એક દિવસ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા રામકૃષ્ણદાસજી ત્રણે વૃષપુરના મંદિરમાં સૂતા હતા. રાત્રિના બાર વાગે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે કાલે તમારે અમારો વિયોગ થાશે.” તેમણે કહ્યું જે, “કેમ, આપને ક્યાંય જાવું છે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ અમારા કુટુંબમાં નાનજીનો દીકરો દેવશી કૂવામાં પડી ગયો છે તેને અમે ધામમાં મૂકી દીધો છે, પણ હજી સુધી એ છોકરો પાણી બહાર દેખાયો નથી. તે સવારે દેખાશે ત્યારે ભુજથી ફોજદાર આવશે ને પંચાતનામું થાશે, પછી તેને દેન દેવાશે તે સાંજ પડી જશે ત્યાં સુધી રહેવું પડશે, માટે તમારી પાસે નહિ અવાય.” ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “તમે જાણો છો ત્યારે તો તમારે સ્નાન આવે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે તો જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સારુ અક્ષરધામમાંથી આવ્યા છીએ અને અમે તો દિવ્ય મૂર્તિ છીએ માટે અમારે તો સ્નાન-સૂતક આવે જ નહિ. બગદાલવ ૠષિ દેહધારી હતા તોપણ એક વાળ તાણી નાખતા, તેમાં સ્નાન-સૂતક બેય જતાં; તો અમારે હોય નહિ એમાં શું કહેવું? પણ લોકના ભેળા રહ્યા તે લોકની રીતે ચાલવું જોઈએ. અત્યારે સૌ કહે છે કે, ‘જડતો નથી’, તો તે ભેળા અમે પણ એમ જ કહીએ છીએ અને સવારે ‘જડ્યો’ કહેશે તે ભેળા અમે પણ ‘જડ્યો’ એમ કહેશું. જો કૂવામાં પડ્યો છે એમ કહીએ તો ઘણા માણસો અમારું અંતર્યામીપણું જાણી જાય. માટે લોકની પેઠે વરતીએ છીએ.” ।।૯।।