Gujarati / English

રાત્રે બાપાશ્રીએ વાત કરી જે, “અનાદિ મહામુક્તનો મહિમા બહુ સમજવો અને હેતે કરીને તેમની સેવા કરવી, પ્રસન્ન કરવા જેથી શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ તત્કાળ મળે. એમને વિષે ક્યારેય મનુષ્યભાવ ન લાવવો. એમની સર્વે ક્રિયા દિવ્ય સમજવી. એ તો જાણતાં થકા અજાણતાપણું દેખાડે ને દેહના ભાવ દેખાડે તથા હર્ષ-શોક દેખાડે એ સર્વે રીત અલૌકિક છે, એમ જાણવું. જો મહિમાની કસર હોય તો કોઈ વખત મૂંઝાઈ જવાય.”

તે ઉપર વાત કરી જે, “દંઢાવ્ય દેશમાં જેઠાભાઈ નામના ઉત્તમ હરિભક્ત હતા. તેને અનાદિ મહા મુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે ખરેખરું હેત તથા અત્યંત આત્મબુદ્ધિ હતી. પછી એક સમયને વિષે સ્વામીશ્રીને અતિ મંદવાડ થઈ ગયેલો તે મંદવાડની વાત જેઠાભાઈએ સાંભળી તેથી ઉદાસ થઈ ગયા. પોતે પચાસ ગાઉ છેટે રહેતા હતા તોપણ મંદવાડની વાત સાંભળતાં તરત જોવા સારુ ચાલી નીકળ્યા તે જ્યાં સ્વામી હતા ત્યાં આવ્યા.

“તે વખતે સ્વામી અબોલ થઈ ગયા હોય ને બોલતા ન હોય તેવો ભાવ દેખાડ્યો. તે જોઈને જેઠાભાઈ મૂર્છાગત થઈ ગયા અને બોલ્યા જે, ‘અત્યારે સ્વામી મને એક વખત જવાબ આપે ને મારી સાથે વાત કરે તો મારું સર્વે દ્રવ્ય વાપરી નાંખું.’ પછી બીજા સાધુ હતા તે કહે જે, ‘જેઠા ભક્ત! વિચાર કરીને બોલો, સ્વામી તો હમણાં બોલશે.’ પછી જેઠાભાઈએ કહ્યું જે, ‘સ્વામી! હું સત્ય બોલું છું. લાવો ‘પણ’ કરું. જો એક વખત જવાબ આપે તો મારું દ્રવ્ય વાપરી નાખું.’ આમ કહ્યું, પણ સ્વામી તો તે વખતે બોલ્યા નહિ. પછી રાત્રે સ્વપ્નમાં આવી જેઠાભાઈને દર્શન દીધાં ને કહ્યું જે, ‘જેઠાભાઈ! તમે અમારા સમાચાર સાંભળીને આવ્યા ને અમે તમારી સાથે બોલ્યા વિના રહ્યા. તે બોલત તો ખરા, પણ તમારું બધું દ્રવ્ય વાપરી નાખવાનું તમોએ કહ્યું તેથી અમો તે વખતે બોલ્યા નહિ; માટે ક્યારેય આવું ‘પણ’ ન કરવું.’

“આવી રીતે મોટા અનાદિની વાત જુદી છે. એ તો એક જ સ્થિતિમાં વર્તતા હોય, પણ મનુષ્યપણાના ભાવ જણાવે તેથી જો મહિમાની કચાશ હોય તો સંકલ્પ થઈ જાય જે કેમ હશે! પણ મોટા મુક્તને તો દેહના કે અવસ્થાના ભાવ છે જ નહિ. તે તો અખંડ મૂર્તિમાં રહ્યા છે ને અનંત જીવને મહારાજના સુખમાં લઈ જવા દયા કરીને દેખાય છે.”

પછી માથકવાળા ગોરધનભાઈએ પૂછ્યું જે, “મોટા મુક્ત છે તે તમામના અંતરનું જાણતા હશે?”

ત્યારે બાપાશ્રી કહે, “મહારાજની પેઠે મોટા મુક્ત પણ સર્વે જાણે. ‘એક પારસથી પારસ બને, એક પારસથી હેમ હોય.’ એક મોટા તો પારસથી પારસ કરી મૂકે છે. પછી કઈ ન્યૂનતા રહી! એવા મોટા મુક્તને વિષે જ્યારે કાંઈ દોષ દેખાય ત્યારે એમ જાણવું જે, ‘મારે વિષે એ દોષ રહ્યા છે તેથી મોટાને વિષે ભાસે છે, પણ મોટા મુક્તને વિષે તો કોઈ જાતનો કાંઈ પણ દોષ છે જ નહિ.’ તે કેવી રીતે જાણવું? તો જેમ આપણે દર્પણ લઈને જોઈએ તો જેવો પોતાનો ચહેરો હશે તેવો જ સામો દેખાશે, પણ તેવો ચહેરો બીજાનો નથી; તે તો પોતાનો જ ચહેરો દેખાય છે. તેમ તે દોષ પોતાના છે અને મોટા મુક્તમાં જણાય છે માટે તેને મોટા મુક્તનો જોગ કરીને તે દોષ ઓળખીને કાઢવા તથા તેમને પોતાના દોષ નિષ્કપટપણે કહેવા તો તે ટાળી નાખે. તેમની આગળ કોઈપણ જાતનું કપટ રાખવું નહિ.”

એમ કહીને બોલ્યા જે, “આપણે કોઈને સુખ કરીએ તો તે આપણને સુખ થાય છે અને દુઃખ દઈએ તો આપણને જ દુઃખ થાય છે. કેની પેઠે? તો જેમ દર્પણમાં દેખાતું જે રૂપ તેના કપાળમાં કંકુનો ચાંદલો કરીએ તો તેવો ચાંદલો પોતાને જ કપાળે થાય છે અને જો મેશનો ચાંદલો કરે તો સામો પોતાને કપાળે મેશનો ચાંદલો થાય છે તેમ. કેટલાક કહે છે જે, ‘મારા ઉપર રાજી થાઓ, મારા માથા ઉપર હાથ મૂકો.’ એમ મોટા મુક્તને કાંઈ કહેવું પડે છે? એ તો તેને વિષે ભગવાનને રાજી કરવાના રૂડા સ્વભાવ અને ગુણ જોઈને વગર કહે જ રાજી થઈ જાય છે અને માથે હાથ મૂકીને સુખિયા કરે છે.”

તે ઉપર વાત કરી જે, “સદ્. નિર્ગુણદાસજી સ્વામી પાસે કોઈક દેહે પુષ્ટ એવો હરિભક્ત આવ્યો તે સ્વામીને પગે લાગીને ઉતાવળો ઉતાવળો કહે કે, ‘સ્વામી! તમે મારા ઉપર રાજી થાઓ અને મારે માથે હાથ મૂકો’ એમ કહીને સ્વામીના બે હાથ ઝાલીને પરાણે ખેંચીને પોતાના માથે મૂક્યા. સ્વામીનું શરીર તો દૂબળું સરખું તે શું કરે? પછી સ્વામી કહે, ‘ભાઈ! એમ પરાણે હાથ મુકાવવાથી શું થાય? એમ તો તું દેહે જબરો છું તે ઠામૂકો મને ઉપાડીને માથે મૂકવા ધારે તો મૂકી શકે, પણ તેણે કરીને કાંઈ રાજીપો થાય છે?’ માટે ભગવાનને રાજી કરવા હોય તેને તો રૂડા સ્વભાવ ને રૂડા ગુણ અવશ્ય રાખવા.

“વળી શ્રીજી મહારાજની કૃપાએ પોતાને કાંઈક ઐશ્વર્ય-સામર્થી પ્રાપ્ત થઈ આવે તોપણ કાંઈ ન સમજતો હોય તેવો ગરીબ થઈને તથા ભગવાનના ભક્તનો દાસાનુદાસ રહીને સત્સંગમાં જે મોટા અનાદિમુક્ત હોય તેમનો જોગ કરે અને ભગવાનનો મહિમા અધિક સમજીને સુખને દબાવે. એમ કરતો જાય તો તે વૃદ્ધિને પામતો થકો મહામુક્ત થઈને શ્રી પુરુષોત્તમના સ્વરૂપ સંબંધી મહા મોટા અચળ અખંડ સુખને તથા અદભૂત અખંડાનંદને પામીને શ્રીપુરુષોત્તમરૂપ થઈ જાય છે. અને જો તેને કાંઈક ઐશ્વર્ય-સુખ પ્રાપ્ત થઈ આવ્યું હોય તેનો ઉદઘોષ કરીને પોતાને વિષે માણસને ખેંચવા માટે અથવા પોતાની મોટપ ને પોતાનું સુખ તે બીજાને જણાવવા માટે કાંઈક ચમત્કાર બતાવે અથવા ચમત્કારની ને સુખની વાતો કરવા માંડે તો તે પોતાની સ્થિતિમાંથી પડી જાય છે અને લૂખો થઈ શૂનકાર જેવો થઈ જાય છે અને છેવટે સત્સંગમાંથી પડી જાય એવા મોટા વિઘ્નને પામે છે. કેમ કે તેનો કોઈ સંત-હરિભક્ત નિષેધ કરે પછી પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તવાના આગ્રહ માટે તેને એ સંત-હરિભક્તનો અવગુણ આવે ત્યારે પડી જાય. માટે પોતાનો ગોળ પોતે ચોળી ખાવો.”

પછી એમ બોલ્યા જે, “નાના હોય તેનો મહિમા આપણે સમજીએ તેમાં ખોટ નથી, પણ મોટાને નાના સમજાય તો ખોટ રહી જાય, માટે મહિમા બરાબર સમજવો. અને કોઈ મહારાજની આજ્ઞામાં રહીને કદાચ થોડી ભક્તિ કરતા હોય તોપણ તેનો અવગુણ લેવો નહિ; પણ આજ્ઞામાં ફેર પાડતા હોય ત્યાં તો પોતાને અટકવું, ત્યાં મહિમાએ કરીને ચાલ્યા જવું નહિ.”  II ૭૪ II

At night, Bāpāśrī talked. He said, “We should understand much about the greatness of Anādi Mahā Mukta and do their sevā with love, please them so that we soon get the happiness of Mūrti. We should never bring human feeling for them. All activities of theirs should be taken as divine. They may show ignorance about something even though they are fully aware of it, may show bodily feeling and may show joy and sorrow but all this is divine– know thus. If there is shortcoming in the understanding of greatness, one may get perplexed. To quote an example Bāpāśrī said, there was unique devoted devotee named Jeṭhābhāī in Daṅḍhāvya region. He had much love and ātmabuddhi (oneness as one has with one’s body) for Anādi Mahā Muktarāj Sadguru Śrī Gopālānaṅd Swāmī.  Once Swāmīśrī became very ill. When Jeṭhābhāī knew about his illness, he became very sad. Though he was nearly seventy-five miles away from his village, immediately started to visit Swāmī on hearing about his illness. Swāmī became dumb and pretended as if he could not speak. On seeing this Jeṭhābhāī fainted and said if Swāmī would give reply to me and talk with me even once, I would spend all my wealth. A saint who was there advised Jeṭhābhāī to think and say because Swāmī would speak just now. Jeṭhābhāī told Swāmī that he was speaking truth and said that he would take a vow that if Swāmī would once give reply he would spend all his wealth. But Swāmī did not speak at that time, but at night Swāmī gave darśan to Jeṭhābhāī in dream and told him that he had come on hearing his news but he did not speak with him. He would have spoken but since you had taken the vow spending the whole wealth, he did not speak at that time. So never take such vow. Thus, great Anādis are different from ordinary human being.  They are always only in one state but may show human feeling. Therefore, if there is shortcoming in understanding of their greatness, one may doubt their behaviour but great muktas do not have any feeling about the body or state. They are constantly dwelling in Mūrti and appear in this world by showing their mercy to take innumerable jīvas in the happiness of Mahārāj.

              Gordhanbhāī of village Māthak asked, “Do great muktas know about saṅkalpa of everybody’s mind?” Bāpāśrī said, “Great muktas also know everything as Mahārāj knows. ‘Ek pārasthī pāras bane ek pārasthī hem hoy’ (by one pāras another pāras is forms and the same pāras turns everything into gold by its touch). Similarly, great muktas make pāras from pāras (this means they make us as they are) then, where is the question of imperfection? If one finds any fault with great muktas, one should know that they are his own faults so they appear in muktas but there is no any fault in great muktas. How to know it- just as if you look into the mirror you will see your own face as it is but that face does not belong to any one else, you see your own face. Similarly, faults are our own and appearing in great muktas. Therefore, they should be avoided by getting attached to great muktas and should reveal our faults to them frankly. So they would get it avoided. We should not keep any kind of deceit before them. If we make happy others, we also become happy and if we give unhappiness, we also become unhappy. Just as if we put biṅdī of kumkum on our forehead, the same will be seen in the mirror but if we put biṅdī of meś it will be seen the same black biṅdī in the mirror. Similarly, some devotees request to be pleased with them and put hand on their head. Thus, do we have to say anything to great muktas? They are automatically pleased by seeing the devotees’ good nature of pleasing God and his virtues and they make him happy by putting hand on his head. Bāpāśrī quoted an example of a devotee who was very strong, came to Sadguru Nirguṇdāsjī Swāmī. He prostrated before Swāmī and hurriedly told him to be pleased with him and put his hand on his head. Saying so, he forcibly pulled both hands of Swāmī and put them on his head. Swāmī was weak in body so what he could do. Swāmī told the devotee what could he gain by forcibly putting his hands on his head. He further told him that since he was strong in body he could put the whole body of Swāmī on his head, if he wished so, but could he get the pleasure thus! Therefore, to please God, one must have good nature and virtues. Moreover, if one achieves supernatural powers by the grace of Śrījī Mahārāj, he should remain humble, should remain as a servant’s servant of devotee of God and get attached to great Anādi muktas who are there in satsaṅg and understand the greatness of God, and suppress his happiness. If he does thus, he would become great Mahā Mukta by and by and by achieving stable constant happiness of great muktas who are the forms of Puruṣottam and would become the form of Śrī Puruṣottam by achieving wonderful constant joy. But if he declares his supernatural power, tries to draw people towards him, and shows some miracles to boast about his greatness and his happiness or talks about miracles and happiness, he will fall down from his state and become blank and ultimately will fall from satsaṅg– such hurdles will come in his way. This is because, if some saint and devotee prohibit, but he ignores it because of his nature and insists to behave according to his nature, he will find faults with saints and devotees and then he will fall down. Therefore, one should be cautious. If we understand the greatness of those who are still on the path of progress, there is no harm in it, but if we understand muktas as ordinary seekers, it will be a defect. Therefore, greatness should be understood thoroughly. If someone does a little devotion (bhakti) remaining in the commands of Mahārāj, we should not find fault with him. But if he differs from the commands of Mahārāj, we should stop at that point but should not go to him because of greatness.” || 74 ||