સંવત ૧૯૮૧ના વૈશાખ વદ-૦)) અમાસને રોજ સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત નવી વાડીએ પધાર્યા. ત્યાં નાહીને જાંબુડાના વૃક્ષ નીચે સર્વેએ બેસીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સર્વે સાધનનું ફળ એક મૂર્તિ જ છે, તે સામું જોઈ રહેવું.”

એવામાં કેરાનો એક હરિભક્ત હતો, તેનો છોકરો રમતો હતો તેને આંચકી આવી અને તેના બાપના ખોળામાં તે છોકરાનો દેહ પડી ગયો. પછી તેના બાપે તે છોકરાને સ્વામી ઈશ્વરચરણદાસજીના ખોળામાં નાખ્યો.

ત્યારે સ્વામી કહે જે, “આ તો મને અભડાવ્યો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “એ છોકરાને પાણી પાઓ.”

પછી પાણી પાયું ને તે છોકરો જીવતો થયો.

પછી બાપાશ્રી બોલ્યા જે, “આ નૈમિષારણ્ય ક્ષેત્ર હતું તો આ છોકરો બચી ગયો. એનું પણ કામ થઈ ગયું. જુઓને આ સ્વામિનારાયણના પરચા. આ છોકરો મરી ગયો હતો, પણ જીવ્યો. આવા પરચા દેખે તોપણ જેને પ્રતીતિ આવતી નથી તેને એટલી નિશ્ચયમાં કસર છે.”

પછી એક સાધુને કહ્યું જે, “તમે ત્યાગી થયા છો તે વાણી મેલવી, જડ મેલવું, ચૈતન્ય મેલવું; તેમાંથી જેટલું ઓછું ન થાય તેટલું મહારાજથી છેટું રહે. શીતળ ને શાંત રહેવું, દુઃખિયા ન થાવું. ધ્યાન -સાંગ, ઉપાંગ, સલીલ ને સપાર્ષદ એમાં કિયું ધ્યાન- કરો છો? અને કોનું ધ્યાન કરો છો? તે કહો. શ્રીજીનું ધ્યાન કરવું. કરવી સેવા તો મળે મેવા; અસેવા ન કરવી. ઝાઝું બોલવું નહિ. દાસાનુદાસ થઈ રહેવું. ‘દાસ તમારા દાસનો, મને રાખો નાથ હજૂર.’ મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીના જેવું દાસપણું રાખવું. જડ (વૃક્ષ) જેટલો લાભ પણ લેવાય નહિ! ભાડું ખરચાવીને કચ્છમાં આવ્યા છો.”

તે વખતે ઝાડ ખડખડ્યું ત્યારે બોલ્યા જે, “જુઓ, આ જાંબુ હસે છે જે, ‘મારાં ધનભાગ્ય! આવા મોટા મારે છાંયે બેઠા છે’ એમ જાણીને હસે છે. આવી રીતે જડ જાતિ પણ કામ કાઢી જાય છે અને મનુષ્યો કેટલાક બેસી રહે છે. થાંભલા જેવા અને વૃક્ષ જેવાય આપણે ન થઈએ ત્યારે શું કર્યું? આ જોગમાં આ વૃક્ષનુંયે સારું થઈ જશે. ઝાડ આખો કલ્પ તપ કરી કરીને મરી જાય તોપણ આવું કામ ન થાય.”

“રામજીભાઈ ઉપરદળવાળા અહીં આવતા તે અહીંના મંદિરના ચોકમાં નાળિયેરી, જામફળી આદિ વૃક્ષોને બાથમાં ઘાલીને મળે ને રુએ ને કહે જે, ‘તમે મોટાં ભાગ્યવાળાં છો તે સદાય આવા મોટાનાં દર્શનનો લાભ લ્યો છો, અને મારે આ દર્શન મેલીને જાવું પડશે.’ એમ બોલે. ત્યારે એમ જાણીએ જે એને ખરું હેત અને મહિમા છે. એવા થાવું, પણ ‘ચલ બે રંડી હમ ખાખ બને હે’ એવું ન કરવું.”

“શ્રીજીમહારાજની મૂર્તિ ત્રણે અવસ્થામાં રાખવી. રસનાનું જોવું, માનનું જોવું, વખત-જોગ બહુ સારો છે તો પૂરું કરી લેવું. જાણ્યા વિના, જોયા વિના ઉપરથી પત્થરનો ઘા કરે. સ્થિતિ જાણી ન હોય, ગુણ જાણ્યા ન હોય અને અપમાન કરે. આ સેવા-ક્રિયા કરું છું તેમાં મહારાજની શી મરજી છે તે તપાસવું.”

“વડોદરાના મોટા મોટા શાસ્ત્રી આવ્યા તે બોલ્યા જે, ‘આ તમારો ધર્મ કલ્પિત છે અને તમે તમારા સંતને વખાણો છો તે અમને પરચો દો તો માનીએ.’ ત્યારે શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, ‘સ્વામી, તમારું કામ પડ્યું છે.’ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ! કહી દેખાડું કે કરી દેખાડું?’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘તમારી મરજી હોય તેમ કરો.’ પછી સ્વામીએ હેમનું પારણિયું કર્યું અને નાના બાળક થઈને માંહી પોઢ્યા. પછી વેદ આવીને પારણિયું હીંચોળવા મંડ્યા ને મહિમા ગાવા લાગ્યા. ને બ્રહ્માનંદ સ્વામીએ સૂર્ય, ચંદ્ર બેયને પકડીને પારણિયાને બે છેડે લટકાવ્યા અને તારાઓનું ઝૂમખું કરીને વચ્ચે લટકાવ્યું ને રમવા લાગ્યા; તે જોઈ પંડિત આશ્ચર્ય પામ્યા.”

“તેવા અનાદિ આજ છે, પણ તેને ઓળખે નહિ. આજ એ જ મળ્યા છે, પણ મહિમાએ સહિત જોગ-સેવા કરીએ તો બ્રહ્માનંદ સ્વામી જેવા આ સભામાં જ છે, પણ તેમની સામર્થી રૂંધી નાખી છે. વખત ન વંજાવવો, ન વંજાવવો. આ વખત ન મળે. એમને વિષે ભાવ એવો ને એવો રાખવો. તે વખતે પણ મહારાજ આમ ને આમ સુખિયા કરતા અને આજ પણ એમ ને એમ કરે છે. આપણે ભેળા બેસીએ છીએ ને કથા-વાર્તા કરીએ છીએ તેથી સખાભાવ રહી જાય એટલે ખબર ન પડે, પણ જેને એવું દિવ્ય ભાસતું હશે તેને અતિ આનંદ થતો હશે ને મૂર્તિમાં વૃત્તિ લીન થઈ જાતી હશે અને તેજોમય ફુવારા ઝળળળ ઝળળળ છૂટતા હશે.”

“અને જેને એવું દિવ્ય નહિ ભાસતું હોય તેને અભાવ આવતો હશે અને આ ચંદન ચર્ચે છે, મળે છે તે રમત કરે છે એવું કેટલાક જાણતા હશે. ‘આ સભાથી બીજું તેજોમય સ્વરૂપ દેખાણું નથી ત્યાં સુધી મારું કલ્યાણ થયું નથી’ એમ સમજે તો કાંઈ ન મળે અને તેને મહારાજે ચંડાળ કહ્યો છે, માટે આ સભા દિવ્ય તેજોમય અક્ષરધામની સમજવી.” ।।૨૨૮।।