં એ ભાવ ઘણો આવે છે. તેથી સત્સંગમાં હવે મહારાજ તથા મોટાનો મહિમા, અવતાર-અવતારીનો ભેદ ઘણા સમજી ગયા છે ને બીજા ધીરે ધીરે સમજશે. અ.મુ. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિક મુક્તોએ એ જ કામ કર્યાં છે. તોપણ અનાદિકાળનું અજ્ઞાન જીવને વળગ્યું છે, તેથી આવી વાતો ઝટ સમજી શકતા નથી.”
એમ કહીને બોલ્યા જે, “શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણવા એ તો બહુ ભારે વાત છે. આ વાત સમજાવવા મોટા મોટા સંતોએ બહુ દાખડા કર્યા છે, ઉપાધિઓ સહન કરી છે.”
પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, “એક વખત ગઢપુરમાં મહારાજે ઉદાસી જણાવી તે થાળ તૈયાર થયો તોય જમવા ઊઠે નહિ. મૂળજી બ્રહ્મચારી કહે, ‘મહારાજ! થાળ ઠરી જાય છે માટે જમવા પધારો; જ્યારે આપ જમશો ત્યારે જ સંતોની પંક્તિ થશે.’ ત્યારે મહારાજ કહે, ‘ચાલો.’ પછી થાળ જમતાં ઉદાસી જણાવતા હોય તેમ થોડુંક જમ્યા ને પાછા અક્ષર ઓરડીમાં આવીને પોઢ્યા.”
“થોડીકવાર પછી સદ્. ગોપાળાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને કહ્યું જે, ‘મહારાજ! આજ કેમ ઉદાસ જણાઓ છો?’ ત્યારે મહારાજ કહે, ‘સ્વામી! આપણે અક્ષરધામમાંથી મોટા મોટા અવતારોનો તથા તેમના ભક્તોનો તથા અનંત જીવોનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ, પણ તમારા જેવા સંતો જ્યારે અમારા સ્વરૂપની જેમ છે તેમ વાતો કરે છે ત્યારે તેઓ સમજી શકતા નથી ને પોતાની પૂર્વની સમજણને લઈને તમારા જેવા મોટા મુક્તોને વાતો કરતાં અટકાવે છે ને સમજવા દેતા નથી. કેટલાક સાધારણ જીવો તો અનાદિકાળના અજ્ઞાનથી પરવશ થયેલા તમારા જેવા સંતોને અનેક પ્રકારના ઉપદ્રવે કરીને કુરાજી કરે છે. તેથી આજ અમને એ વાતની ઉદાસી થઈ આવી.’”
“પછી મહારાજ એમ બોલ્યા જે, ‘સ્વામી! તમારા દાખડા બહુ છે તે અમે જાણીએ છીએ. તમે અમારા સારુ અજ્ઞાની જીવોના માર તથા અપમાન સહન કરો છો તેથી અમને ઘણું દુઃખ થાય છે.’ એમ કહીને મહારાજના નેત્ર આંસુથી ભરાઈ આવ્યાં. પછી ગોપાળાનંદ સ્વામી કહે, ‘મહારાજ! આપ રાજી રહો; અમને કાંઈ દુઃખ નથી.’ ત્યારે મહારાજ કહે, ‘સ્વામી! અનંત ધામના મુક્તો તથા અધિપતિઓ જેવી મારી મૂર્તિ છે, જેવો મારો મહિમા છે, જેવું મારું સામર્થ્ય છે તેને જાણે તો અમારો ને તમારો દાખડો લેખે આવે.’ એમ કહી પોઢી ગયા.”
“આવી રીતે શ્રીજીમહારાજે પોતાની રુચિ અ.મુ. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સર્વોપરી સંતને કહી હતી. તોપણ હજી સુધી કેટલાક એવી વાતો સમજતા નથી. તે મહારાજની દયાથી ધીરે ધીરે સમજશે. આપણે તો સૌ ઉપર દયા રાખવી. દયા તે શું? તો મહારાજ સર્વોપરી છે એ વાત સમજાવવી.” ।।૨૬।।