(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૩) રાત્રે સભામાં વાત કરી જે, “ભાગવતી તનુ આવે છે એટલે ભગવાનની મૂર્તિમાં રાખે છે એમ જાણવું. તે સારંગપુરના ૧૪મા વચનામૃતનો ભાવ છે અને મધ્ય પ્રકરણના ૬૬મા વચનામૃતમાં ભગવાનની ઇચ્છાએ કરીને ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એમ કહ્યું છે. એ ચૈતન્ય પ્રકૃતિ એટલે મૂર્તિનું તેજ અને તેજ સ્વરૂપ થયેલા મુક્ત તે અહીં ચૈતન્ય પ્રકૃતિ જાણવી. તે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એટલે ચૈતન્ય પ્રકૃતિરૂપ થયો જે ભક્ત તે ભગવાનની ઇચ્છાથી સાકાર થાય છે.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “અનાદિમુક્ત થાય છે તે કયા શબ્દથી જાણવું?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘અતિ સ્નેહે કરીને ભગવાનને વિષે લીન થઈ જાય છે’, ‘એવા મુક્તને ભગવાન પોતા જેવો કરે છે’, ‘એ ભક્ત જેવા ભગવાનને જાણે છે તેવો થાય છે’, ‘આત્મસત્તાને પામ્યા પછી ભગવાનની કૃપાથી ભગવાનના તુલ્યપણાને પામે છે અને મૂર્તિને વિષે લીન થાય છે’ એવા એવા શબ્દથી જાણવું. તે બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું છે કે, ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મિસરી પય માંહી ભળી.’ તે અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ જોડાઈ રહ્યા છે, મૂર્તિરૂપ છે; તોપણ સ્વામી-સેવકભાવ દૃઢ રહે છે. માટે મહારાજ અને મોટાને જેવા જાણશું તેવા થાશું.”
પછી મધ્ય પ્રકરણનું ૧૩મું વચનામૃત વંચાતું હતું તેમાં રહસ્યની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘મોટા મોટા હો તે આગળ બેસો’ તે સાધનકાળનો તથા અવરભાવનો શબ્દ છે અને ‘સર્વે સરખા જણાય છે’ એમ કહ્યું તે સિદ્ધકાળમાં સરખા છે તે પરભાવનો શબ્દ છે. ‘અમારા હૃદયમાં તેજ વ્યાપી રહ્યું છે તે તેજમાં મૂર્તિ દેખાય છે’ તે સાધનકાળમાં પરમ એકાંતિક ભક્તની સ્થિતિ દેખાડી છે. પછી કહ્યું છે જે, ‘અમે માતાના ઉદરમાં હતા તે દિવસ પણ મૂર્તિ દેખતા અને માતાના ઉદરમાં આવ્યા પહેલાં પણ દેખતા’ તે સિદ્ધમુક્તની સ્થિતિ દેખાડી છે. સર્વે અવતાર પુરુષોત્તમમાં લીન થાય છે અને પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે તે અનાદિમુક્ત જાણવા. પુરુષોત્તમ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે પ્રગટ થાય છે એટલે રામકૃષ્ણ તે મૂર્તિને પમાડનાર મુક્ત જાણવા. તે મુક્ત રૂપે સત્સંગમાં પ્રગટ થાય છે. મનુષ્યરૂપ અને પ્રતિમા તો એક જ છે તેથી ‘અમે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ’ ને ‘તેજને વિષે જે મૂર્તિ છે, તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે’ એમ કહ્યું છે તે પોતાનું સર્વોપરીપણું બતાવ્યું છે. ‘આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કર્મે કરીને ઊંચ-નીચ દેહની પ્રાપ્તિ થાય’ એમ કહ્યું છે તે આવું જ્ઞાન જેને થયું હોય તેનું પ્રારબ્ધ તો મહારાજ થયા કહેવાય, પણ જો ભૂંડા દેશકાળને લઈને વર્તમાનમાં ફેર પડે તો પ્રારબ્ધ પાછું વળગે છે. તેણે કરીને જન્મ લેવો પડે અને જ્ઞાન રહે તેણે કરીને પાછો ભગવાનને પામે.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બાપા! તેજમાં મૂર્તિ ક્યારેક બેઠી દેખાય છે, ક્યારેક હરતી-ફરતી દેખાય છે અને ક્યારેક ઊભી દેખાય છે તે શું સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મનુષ્યરૂપે પ્રત્યક્ષ વિચરતા હોય ત્યારે ક્યારેક બેઠા હોય, ક્યારેક ઊભા હોય, ક્યારેક ચાખડીઓ પહેરીને ચાલે, હરે-ફરે તેમ દેખાય તે અવરભાવની વાત છે. અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે જે, ‘ધામમાં બહુ પ્રકારના મહોલ છે, બહુ પ્રકારના ફુવારા છે અને બહુ પ્રકારના બાગ-બગીચા છે.’ તે ત્યાં મહોલ ચણવા કોણ ગયું હશે? એ શબ્દ અવરભાવના છે. માટે આ લોકને વિષે મહોલ, ગોખ, ઝરૂખા, બાગ-બગીચાને વિષે શ્રીજીમહારાજ બિરાજ્યા હોય તે કહ્યા છે. કેટલાક વચનામૃતમાં ભવ-બ્રહ્માદિક દેવ કહ્યા છે તે અક્ષર, મહાકાળ આદિકને કહ્યા છે એમ જાણવું. અમદાવાદના ૭મા વચનામૃતમાં અસંખ્ય કોટિ બીજી ભૂમિકાઓ કહી છે તે અક્ષરકોટિના સ્થાનકને કહી છે. વળી, ‘અંતર્યામી જેવા કરવા છે’ એમ કહ્યું છે તે અંતર્યામી એટલે પરભાવમાં મૂર્તિનું સુખ તથા મુક્ત આદિનું જાણપણું જાણવું તે; પણ માયાના કાર્યમાં અંતર્યામી તે ન જાણવું. એવી જ રીતે ‘અનંત કોટિ બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિકને કરે છે એવા કરવા છે’ એમ કહ્યું તે પણ પરભાવમાં નિયમ ધરાવી સત્સંગ કરાવવો ને તેને શુદ્ધ એકાંતિક કરવો અને બધેથી લૂખો કરી મૂર્તિમાં જોડવો તે બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક કરે છે એમ જાણવું, તથા જીવને મૂર્તિના સુખમાં પહોંચાડે તેવા કરવા છે એમ જાણવું.”
એમ કહીને પ્રસન્ન થકા સ્વામી ઈશ્વરચરણદાસજી સામું જોઈને બોલ્યા જે, “સ્વામી! તમો સંતોએ બહુ દયા કરી આવા દેશમાં અક્ષરધામ કરી દીધું છે. હરિભક્તોનાં હેત તો જુઓ! શ્રીજીમહારાજ આવાં હેત જોઈ વશ થઈ જાય તેવું છે. આવા હેતવાળા હરિભક્તોના મનોરથ મહારાજ પૂરા કરે જ.”
“આ જોગ દુર્લભ છે, આવા મહારાજ ને તેમના અનાદિ આ સભામાં દર્શન દે તે કાંઈ થોડી-ઘણી વાત નથી. આ સભા દિવ્ય તેજોમય છે. આવું ટાણું વારેવારે ન આવે, આ ટાણે તો અમૃત લૂંટાય છે. આવા જોગમાં કોણ રહી જાય! આવી દિવ્ય સભાનાં સુખ કોણ મૂકી દે! કેવડા મહારાજ ને કેવડા મુક્ત! તે દયા કરી જીવને ઉદ્ધારવા આવ્યા. આવો સમાજ અનંત કોટિ બ્રહ્માંડમાં ક્યાંય નથી; એક મહારાજને ઘેર છે. એ મૂર્તિ આપણને મળી છે. આવા જોગમાં રહી ન જવું. આ સભાને દિવ્ય જાણે તેને કાંઈ કસર ન રહે. મૂર્તિમાંથી તેજના ફુવારા છૂટે છે; અનંત મુક્ત સુખમાં રમૂજો કરે છે. સળંગ રહ્યા થકા સુખ ભોગવે છે. આવી પ્રાપ્તિ તો એક મહાપ્રભુની કૃપાથી જ થાય, સાધન બિચારાં ક્યાં સુધી પહોંચે! આજ તો મહારાજ અઢળક ઢળ્યા છે એટલે ગામમાં વન (મંદિર) કરી દીધાં છે ને આવા સંત તેમાં રાખ્યા છે. તે રાત ને દિવસ મૂર્તિના સુખની વાતો કરે છે. એ સુખના જ ભોગી છે. ઘેર ઘેર ફરીને અનંત જીવના ઉદ્ધાર કરે છે તે મહારાજના સંકલ્પે સંકલ્પ. ‘અનંત જીવ ઉદ્ધારવાને આવિયા રે લોલ બ્રહ્મમોલ વાસી હરિરાય.’ એવી એમની અપાર દયા છે.” ।।૪૨।।