સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૫ને રોજ સવારે મેડા ઉપર પૂજા કર્યા પછી બાપાશ્રીએ ઠાકોરજીને જમાડેલી લીલી દ્રાક્ષ સંત-હરિભક્તોને વહેંચી. લાલુભાઈને પ્રસાદી આપતાં રમૂજે યુક્ત વચન સિંધી ભાષામાં બોલ્યા જે, “લાલુભાઈ! હી પ્રસાદી કેડી આહે?” ત્યારે લાલુભાઈ કહે, “બાપા! હી પ્રસાદી અક્ષરધામજી આહે.”
તે વખતે સંતો સામું જોઈને બોલ્યા જે, “જુઓ તો ખરા! આ બાપડા કેવા વિશ્વાસી! બે દાણા પ્રસાદી જડે તોય સૌને ઘરમાં આપે ને કહે જે, ‘આ પ્રસાદી અહીંની નથી, અક્ષરધામની છે.’ આવો દિવ્યભાવ; કેમ જે મહારાજ અને અનંત કોટિ મુક્ત જમ્યા પછી એ વસ્તુ દિવ્ય થઈ ગઈ. સત્સંગમાં કેટલાક ઝાઝાં વર્ષ થયાં કુટાતા હોય, પણ મહારાજ તથા મોટા મુક્તનો મહિમા હાથ આવ્યો ન હોય તે આવી વાત જાણી ન શકે. આ દ્રાક્ષમાં રસ ભર્યો છે તેમ આવા દિવ્યભાવમાં પણ નકરો રસ છે. મહારાજનો સાક્ષાત્કાર થયો તેને તો બધુંય દિવ્ય થઈ ગયું. જવું-આવવું ક્યાંય ન રહ્યું.”
‘રસરૂપ મૂર્તિ રે શ્રીહરિ કેવળ કરુણાકંદ’ એ ટૂંક બોલીને કહ્યું જે, “ચાલો સૌ સભામાં કથાટાણું થઈ જશે.” એમ કહી પોતે ઠાકોરજીનાં દર્શન કરી સભામાં પધાર્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી સામું જોઈને કહ્યું કે, “સ્વામી! આ ફેરે તમે બેય સદ્ગુરુઓએ અહીંના હરિભક્તોને ન્યાલ કર્યા છે. તમે જ્યાં બેઠા હો ત્યાં માગ ન જડે. રાત્રે કે દિવસે, આસને, સભામાં, નાવા જાઓ ત્યારે પણ હરિભક્તો તો ઘેરીને ઊભા હોય છે.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, “બાપા! એ બધો પ્રતાપ આપનો છે. ચમકની પેઠે આપ સૌને ખેંચો છો. તમારાં દર્શનથી બધાય સુખિયા થયા છે. હરિભક્તોને એમ જે બાપાશ્રી દયા કરીને પધાર્યા છે તેથી જેટલો લેવાય એટલો દર્શન-સેવાનો લાભ લઈએ. આપે પણ આ ફેરે ઘણી પ્રસન્નતા જણાવી છે એટલે મૂર્તિના સુખની, આજ્ઞા-ઉપાસનાની, નિશ્ચયની નવી નવી વાતો થાય છે. તેથી સૌને તાણ રહે જે આ ટાણે આપણે રહી ન જઈએ. તેથી રાત્રે બાર વાગી જાય છે તોય હરિભક્તો ઊઠતા નથી. સવારે ચાર વાગે છે ત્યાં તો પૂજાઓ કરીને મંદિરમાં આવી જાય છે. એમ આપ સૌને ખેંચો છો. લાલુભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિભાઈ, મોહનભાઈ, સોમચંદભાઈ તથા નાના-મોટા બધાય રાજીપા સારુ તલખે છે. તે વહેલા આવી ચંદન ઘસી સૌને ચર્ચે છે. હારથી, ચંદનથી સંતોની પૂજા કરે છે, દંડવત કરે છે, પારાયણમાં પણ હાજર થઈ જાય છે, વારાફરતી રસોઈઓ કરાવવા માગણી કરે છે, આપને ઘેર તેડી જવા પ્રાર્થનાઓ કરે છે. આમ, નકરો દિવ્યભાવ વર્તાઈ રહ્યો છે. આપે પણ આ વખતે કૃપા બહુ કરી શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા કરવાનું સદાવ્રત ઉઘાડ્યું છે.”
ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! મહારાજનો સંકલ્પ છે કે અમારી નજરે ચડ્યો તેને મૂકવો નથી. એમના અનાદિને પણ એ એક જ કામ છે. જીવ ગમે તેમ ધારે.” એમ કહેતાં કથા ચાલતી થઈ. કથા પ્રસંગે મહિમાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સભા અલૌકિક દિવ્ય છે. મહારાજ સામી સૌની નજર છે ને મહાપ્રભુની નજર આ સભા સામી છે. એ વાત હાથ આવે એટલે દર્શનની, સેવાની ને જમાડ્યાની ત્વરા થાય.”
એ ઉપર વાત કરી જે, “મહિમાવાળા તો રામજીભાઈ ખરા! જે તેમણે સંતોને જમાડ્યા ને ઘણીવાર સુધી દંડવત કર્યા એવું હેત. વાહ રે વાહ! રામજીભાઈ! વળી વળીને ધૂળ (ચરણરજ) માથે ચડાવે અને ઝાડવાંને પ્રાર્થના કરે જે, ‘તમે મોટાં ભાગ્યવાળાં તે આ સભાનાં દર્શન નિત્ય કરો છો ને હું અભાગિયો રહી જાઉં છું, જે સદાય અહીં રહી શકતો નથી.’ એમ બોલતા. એવી મહિમાની વાતો છે.” એવી રીતે વાત કરતાં સમય થયો. ત્યારે સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી કથાની સમાપ્તિ કરી. ।।૪૬।।