Gujarati / English

પછી બાપાશ્રી ચાર વાગે ઠાકોરજીનાં દર્શન કરી આસને આવ્યા અને સર્વેને જય સ્વામિનારાયણ કર્યા.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! મહારાજની મૂર્તિના સુખભોક્તા મળે એટલે સાધન સમાપ્ત થતાં હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાધનની સમાપ્તિ ખરી, પણ ભગવાનના મહિમાની, ભગવાનની મૂર્તિની, ભગવાનના સુખની અવધિ જ નહિ. તે તો વધતું જ જાય, તેનો અંત નહિ. તે તો અપાર અપાર ને અપાર જ સમજવું. શ્રીજી મહારાજની મૂર્તિમાં મુક્ત રહીને ક્ષણક્ષણ પ્રત્યે કોટાનકોટિ નવીન નવીન ઉત્પન્ન થતાં જે સુખ તેને ઉત્પન્ન થવાનાં સ્થાનક તેણે સહિત એકકાળાવછિન્ન એ સર્વે સુખને જાણતાં થકા ભોગવે છે. તે મૂર્તિનો અને સુખનો પાર કોઈ પામી શકતા નથી, એવું એ મૂર્તિનું અકળપણું છે. તેમ પોતે ભોક્તાપણે સર્વેને જાણતાં થકા એક સાથે જ સર્વ સુખને ભોગવે છે. એ મૂર્તિને વિષે અસાધારણ સ્નેહ હોય તે ખરું સુખ કહેવાય ને આનંદ પણ તે જ કહેવાય.

“મહારાજ અને અનાદિમુક્તનું સ્વરૂપ તો સદા ભેગું જ છે. જુદાપણું છે ખરું, કેવી રીતે? તો મુક્ત ભોક્તા છે અને પુરુષોત્તમ દાતા છે, મુક્ત દાસ છે અને પુરુષોત્તમ સ્વામી છે; તેમ પુરુષોત્તમના અને અનાદિમુક્તના સામર્થ્યમાં ને સુખમાં ફેર છે. પુરુષોત્તમના સાધર્મ્યપણાને તો એવા અનંત મુક્ત પુરુષોત્તમની કૃપાએ કરીને પામ્યા છે, તોપણ પુરુષોત્તમના સુખનો કોઈ પાર પામી શકતા નથી. અપાર ને અપાર સદા રહ્યા કરે છે અને નિત્ય ક્ષણક્ષણ પ્રત્યે અધિક અધિક અપાર ને અપાર સુખ વધતું જ જાય છે, તેનો અંત જ આવતો નથી; એવા પુરુષોત્તમ ભગવાન છે.”

એમ વાત કરતા હતા ત્યાં મગનભાઈએ આવીને ફૂલનો હાર પહેરાવ્યો ને દંડવત કર્યા.

ત્યારે તેના માથે હાથ મૂકીને બોલ્યા જે, “આ સભા દિવ્ય છે. મહારાજ અને મોટા મુક્ત જ્યાં વિચરતા હોય ત્યાં બહુ ભારે કામ થાય છે; આટલા હારથી પણ બહુ મોટું કામ થઈ જાય. આ સભામાં શ્રીજી મહારાજ પ્રત્યક્ષ દર્શન દે છે, સેવા અંગીકાર કરે છે; એવી અલૌકિક સભા છે. આ સંત-હરિભક્ત સર્વે શ્રીજી મહારાજની મૂર્તિના સુખભોક્તા છે. તે મૂર્તિ દિવ્ય તેજોમય છે.”

પછી મગનભાઈએ સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછ્યું જે, “સ્વામી! મહારાજની મૂર્તિ કઈ ધારવી?”

ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! એ શું કહે છે?”

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, “બાપા! એ કહે છે કે મૂર્તિ કઈ ધારવી?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તેજનો સમૂહ અધોઊર્ધ્વ પ્રમાણે રહિત ધારીને તેના મધ્યે શ્રીજી મહારાજની મૂર્તિ બે ચક્ષુવાળી ગમે તે ધારવી. હિંડોળામાં ઊભી મૂર્તિ છે તે ધારો, અગર ઘનશ્યામ મહારાજની છે તે ધારો.”

પછી ગોવિંદભાઈએ પૂછ્યું જે, “તેજના મધ્યે તેજોમય મૂર્તિ છે એમ સમજણ રાખી ધ્યાન કરીએ તો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એમ અટકળથી ગમે તેવી મૂર્તિ તેજમાં છે તેમ નહિ, પણ આકાર તો માંહી બે ચક્ષુવાળી મહારાજની મૂર્તિનો જ ધારવો. તે મૂર્તિમાંથી તેજની સેડ્યો છૂટે છે. જ્યારે ધ્યાન કરવા બેસવું ત્યારે મોટાને સાથે લેવા; એટલે કે મૂર્તિ ધારતાં કોઈ વિઘ્ન ન આવે તેવી સહાય માગવી; કેમ જે તેમનું જરૂર કામ પડે છે. બીજાં સાધન પ્રસન્નતાનાં કર્યા કરવાં, પણ મોટા મુક્તને દિવ્ય જાણી તેમની સેવા, સમાગમ ને જોગ કરવો. એ તો અવશ્ય કરવાનું છે.

“ભગવાનના ભક્તને મહામુક્તના જોગ આગળ સાધન છે તે તો દાડિયું કર્યા જેવાં છે. મોટા અનાદિની તથા મહારાજની કૃપા મેળવીને મહારાજનું અહોનિશ ધ્યાન કરવું, તે તો મોટા રાજ્ય જીતવા જેવું છે. જીવ મહારાજના અને મોટા અનાદિના જોગમાં આવે છે તેનાં ભાગ્યનું વર્ણન કરી શકાય તેમ નથી. પણ આપણે સંપૂર્ણ પાત્ર થવાની જરૂર છે; કારણ કે શ્રીજી મહારાજની મૂર્તિનું સંપૂર્ણ સુખ ત્યારે જ ભોગવી શકાય છે. માટે મોટાનું માહાત્મ્ય જાણી મન, કર્મ, વચને જોગ કરવો અને પુરુષોત્તમરૂપ પાત્ર થાવું. પુરુષોત્તમની મૂર્તિ સંબંધી સુખ કેવું છે? તો બહુ અલભ્ય છે, બહુ આનંદ આપનારું છે, અતિશે અપરિમિત છે. પણ જીવ અલ્પજ્ઞ છે તેથી પાત્ર થયા વગર એ સુખ જેટલું મળે તેટલે કરીને સંપૂર્ણપણું માની બેસે. પછી તેને વૃદ્ધિ પામવું એ ઘણું કઠણ છે.  કેની પેઠે? તો જેમ ક્ષુધાતુર મનુષ્યને પોતાના આહાર જેટલું ઉત્તમ ભોજન જમાણું પછી તેને કોઈ રીતે ક્ષુધા સંબંધી પીડા રહેતી નથી ને આનંદ વર્તે છે. તેમાં જેને અર્ધા શેરનો આહાર હોય તેને તેટલું મળે એટલે તૃપ્ત થઈને આનંદ માને છે, પણ વધારે જમવાની તેને રુચિ રહેતી નથી. અને જે વધારે આહાર કરનાર મોટા પાત્ર છે તે થોડું જમનારને કહે ને સમજાવે તોય તેને તે વાત સમજાતી નથી અને ઉપદેશની ગરજ પણ રહેતી નથી. કેમ કે તે પોતાના ગજા પ્રમાણે આહારમાં જ પૂર્ણપણું માની લે છે. માટે સંપૂર્ણ પાત્ર થવું જોઈએ અને સંપૂર્ણ પાત્ર થવાય તેવા મોટાનો જોગ કરવો જોઈએ.”

પછી કણભાવાળા આશાભાઈએ પૂછ્યું જે, “બાપા! શ્રીજી મહારાજની મૂર્તિમાં અતિ ઉત્તમ સ્થિતિને પામેલા જે મુક્તો તેને શ્રીજી મહારાજનું દાસપણું કેવી રીતે રહે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા અનાદિના જોગે કરીને મોટાના સરખું શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ જે ભક્ત પામે છે તેને એક મહારાજને વિષે જ દાસપણું રહે છે અને મહારાજની મૂર્તિમાં રહ્યો થકો એકકાળાવછિન્ન એ મૂર્તિમાંથી અનંત ઉત્પન્ન થતાં નવીન નવીન સુખ તેને જાણતો થકો ભોગવે છે.”

પછી બોલ્યા જે, “એવા મોટા અનાદિમુક્તને વિષે જીવ જોડવો; કેમ કે તેમને તો એક શ્રીજી મહારાજની મૂર્તિ જ છે. જુઓને! જળને વિષે માછલાંને અસાધારણ સ્નેહ છે તે જળનો વિયોગ થાય તો પ્રાણનો ત્યાગ કરી દે, એવું જળને વિષે જીવનપણું માછલાંને છે. તેણે કરીને જળનો ગમે તેટલો બળવાન વેગ હોય તોપણ તે સામા પ્રવાહે ચાલે છે, પણ તે વેગે કરીને પરાભવ પામતાં નથી. સામા પૂરે કિલ્લોલ કરતાં ચાલે છે. માછલાંને જુઓ તો તેમાં કાંઈ એટલું બળ નથી અને દેહ એટલો જબરો નથી જે જળના વેગને ઝીલી શકે, તોપણ તેને જળ સાથે જીવનપણું છે, એટલે તેને જળનું બળવાનપણું નડતું નથી.

“બીજું, ગમે તેવું પદાર્થ, ઝાડ કે પર્વત વગેરેથી જળના પ્રવાહનો વેગ ઝીલી શકાતો નથી ને જળના મારથી ગમે તેવું ઝાડ હોય તે પણ ઊખડી પડે છે તથા પર્વત, પથ્થર વગેરેને પણ તોડી નાખે છે, અને હાથી આદિક મોટા જાનવરો પણ તે જળના સામા પ્રવાહે ચાલી શકતાં નથી. નાની સરખી માછલી હોય તે પણ સુખેથી જળ સામે સામા પ્રવાહે ચાલે છે. તેમ માયામાંથી નીકળીને શ્રી પુરુષોત્તમ ભગવાનને પામવું, તે જીવથી સાધને કરીને કે સમજણે કરીને પમાતું નથી. એ તો માછલાંને જેમ જળ એ જ જીવન છે તેમ જીવ જ્યારે અતિ મોટા પુરુષ જે અનાદિ મહામુક્ત હોય તેમને વિષે પોતાના જીવને જોડીને એકાત્મપણું કરે ત્યારે તે માયા તરીને શ્રી પુરુષોત્તમરૂપ થઈને પુરુષોત્તમ ભગવાનના સુખમાં રમે; તેમાં કાંઈ પણ કઠણ પડતું નથી. એ વિના તો પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સન્મુખ ચાલવાની સામર્થી કોઈથી પમાતી નથી. માટે એવા મહા સમર્થ અનાદિનો જોગ કરવો જોઈએ.

“જેમ મહાસમુદ્ર રેલે છે તે સમે તેમાંથી જેટલું જળ જેવું જેવું પાત્ર હોય તે તે પ્રમાણે લઈ લે છે. તે મીઠા મહાસમુદ્રના જળે કરીને અનંત પ્રકારના રસ મેવા પાકે છે; બાકીનું જળ પાછું સમુદ્રને વિષે લીન થઈ જાય છે. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાંથી અનંત અપાર સુખ ઉત્પન્ન થઈ મહા અનાદિમુક્ત દ્વારે સત્સંગમાં ફેલાય છે. તેના જેટલા જે અધિકારી પાત્ર હોય તેટલું સુખ તેમાં રહે છે. બાકીનું સુખ પાછું શ્રીજી મહારાજની મૂર્તિને વિષે લીન થઈ જાય છે, પણ તે મૂર્તિ વિના અધર પધર બીજે રહેતું નથી.

“જેમ ખેડુ ખેતીની કોઈ પણ કળા જાણતો ન હોય અને ખેતરમાં સારી પેઠે ખેડ કર્યા કરી હોય ને તેમાં ઓચિંતો ખૂબ વરસાદ વરસે પછી તેમાં મોલ વાવે તે અતિ બળિયો થાય અને મોટાં મોટાં કણસલાં કાઢે છે; તેમ કાંઈ સમજાણું ન હોય અને વગર ખબરે અનાદિ મહામુક્તનો જોગ કરેલો હોય પછી તેને અંત વખતે મહા મોટા સુખની પ્રાપ્તિ થાય ને શ્રી પુરુષોત્તમને પામે છે.”

આ રીતે બાપાશ્રી વાતો કરતા હતા તે સમે ગાડીખાતામાં એક વૃદ્ધ બાઈને મંદવાડ બહુ થઈ ગયેલ હોવાથી તેણે કહેવરાવ્યું હતું કે હરિભક્તોએ સહિત બાપાશ્રી પધારે અને મને દર્શન દે તો મારો અંત સમો સુધરી જાય.

તેથી લાલુભાઈ તથા મહાદેવભાઈએ વિનંતી કરી જે, “બાપા! એક બાઈ માંદા છે, તેને આપનાં દર્શનની ઈચ્છા છે તો આપ દયા કરી પધારશો?”

ત્યારે બાપાશ્રી કહે, “અમે અહીંના ભોમિયા નથી. તમે કહેતા હો તો ભલે. તમે પણ સાથે ચાલો.”

એમ કહી બાપાશ્રી તે બાઈને ઘેર પધાર્યા. જય સ્વામિનારાયણ કહી આશીર્વાદ આપીને બોલ્યા જે, “બાઈ! તમે હિંમત રાખજો, મહારાજ સારું કરશે. આ ટાણે મૂર્તિ વિના કાંઈ સંભારવું નહિ. મહારાજની પોતાના આશ્રિત ઉપર બહુ દયા જ છે. આપણે તેને ઘડીએ મૂકવા નહિ.”

એમ ભલામણ કરી જય સ્વામિનારાયણ કહી પાછા મંદિરમાં પધાર્યા.  II ૩૨ II

Then Bāpāśrī came to his seat at four o’clock after having darśan of Ṭhākorjī and greeted all with Jay Swāmīnārāyaṇa. Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! Do means come to end after getting enjoyer of happiness of Mūrti?” Bāpāśrī said, “Indeed it is the end of means but greatness of God, God, God’s bliss and enjoyer of happiness have no limit. It goes on increasing. It has no end. One should understand that it is limitless. Muktas dwelling in Mūrti enjoy all kinds of happiness which is produced at every moment in limitless quantity, the place where it is produced, and they enjoy it with knowledge. Nobody can find bound of Mūrti and its bliss. Such is the mystery of Mūrti. They themselves enjoy all happiness together as enjoyer having knowledge of everything. The one who has unknown love for Mūrti is called real happiness and joy is said to be the same. Form of Mahārāj and anādi mukta are always together. There is definitely dissimilarity. How? Muktas are enjoyer and Puruṣottam is donor. Muktas are servant and Puruṣottam is Master. Similarly, there is also difference in capacity and happiness of Puruṣottam and anādi mukta. Infinite muktas have attained attributes of Puruṣottam because of His mercy. Even then, nobody can find bounds of bliss of Puruṣottam. It is always boundless. Every moment it goes on increasing and it does not come to an end. Such is the Lord Puruṣottam.” While he was talking thus Maganbhāī came, prostrated before him and garlanded him. Then Bāpāśrī putting his hand on his head said, “This assembly is divine, wherever Mahārāj and great muktas tread, much work is done there; even with this garland, big work can be done. In this assembly Śrījī Mahārāj Himself gives darśan, accepts sevā– such is divine assembly. All these saints and devotees are enjoyers of happiness of Mūrti. That Mūrti is divine Luminescence.”

          Maganbhāī asked Swāmī Īśvarcharaṇadāsjī, “Swāmī! Which Mūrti of Mahārāj should be meditated?” Bāpāśrī said, “Swāmī! What does he say?” Swāmīśrī said, “Bāpā! He asks which Mūrti should be meditated?” Bāpāśrī said, “Any Mūrti of Śrījī Mahārāj with two eyes in the centre of mass of luminescence which is boundless from top to bottom or bottom to top, meditate on Mūrti standing in a swing or Mūrti of Ghanśyām Mahārāj.”

          Goviṅdbhāī asked, “If we have such understanding that luminous Mūrti is in the centre of luminescence– should we meditate on it?” Bāpāśrī said, “You should not guess that there is any Mūrti in luminescence but meditate only on that Mūrti which has the form of Mūrti with two eyes. Jets of luminescence emit from that Mūrti. When you sit for meditation, take the help of muktas so that no obstacle comes in the way while meditating on Mūrti. Ask for their help because their help is inevitable. Other means of pleasing muktas should be carried on but great muktas should be considered as divine and one should do their service and associate with them and get attached to them. It must be done.”

          “For a devotee of God, means are like doing labour after getting attachment with great muktas. After getting favour of great Anādi and Mahārāj, one should constantly meditate on Mahārāj. It is just like conquering great kingdoms. When jīva comes in contact with Mahārāj and great Anādi, its fate cannot be described but we have to become totally worthy. Because then only complete happiness of Mūrti can be enjoyed. Therefore after getting knowledge of greatness of great muktas, one should associate with them by mind, karma and words and be worthy of form of Puruṣottam. The bliss of Puruṣottam’s Mūrti is very unobtainable, gives much joy and it is boundless. But since jīva is having a little knowledge and before becoming worthy, it believes that happiness which he gets is complete. Then it is difficult to get it increased. Just as a hungry man does not have agony of hunger after eating the best quality of food in sufficient quantity. The one who requires half a lbs of food, he gets that much and is contented and feels happy but does not have liking for eating more, and those who have capacity to eat more quantity food and fit for it tells him who eats less to eat more but they do not take advice and do not have the need of preaching. Because according to their requirement they consider their food to be complete. Therefore, one should become totally worthy and for that purpose they should get attached to great muktas.

          Āśābhāī of Kaṇabhā asked, “Bāpā! muktas have attained the highest state in Mūrti, how does their service as a servant towards Śrījī Mahārāj remain?” Bāpāśrī said, “The devotee who has attained happiness of Mūrti like muktas, by associating with great Anādis, has to serve only Śrījī Mahārāj as a servant. And dwelling in Mūrti, he soon enjoys infinite new happiness of whole Mūrti which is produced from Mūrti with knowledge of it. One should attach his jīva with such great Anādi muktas because they have only Mūrti. Fishes have very much love with water and if there is separation from water, they would discard their lives. Such is the relationship of fishes between water and life. Because of that even if the current of water may be forceful, fishes are not defeated but they swim in the opposite current. They swim in the opposite current joyfully. If you look at fishes, you will find that they are not so strong and their body is also not big, that they can bear the forceful current of the water, even then their life is connected with water, therefore, the force of water does not harm them. Other objects, like trees, hills are unable to face the forceful current of water and by its force even a strong tree is rooted out and hill, stone are also broken. Moreover, the elephant and big animals like it cannot walk in the opposite current whereas even a small fish easily swims in the opposite current of the water. Similarly, one should come out from māyā and achieve Lord Puruṣottam. Jīva cannot achieve him by doing means or by knowledge. It is like fishes for which water is life. Similarly, when jīva gets attached to very great person like Anādi Mahā Mukta and attains oneness with him, he can cross the current of māyā and becomes the form of Puruṣottam and plays in the happiness of Lord Puruṣottam. There is nothing difficult in it. Without it, no one can get capacity for getting proximity of Puruṣottam Śrī Swāmīnārāyaṇa God. Therefore, one should associate with such great capable Anādi.”                         

          “Just as when there is high tide in the ocean, and when its water reaches the shore, those who want to take water from it, take it as much as according to the capacity of the vessels. On account of that sweet water of the ocean, many kinds of crops grow and the remaining water merges in the ocean. Similarly, boundless happiness comes from Lord Puruṣottam’s Mūrti and this happiness spreads in satsaṅg through great Anādi muktas. That happiness is taken by those who are worthy of it and they get it as much as their worth is. The remaining happiness merges in Mūrti but it does not go anywhere or hither thither.”

          “Just as a farmer does not know the art of farming but tills his farm and  if there is sudden rain and thereafter if he seeds it there will be bumper crop. Similarly, if one has not understood anything and without his knowledge, he gets attached to Anādi Mahā Mukta, he will get very much happiness at the end time and achieves Śrī Puruṣottam.”

          When Bāpāśrī was talking thus, an old woman who was very ill and who was living in Gāḍīkhātā area of Karāchī, sent a message to Bāpāśrī and requested him to come along with devotees to give her darśan so that her last journey will become divine. Lālubhāī and Mahādevbhāī requested Bāpāśrī on behalf of old lady and asked if he would come to give her darśan. Bāpāśrī said that he was not familiar with place but would go if they wished so. Bāpāśrī requested them to come with him. Then Bāpāśrī went to her house. He greeted her with Jay Swāmīnārāyaṇa and blessed her, and said, “Madam! Be courageous. Mahārāj will do good. At this time, do not remember anything excepting Mūrti. Mahārāj keeps much pity on his followers. We should not leave Him even for a moment.” Advising thus, he came to the temple after saying Jay Swāmīnārāyaṇa. || 32 ||