(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૭) કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી સભામાં બેઠા હતા. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, “બાપા! સૌને મૂર્તિના સુખમાં મેલી દેજો.”
ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આપણે એ જ કરવા આવ્યા છીએ, તમારું પણ એ જ કામ છે. મહારાજ ને મુક્ત તો એ એક જ કામ કરે છે. આવી વાત ન જાણતા હોય એ તો ફાવે તેમ બોલે તેનું આપણે કાંઈ નહિ. આપણે તો મૂર્તિના સુખનો જ આહાર કરવો. સુખના નિધિ એક શ્રીજીમહારાજ છે તે મૂર્તિ મૂકવી નહિ. ત્રિવિધ તાપમાં બળતા જીવને મહારાજ અને મોટા અનાદિ શીતળ શાંત કરે છે. તાપ બળતો હોય અને જો એ આપણને જ્ઞાન કરે તો ટાઢા થઈ જવાય. ‘શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય.’ એવું શ્રીજીમહારાજની મૂર્તિનું તેજ છે તે જો ભડકે તો લાડકીબાઈના જેવું થાય, માટે ભડકવું નહિ. કલ્પેકલ્પ વીતી જાય, પણ સુખ ને સુખ જ રહે છે. આપણે તો મહારાજ અને મોટાના ખોળામાં મસ્તક મૂકી દેવું. મોટા અનાદિ પૂરું કરી દેશે. એ વસ્તુ બહુ મોંઘી છે, સહેજમાં હાથ આવે એવી નથી. તેનો વિચાર કરવો તે અતિ કઠણ વાત છે. આપણા ઉપર મહારાજ તથા મોટાની દયા થઈ છે તેથી ખૂણામાંથી વસ્તુ મળી ગઈ છે તેને સાચવી રાખવી એ કરવાનું છે.”
પછી સંતો સામું જોઈને કહ્યું કે, “અમારા દેશમાં મોટા મોટા સદ્ગુરુ ફર્યા તે બહુ સમાસ થયો ને ધોતિયાનું ગાડું ભરી લાવ્યા. એમાં સમજવાનું એમ છે જે પરિપક્વ નિશ્ચયવાળાને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, પણ એમાં લેવાવું નહિ. અને એમ જાણવું જે રાજાના કારભારી હોય તે જ્યાં જાય ત્યાં નવાં નવાં સન્માન મળે, એ બધું રાજાને લઈને છે; માટે પારકી મિલકતના ઘરાક થાવું નહિ. કોઈને એમ થાય જે અમે મોટા દિગ્વિજય કરીએ છીએ અને સત્સંગીને વાતેચીતે સુખિયા કરીએ છીએ એમ ન જાણવું. એ તો સર્વે મૂર્તિને લઈને સુખિયા છે. તે વિના કૂદી કૂદીને દેહ પાડી નાખે તોય સુખ ન થાય.”
“આ તો મૂર્તિનો આનંદ છે, પણ સમજાતું નથી. નારદ, શુક, સનકાદિક તથા ગોપીઓ આદિકની પ્રાપ્તિ તો આ સુખની આગળ કાંઈ ગણતરીમાં નથી. આ ખંડનની વાત નથી, પણ મોટ્યપની વાત છે. સંતના પાત્રમાંથી મોટા દેવાદિક પ્રસાદી લઈ ગયા એ બધા દેવ દિવ્ય થવા આવ્યા હતા. આપણા ઘરની આપણને જ ક્યાં ખબર છે! જેમ જેમ મહારાજની મૂર્તિને સમીપે ચાલે તેમ તેમ વિધિ વધારે કરવી જોઈએ. ખંડિયો રાજા રાજી થાય તો શું આપે? પણ ચક્રવર્તી રાજા રાજી થાય તો ન્યાલ કરે. તેમ બીજા અવતાર ખંડિયા રાજા જેવા છે અને મહારાજ તો ચક્રવર્તી રાજાને ઠેકાણે છે. સરકાર તો ફક્ત ટોપી પહેરીને ઘોડે બેસીને ફરવા જાય અને બીજાં રજવાડાં છે તે બાર મહિનામાં પાંચ-સાત વખત તો અસવારિયું કાઢે છે તે મોટાઈ દેખાડવા માટે છે. તેમ મહારાજ પોતાની મોટ્યપ દેખાડતા નથી, પણ અવતારો મોટ્યપ દેખાડે છે. તેથી મહારાજની મોટ્યપ દેખાઈ આવે છે; કેમ કે ‘સર્વેના સ્વામી શ્રીહરિ રે સર્વેના કહાવિયા શ્યામ.’”
“માટે શ્રીજીમહારાજને સાથે રાખે તો કોઈનો ભય રહે નહિ. ખરી મોટ્યપ એક મહારાજની મૂર્તિમાં છે. જગતના જીવનું પ્રારબ્ધ બીજા છે અને આપણું પ્રારબ્ધ મહારાજ છે. ઘાટ-સંકલ્પ થતા હોય અને મહિમાએ સહિત ગદ્ગદ્ કંઠ થઈને પ્રાર્થના કરે તો ઝેર ઊતરી જાય. પછી આ લોકમાં મોટ્યપ, સારપ, કામ, ક્રોધ, એ કાંઈ વસ્તુ જ નથી. મોટ્યપ એક મહારાજની મૂર્તિમાં છે. શીતળતા વગેરે સર્વે ગુણ તેમાં છે. બીજાં સુખ તો નકામાં છે, પણ મહારાજનો મહિમા ન હોય તો એમાંય માલ જણાય.”
“દિવ્યભાવમાં માનસી પૂજા કરે તેને બહુ સુખ આવે. જેમ ભાવ બેસે તેમ કરવું. ભાવ ફક્ત સુખનો છે. સુખ મહારાજની મૂર્તિમાં છે. જબરા રાજ્યમાં બેઠા છીએ અને ધણી મોટા મળ્યા છે, પણ ભિખારણના સ્વભાવ તથા મલિન સ્વભાવ જીવને બહુ નડે છે. જે સત્સંગને દિવ્ય ન સમજે અને સર્વેના ઉપરી મહારાજ છે એમ ન સમજે તેને આ લોકમાં ઘણું કરવાનું રહી જાય.”
“એક પારસથી પારસ બને એવા મહારાજ છે. ઝવેરી જેમ નંગની પરીક્ષા કરે છે તેમ મહારાજની મૂર્તિનું પારખું કરવું. મોટા શેઠિયામાં ભાગ રાખવો, પણ જ્યાં ત્યાં ન રાખવો. ‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા આજ ધર્મવંશીને દ્વાર.’ આ તો સુખનો સમુદ્ર છે; કૂવો-તળાવ નથી જે સુકાઈ જાય. માટે મોટા સુખને પામવું હોય તો આવો મૂર્તિમાં. જેમ જેમ નવાં નવાં સુખ ભોગવતા જાય તેમ તેમ અપારપણું વધતું જાય. કલ્પેકલ્પ વીતી જાય એટલું એ સુખનું અપારપણું છે. અમે તો એવો જ આશીર્વાદ દઈએ છીએ કે બધોય સત્સંગ સાજો આબાદ ભગવાન પાસે જાય અને બધાય અનાદિની પંક્તિમાં ભળી જાય. અનાદિના સંકલ્પે કરીને મૂર્તિ મળે છે ને ધામ મળે છે. જેમ વીજળી સડકો મારીને નાસી જાય તેમ મહાપ્રભુનું સુખ ક્યારેય ભુલાય એવું નથી. માયિકભાવવાળાને મતે અક્ષરધામમાં મૂકી આવ્યા અને દિવ્યભાવવાળાને મતે પાસે રાખ્યા એમ છે.”
“પોતે પોતાની કસર જાણપણારૂપ દરવાજે રહીને કાઢી નાખવી. સ્વામિનારાયણને ત્યાં મડદું નહિ શોભે. બાર મહિના સુધી બેઠા હોય, પણ જો મોટાની દયા થાય તો એક કલાકમાં કામ કાઢી નાખે. માંહી કામ, ક્રોધ, આદિક ચોરંટા છે એને કાઢી નાખવા તેમાં શ્રીજીમહારાજને સાથે રાખે તો કોઈનો ભય રહે નહિ. મહારાજની પ્રસન્નતાને અર્થે જેમ જેમ મૂર્તિ સન્મુખ ચાલે તેમ તેમ વિધિ વધારે કરવો જોઈએ તો મહારાજ તથા મોટા રાજી થાય.” ।।૫૯।।