સંવત ૧૯૮૨ના આસો વદ-૧૧ને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં સવારે સભામાં વચનામૃતની કથા થતી હતી.
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહ્યા છે તે સાકાર છે કે નિરાકાર છે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાકાર છે.”
પછી વાત કરી જે, “જીવના સ્વભાવ એવા અવળા હોય છે તે મોટાના સમાગમમાં હોય, પણ જો તેને અધર્મમાં માન-સત્કાર મળે તો મોટાનો સમાગમ મૂકી દે ને અધર્મમાં માને કરીને બંધાઈ જાય છે. તમે ક્યાંય બંધાશો નહિ. તમને ત્રણેને અમે મહંતાઈ મુકાવી છે. આ સ્વામી વૃંદાવનદાસજીને ધોળકાની, આ સ્વામી ઘનશ્યામજીવનદાસજીને અમદાવાદની અને આ સ્વામી ઈશ્વરચરણદાસજીને જેતલપુરની મુકાવી. તમે હવે ભલા થઈને કોઈ દિવસ મહંતાઈ લેશો નહિ.”
પછી બોલ્યા જે, “કેટલાક ગુરુ વૃદ્ધ હોય ત્યારે ‘પોતાનો શિષ્ય પંડિત થાય અને તેને માન સત્કાર મળે તો ઠીક’ એવી ઇચ્છા કરે. માટે ભલા થઈને કોઈ મહંતાઈ લેશો નહિ. ભગવાન ભજજો અને ભજાવજો, એ જ કામ કરજો.” એમ પોતાને વિષે હેત રુચિવાળા સંતોને શિક્ષાનાં વચન કહ્યાં.” પછી બોલ્યા જે, “તમે જડ-ચૈતન્ય માયાને ત્યાગી; હવે તમારે એક માળા ફેરવવાની છે. એ જ કરજો.”
ત્યારે સંતોએ માગ્યું જે, “આપ અમને મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય બંધાવા દેશો નહિ.” પછી અતિ પ્રસન્નતા જણાવી તે વર સંતોને આપ્યો.
બપોરના એક વાગે બાપાશ્રી કૃષ્ણસર (કાળી તલાવડી) નાહવા સારુ ઘોડાગાડીમાં બેસી પધાર્યા. સાથે કેટલાક સંત-હરિજન હતા. ત્યાં છત્રીએ દર્શન કર્યાં પછી તળાવમાં સૌ નાહી સભા કરી બેઠા. થોડીવાર પછી બાપાશ્રી બીજી વાર નાહવા પધાર્યા. તે વખતે અતિ પ્રસન્નતા જણાવી ઊંડા પાણીમાં પોતે તરવા લાગ્યા.
તે જોઈને સ્વામી વૃંદાવનદાસજી કહે જે, “આમને કોણ માંદા કહે? આ તો તરવા મંડ્યા છે.”
એ સાંભળી બાપાશ્રી આદિ સૌ સંત-હરિજન હસ્યા. એ સમયે સાજા માણસની પેઠે બાપાશ્રી ઉતાવળા થકા તરત જ તળાવ બહાર નીકળ્યા ને સાધુ મુક્તવલ્લભદાસજીનો હાથ ઝાલી ઉપર આવ્યા. ત્યાં સ્વામી વૃંદાવનદાસજીને બહુ હેતે કરી ખભે હાથ નાખી ‘યમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે’ એમ બોલી સંત-હરિજનોને આનંદથી મળ્યા. પછી છત્રી ઉપર ચરણારવિંદનો સ્પર્શ કરી આસન ઉપર આવીને બેઠા. તે સમયે સર્વે સંત-હરિજનોએ પ્રાર્થના કરવાથી મૂર્તિમાં રાખવાનો વર આપ્યો.
પછી અતિ પ્રસન્ન થકા પોતે છત્રીએ પધરાવેલા ભીડભંજન હનુમાનજીની પ્રશંસા કરીને કહ્યું જે, “આ હનુમાનજી બહુ ચમત્કારી છે. હમણાં જ ભવાનીપુરના એક છોકરાનો મરિયો (વાઈ) કાઢ્યો. તેની માએ સવા સવા રૂપિયાના પાંચ થાળ કર્યા હતા. એવી જ રીતે કોઈને ભૂત-પ્રેતાદિકનું દુઃખ હશે તો આ હનુમાનજી મહારાજની ઇચ્છાથી નાશ કરશે, પણ એમ સમજજો કે આ સર્વે ચમત્કાર શ્રીજીમહારાજના પ્રતાપથી છે. મહારાજના ખરા ઉપાસકને તો કોઈ દેવની માનતા ન થાય અને આસ્તા પણ ન રખાય. કદાચ સકામ ભક્ત હોય તો તેને પણ શ્રીજીમહારાજ પાસે જ માગવું ઘટે અને જે નિષ્કામ હોય તે તો શ્રીજીમહારાજ પાસે પણ કાંઈ માગે નહિ. આ તો ચમત્કારી સ્થાન, ચમત્કારી સભા, એને લઈને આ હનુમાનજી પણ ચમત્કારી છે. એ સર્વે પ્રતાપ શ્રીજીમહારાજનો છે એમ જાણવું.”
પછી બાપાશ્રી તથા સર્વે સંતો મંદિરમાં પધાર્યા. ત્યાં સંતોએ ચંદન ચર્ચી પૂજા કરી. તે સમયે બાપાશ્રીએ પણ સૌને ચંદન ચર્ચી માથે હાથ મૂકી મૂર્તિમાં રાખવાનો વર આપ્યો. ।।૪।।