સંવત ૧૯૭૧ના ચૈત્ર સુદ-૧૦ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૩૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં એકાંતિકનો ભગવાનને વિષે પ્રવેશ થાય છે એમ આવ્યું.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “એકાંતિકનું શું લક્ષણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એક ચાલોચાલ ને બીજા એકાંતિક એ બે પ્રકારના ભક્ત અવરભાવમાં એટલે સાધનદશામાં હોય છે. તેમાં જે માળામાં, માનસી પૂજામાં, ધ્યાન-ભજનમાં, શ્રીજીમહારાજની આજ્ઞા પાળવામાં, કથા-વાર્તામાં એ સર્વે ક્રિયામાં નિત્ય નિત્ય નવી નવી શ્રદ્ધા લાવીને કરતો જાય તે ચાલોચાલ કહેવાય. અને આ પ્રમાણે સર્વે સાધન ન કરે ને કેવળ મહારાજની નાની-મોટી સર્વે આજ્ઞા પાળે તે ગુણબુદ્ધિવાળો પ્રાકૃત ભક્ત કહેવાય. અને જે આજ્ઞામાં ફેર પાડે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહિ. અને સર્વે સાધનના અંતને પામીને, દેહને ખોખાવત્ કરીને, માયિક ભાવમાત્રને ટાળીને, બ્રહ્મકોટિના ને અક્ષરકોટિના રાગને ટાળીને, એક શ્રીજીમહારાજની અખંડ સ્મૃતિ રાખે તે એકાંતિક કહેવાય. જેમ મંદિર પૂરું થાય પછી મૂર્તિ પધરાવાય છે, તેમ એકાંતિક મંદિરને ઠેકાણે થયો, એટલે મૂર્તિને રહેવાનું શુદ્ધ પાત્ર થયો, અને તેમાં મૂર્તિ રહે છે. પણ આત્માને વિષે દેખે નહિ ત્યાં સુધી એકાંતિક કહેવાય.”

“આત્માને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થાય તે પરમ એકાંતિક કહેવાય, અને મૂર્તિમાં રહે તે અનાદિ કહેવાય. આ બે પ્રકારના ભેદ પરભાવના એટલે સિદ્ધ મુક્તના છે. તેમાં જે અનાદિ છે તે તો મૂર્તિમાં રસબસ રહીને નવીન નવીન સુખ ભોગવે છે.”

“એ સુખ તમને મળ્યું છે, માટે ખાખ બનીને બેસી રહેવું નહિ. એક છોકરો રાખમાં આળોટીને એની માને કહે જે, ‘ચલ બે રંડી, હમ ખાખ બને હે.’ એમ ત્યાગી થઈને કાંઈ કરવું જ નહિ એમ ન રાખવું. શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળવી. આજ્ઞા નથી પાળતા તેને વ્રત કરવાં પડે છે; પણ જો આજ્ઞા યથાર્થ પાળે તો વ્રતનું સ્વપ્ન પણ ન આવે એટલે વ્રત કરવાં જ પડે નહિ. જો આજ્ઞા પાળે તો મૂર્તિમાં જોડાવાય.”

“જેનો જોગ કરીએ તેના જેવા થાવું ને બધાને વિષે દિવ્યભાવ રાખવો, તથા જે મુક્ત કરે તેને વિષે આત્મબુદ્ધિ, પ્રીતિ અને વિશ્વાસ રાખવો. આ સભામાં ખપવાળાને બહુ સુખ આવે છે. જે આ વાતોના યારી ન થાય તેને ‘આ સભામાંથી ક્યારે ચાલી નીકળું’ એમ થાય અને આ વાતોનું સુખ ન આવે. આપણે વનમાં બેઠા છીએ એમ જાણે તો બહુ સુખિયા થવાય અને અમદાવાદ આદિક સ્થળના છીએ એમ જાણે તો સુખિયા ન થવાય. એકેય ખૂંટી સરખી પણ પોતાની નથી એમ જાણે તો સુખિયા થવાય.” ।।૧૪૫।।