(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧) સંધ્યા આરતી થયા પછી સભામાં પ્રથમ પ્રકરણનું ૬૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં અંત સમે આત્મનિષ્ઠા કેટલી સહાય કરે છે એમ આવ્યું.
ત્યારે ગોરધનભાઈએ પૂછ્યું જે, “આમાં અંત સમયનું લખ્યું છે તે તથા દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે એમ કહેવાય છે તે કઈ રીતે સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દેહ મૂકીને ભગવાનના ધામમાં જાવું છે એમ કહેવાય છે એ અંતસમો જાણવો. તે દેહ મૂક્યો ક્યારે કહેવાય? તો આ જીવને જ્યારે મહારાજ તથા મોટા મળે અને તેમનો જોગ-સમાગમ કરવા થકી ‘હું દેહથી જુદો આત્મા તે પુરુષોત્તમરૂપ છું’ એમ મનાય એટલે દેહ મૂક્યો કહેવાય. તે છતે દેહે દેહનો અંતસમો સમજવો. મહારાજ ને મુક્ત મળ્યા વિના અને તેમને વિષે આપોપું કર્યા વિના પંચભૂતનો દેહ છૂટે છે, પણ પાછો બંધાય છે; માટે છૂટ્યો ન કહેવાય.”
“અને દેહ છતે જ અક્ષરધામમાં જાવું-આવવું તથા પામવું અને મૂર્તિના સુખમાં જવું-આવવું અને તે મૂર્તિને પામવું, તે ઉધારો મટીને પામવા યોગ્ય જે શ્રીજીમહારાજ તેને છતે દેહે પામ્યા પછી મોક્ષ થવાનો છે કે તે મૂર્તિ વિના બીજે ક્યાંય અક્ષરધામ કે અનંત કોટિ મુક્ત કે બીજાં જે જે અનંત કોટિ ઐશ્વર્ય, સ્થાનક કે યત્કિંચિત સુખ તે મૂર્તિ વિના બીજે છે એમ ભાસે જ નહિ, સર્વે મૂર્તિમાં ભેગું જ છે; આવું જ્ઞાન મોટા અનાદિમુક્ત થકી પામ્યા તેને મોક્ષ થાવો છે કે પામવાનું બાકી છે કે કાંઈ સુખ હજી રહી ગયું છે એમ રહે નહિ. અને શ્રીજીમહારાજનાં નિત્ય નવાં સુખ, ઐશ્વર્ય, મહિમા તે વધતાં જ જાય છે. તેને પોતે ભોગવતો થકો જળમાં માછલાં આનંદ પામે છે તેમ આનંદ પામતો થકો અનંત મુક્ત તેણે સહિત શ્રીજીમહારાજના સુખમાં રમે છે.”
એમ વાતો કરતાં થકા અતિ પ્રસન્ન થઈને બોલ્યા જે, “મોટા અનાદિનો જોગ જેને થયો છે તેને આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવી દીધી છે, પણ તે જોગ કરનારને ખબર નથી, પણ તે જોશે ત્યારે દેખાશે. ‘સર્વેને સન્મુખ ભાસે રે સર્વે સામું જોઈ રહ્યા.’”
એમ બોલીને કહ્યું જે, “સૂર્ય અને ચંદ્રને જે જુએ તેને આકાશમાં પોતા પસોર લાગે, તે સર્વે પૃથ્વીમાં જ્યાં જ્યાં જુએ અને જે જે જુએ તે સર્વેને પોતા પસોર દેખાય છે; તેમ પુરુષોત્તમ ભગવાન સર્વે મુક્તોને સન્મુખ અને સામું જોઈ રહ્યા છે તેમ ભાસે છે. વળી પુરુષોત્તમરૂપ જે મહામુક્તના સમાગમ, સેવા, આશીર્વાદ વડે કરીને જે મુક્ત થયા તે સર્વે જેટલામાં પુરુષોત્તમની દૃષ્ટિ પહોંચે છે, જેટલું પુરુષોત્તમ જાણે છે તેટલું જાણે છે ને દેખે છે. જેમ સૂર્યની દૃષ્ટિને પામ્યા એવા જે પુરુષ તે જેટલામાં સૂર્યની દૃષ્ટિ પહોંચે છે તેટલામાં તેની પણ દૃષ્ટિ પહોંચે છે તથા જેટલું પુરુષોત્તમ જાણે છે તેટલું જાણે છે. ને તે મુક્ત પુરુષોત્તમ જેટલું દેખે છે તથા જ્યાં પુરુષોત્તમ ભગવાન હોય ત્યાં તે પણ હોય અને તેટલું દેખે. ત્યારે પુરુષોત્તમ તો સર્વત્ર છે, સર્વત્ર દેખે છે, જાણે છે, તેવા તે મહામુક્ત પણ છે. એમ પુરુષોત્તમથી જરાય જુદા રહેતા નથી અને અજાણ્યું પણ કાંઈ નથી.”
એમ વાત કરતાં સમય થયો ત્યારે સમાપ્તિ કરી અને સહજાનંદ સ્વામી મહારાજની જય બોલતાં થકા શયન આરતી થઈ તેથી મંદિર ઉપર દર્શન કરવા પધાર્યા. ।।૩૩।।