મુળીમાં સદ્. સ્વામી હરિનારાયણદાસજી માંદા થયા ત્યારે ઢુવાવાળા રવાજીભાઈએ શ્રીજીમહારાજની ને બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “સ્વામીશ્રીને પાંચ વરસ રાખો તો ઘણો સમાસ થાય.” ત્યારે બાપાશ્રીએ તેમને દર્શન આપ્યાં ને બે પડખે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી દેખાયા. પછી બાપાશ્રી બોલ્યા જે, “એમને અહીં રહેવાની મરજી નથી માટે અમે તેડી જઈશું.” એમ કહીને અદૃશ્ય થયા. દેહ મૂકવાને દિવસે સુસવાઈના ચંદનસિંહજી દર્શને આવવાના હતા. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “સૌ હરિભક્તો ઘણીકવાર દર્શન કરી ગયા, પણ એક હરિભક્ત દર્શન કરવા આવનાર છે તેને દર્શન દેવા અમે દેહોત્સવ મોડો કરશું.”
પછી તે આવ્યા ને દર્શન કર્યાં. પછી સ્વામીશ્રી બોલ્યા જે, “ગુણાતીતદાસજી! હવે અમને આસનથી ભોંય ઉતારો.” ત્યારે તેમણે કહ્યું જે, “સ્વામી! હજી તો નાડી સારી ચાલે છે માટે વખત થશે એટલે ઉતારશું.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “ઝટ ઉતારો; એની ખબર તમને ન પડે.” પછી ઉતાર્યા ને દેહોત્સવ કરી દીધો. ।।૭૩।।