Gujarati / English

કારતક સુદ-૪ને રોજ બાપાશ્રી સવારમાં નાહી પૂજા કરીને હેતવાળા હરિભક્તોના આગ્રહથી તેમને ઘેર દર્શન દઈ મંદિરમાં આવ્યા. કથા-વાર્તા કરી સમય થયો એટલે ધનજીભાઈને ઘેર ઠાકોરજી જમાડવા પધાર્યા ત્યાં પોતાને વૃષપુર જવાની ઈચ્છા જણાવી.

પછી ધનજીભાઈ તથા તેમના પુત્રોએ પ્રાર્થના કરી જે, “બાપા! શી ઉતાવળ છે? પાંચ-દસ દિવસ વધુ રહો તો ઠીક.”

તે વખતે બાપાશ્રીએ રમૂજ કરી કહ્યું જે, “તમે આ નવાં ઘર કર્યાં છે તે અમને રહેવા આપો તો રહીએ.”

ત્યારે હરજીભાઈ કહે, “બાપા! ભલે આ ઘર આપનાં જ છે; માટે સુખેથી રહો.”

ત્યારે બાપાશ્રી કહે, “તમે ત્રણે ભાઈ ને તમારો બાપ, તે ચારેય મળીને ઠરાવ કરો. અમે રહીશું ખરા, પણ એકેય ઢીંગલો તમને આપશું નહિ.”

પછી હરજીભાઈ કહે, “બાપા, ભલે! એ કોઈનું કામ નથી. હું આપની પાસે તુળસીને પત્રે અર્પણ કરું છું. પણ જોજો, બોલ્યા ફરતા નહિ.”

તે વખતે બાપાશ્રીએ હરજીભાઈની પ્રશંસા કરી કહ્યું જે, “નાનો છે, પણ બળિયો બહુ છે. આખું ઘર એવું છે. આ ધનજીભાઈ પણ શૂરવીર છે. ઘરમાં બધાય હેતવાળા તે અમારું વચન કોઈ દિવસ ફેરવતા નથી. વ્યવહારમાં, સુખ-દુઃખમાં, મંદવાડમાં જ્યારે જોઈએ ત્યારે બળનાં જ વચન. અમે પણ સૌને અમારા જ માનીએ છીએ.”

પછી બોલ્યા જે, “તમને તાણ છે તેથી બે દિવસ રોકાશું.” એમ કહી મંદિરમાં પધાર્યા.

વળી સાંજના ચાર વાગ્યાને સુમારે બાપાશ્રી ગાડીમાં બેસીને તથા સૌ હરિભક્તો પગે ચાલીને નાહવા જતા હતા અને માર્ગમાં હરિભક્તો કીર્તન બોલતા હતા. તે વખતે નદીના ધરે કેરા, વૃષપુર, રામપુર, દહીંસરા, ભારાસર, સુખપુર, માનકુવા વગેરે ગામના ઘણા હરિભક્તો આગળથી બાપાશ્રીને નાહવા આવ્યાની વાટ જોઈ રહ્યા હતા. તે સર્વે બાપાશ્રીને જોઈને આનંદ પામ્યા. પછી સંતો તથા હરિભક્તોએ  સહિત બાપાશ્રી નાહ્યા. હરિભક્તો કીર્તન બોલતા હતાં. ત્યાં પોતે રેતીમાં માનસી પૂજા કરવા બેઠા ને હરિભક્તોએ ગરબી લઈ કીર્તન ગાયાં.

પછી બાપાશ્રી જાગ્રત થયા ને કહ્યું જે, “તમો સૌ ગામોગામથી દર્શનની તાણે કામ ખોટી કરીને દોડ્યા આવો છો તે અમે જાણીએ છીએ. મહારાજને રાજી કરવા સારુ આવા દાખડા છે. સૌને મહારાજની મૂર્તિનું તાન છે. કોઈ દેહધારી મૂંઝાતા હોય તો એ જાણે. તેનું પણ સારું થાય એવો આપણે સંકલ્પ કરવો. અમારે તો જીવને ઠેઠ મૂર્તિમાં મૂકવા છે. બીજો કોઈ અર્થ સારવો નથી. તેથી રાત કે દિવસ જોતા નથી. ક્યારેય નવરા રહેતા નથી. મોટા મોટા નંદ સાધુઓ અમે જોયા છે, તે તો ક્યારેય મૂર્તિને મૂકતા નહિ. માળા, માનસી પૂજા, ધ્યાન, ભજન, સેવા, કથા-વાર્તા નિરંતર કર્યા જ કરતા. એમને તો એમ જે એ સુખ વિના બીજું શું જોયા જેવું છે? આપણે પણ એ માર્ગ લેવો. કેટલાય રાગ-રંગમાં, મારા-તારામાં, પંચવિષયનાં વલખાંમાં આવરદા ખોઈ નાખે છે. આપણને તો શ્રી પુરુષોત્તમ નારાયણ અવિનાશી વર મળ્યા છે, તેથી ક્યાંય અટકવું નહિ. કેવડા મહારાજ! ને કેવડા તેમના અનાદિમુક્ત! આ તો ભારે વાત બની ગઈ છે. નહિ તો જીવનું શું ગજું?”

એમ કહી સમય થઈ જવાથી પાછા ગાડીમાં બેસી હરિભક્તોએ સહિત ગામમાં આવતાં ધનજીભાઈની પ્રાર્થનાથી તેમની વાડીએ પધાર્યા.

તે વાડીમાં બધે ફરીને બોલ્યા જે, “આ વાડીના ધણી ઘનશ્યામ મહારાજ છે; માટે આજથી આનું નામ ‘ઘનશ્યામ વાડી’ કહેજો ને વાડીના નામ ભેગી એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સંભારજો.”

પછી ધનજીભાઈએ કેળાં તથા પોપૈયા સુધારીને ઠાકોરજીને જમાડ્યાં પછી સૌને બાપાશ્રીએ પ્રસાદી વહેંચી અને હરિભક્તોએ સહિત મંદિરમાં પધાર્યા.  II ૧૧૧ II

 

In the morning of Kārtak Sud 4th, Bāpāśrī after having bath and pūjā went to give darśan to homes of devotees having love and then came to temple. After kathā-vārtā was over, he came to the house of Dhanjībhāī to offer meals to Ṭhākorjī. There he showed his desire to go to Vṛṣpur. Dhanjībhāī and his sons requested Bāpāśrī not to hurry and requested him to stay five-ten days more. At that time Bāpāśrī jokingly said, “You have constructed these new houses so if you give me a place to stay in it, I will stay.” Then Harjībhāī said, “Bāpā! These are your houses so live happily.” Bāpāśrī said, “You three brothers and your father all four of you make decision. I will stay but will not pay single pence.” Harjībhāī said, “Bāpā! All right. We have no need of it. I offer it to you with a vow of tulsi. But see that you do not change your decision.” Bāpāśrī praised Harjībhāī and said, “He is young but very strong. The whole family is like this. This Dhanjībhāī is also brave. The whole family has love and never disobey my word. They would always give words of courage in worldly activity, in happiness-unhappiness, in sickness, etc. I always consider everyone as my own. Since you insist I will stay for two days more.” Saying so, he came to the temple. In the evening, at around 4.0p.m., Bāpāśrī sitting in horse-carriage, along with devotees on foot was going to bathe and on the way devotees were singing devotional songs. At that time at the river site devotees from village Kerā, Vṛṣpur, Rāmpur, Dahīṅsarā, Bhārāsar, Sukhpur, Mānkuvā, were waiting for Bāpāśrī to come. They all became joyous on seeing Bāpāśrī. Then saints, devotees and Bāpāśrī bathed. Devotees were singing devotional song. Then Bāpāśrī himself sat on the sand for doing mental worship and devotees sang devotional song as they are sung like garbī. Bāpāśrī came out of mental worship and said, “You all have come for darśan from different villages by delaying your work- I know it. Such are the efforts to please Mahārāj. All have eagerness for Mūrti. If someone has confusion, it is his look out. We should also think good of him. I want to put jīva directly in Mūrti. I have no any other work so doing it- round the clock and never remain idle. I have seen great Naṅda Sadhus who never left Mūrti. They continuously did rosary, mental worship, meditation, bhajan, sevā, kathā-vārtā, etc. They believed that excepting that happiness, what else is worth seeing? We should also follow that path. Many waste their lives in enjoyment, in selfishness, in sensual objects, etc. we have got Puruṣottamnārāyaṇa who is eternal so we should not stop anywhere. How great is Mahārāj and how great is Anādi muktas! This is very big thing, otherwise what is the capacity of jīvas?” Saying so, as the time was up he sat in horse carriage and along with devotees while coming to village, on the way Dhanjībhāī prayed and requested Bāpāśrī to visit his farm. So Bāpāśrī visited it. He went round the farm and said that since the owner of this farm is Ghanśyām Mahārāj, call it Ghanśyām Wāḍī henceforth and along with the name of the farm remember Mūrti of Ghanśyām Mahārāj. Then Dhanjībhāī offered banana and papaiya to Ṭhākorjī and Bāpāśrī distributed prasād to all and came to the temple along with devotees. || 111 ||