વાર્તા ૮

સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૬ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા, ત્યાં નાહી બાવળ નીચે બેસી માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જ્યાં પરમ એકાંતિક હોય ત્યાં મહારાજ હોય છે. મહારાજનો અને મુક્તનો મહિમા અપાર છે તેને કોઈ ઉપમા દેવાય નહિ. અખંડ મૂર્તિમાં રહ્યા છે. મહારાજની મરજી પ્રમાણે બોલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, તે સર્વે કરતાં થકા અકર્તા છે. પર્વતભાઈએ શ્રીજીમહારાજ આગળ વાત કરી હતી જે, ‘હે મહારાજ! મને લોકો કહે છે જે તમને સાઠ વર્ષ થયાં; પણ જો મેં તમારી મૂર્તિ વિના આ લોકમાં કાંઈ દીઠું હોય કે ભોગવ્યું હોય કે સાંભળ્યું હોય તો મને પાંચસો પરમહંસના સમ છે. હું તો સદાય તમારી મૂર્તિમાં જ રહ્યો છું; બીજું કાંઈ દેખતો નથી.’ એમ મુક્ત અકર્તા છે.”

“આવી સામર્થી છતાં પણ અલ્પ જીવનું માન-અપમાન સહન કરે છે તે સમર્થ થકા જરણા કરે છે. અને કોઈક ઉપાધિ કરે તેને ભક્તિ માને; કેમ કે ઉપાધિ કરનારના રૂડા ગુણ એમને આવે છે. ઉપાધિ કરનારને પાપ લાગે છે. જેમ એક જણ બે ધોકા મારીને સોનામહોરો મૂકી જાય ને સાંબેલું લઈ જાય તેવું થાય. માટે ભગવાનના ભક્તને ક્ષમા રાખવી. ક્ષમા જેવું કોઈ હથિયાર નથી. જે ક્ષમા રાખે તેનું પાપ ક્રોધ કરનારને જાય છે. ક્રોધ કરનારનું પુણ્ય ક્ષમાવાળાને જાય છે. માટે ભગવાનના ભક્તના દ્રોહથી બીતા રહેવું.”

“અહંમમત્વમાં મોટાનો અપરાધ થઈ જાય. માટે અહંમમત્વ ન કરવો. મમત્વ બંધાય ત્યારે ભગવાનના મોટા ભક્ત હોય તેને ન્યૂન કહી જવાય અને નાના હોય તેને મોટા કહી જવાય. તેનો ઘણો દોષ લાગે. એ ભગવાનના ભક્તને જાળવવું; કેમ કે તેમાંથી આ લોકમાં ઘણું દુઃખ આવી પડે અને જીવનું પણ ભૂંડું થાય. કેમ કે નાના હોય તેને મોટા કહે તો નાના હોય તે પણ કોપાયમાન થાય. જેમ ગુરુને મૂકીને શિષ્યની પૂજા કરે ને તેને ગાદી-તકિયો નાખી દે ત્યારે શિષ્ય જાણે કે, ‘મારા ગુરુને પડ્યા મૂકીને મારી પૂજા કરે છે તે બહુ જ ખોટું કરે છે.’ એવી રીતે શિષ્યને ન ગમે તેથી શિષ્ય પણ કોપે. ત્યારે પૂજા કરનારનું ઊલટું ભૂંડું થાય અને સત્સંગરૂપી સુખના સાગરમાંથી નોખું પડવું પડે, દુઃખના દિવસ ભોગવવા પડે અને સત્સંગનો કુરાજીપો થાય. તે કેટલાક ભોગવે છે તે આપણે દેખીએ છીએ; માટે અહંમમત્વ ન કરવો. દાસાનુદાસ થઈ રહેવું. ‘દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં’ એમ મહાપ્રભુજીએ ભક્તચિંતામણિમાં કહ્યું છે. માટે એમ રહેવું.” ।।૮।।