(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૮) બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજને પામવા સર્વદેશી પુરુષ જે મોટા મુક્ત તેની જરૂર પડે છે. મહારાજ કહે છે કે, ‘દેવ જેવો થાય ત્યારે દેવ પૂજા અંગીકાર કરે.’ પણ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા અનાદિમુક્તનો જોગ આવી જાય તો કામ કરી નાખે. ખંડિયા રાજા અને સ્વતંત્ર રાજા એ બેયના હુકમ સરખા હોય, પણ સામર્થીએ કરીને બળ જુદું રહે છે. તેમ મોટા મુક્ત દેવ પધરાવી દે તો સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિ એમના આશીર્વાદે દેખાય. એવા મોટાની સેવા કરવી હોય તો એક કલાક પણ ન થાય, એ મહિમા ન કહેવાય.”
“આ તો ખરો મુદ્દો હાથ આવ્યો છે તે જો મૂકી દઈએ તો રખડી પડીએ. ખરેખરો તારુ હોય તોપણ સમુદ્રમાં દોરડું રાખે છે, તેમ ઉપાસનારૂપી કાંઠો હાથમાં રાખવો. પટાવાળો પટો મૂકી દે તો માર ખાય, તેમ જીવ ધણીની સહાયતા મૂકી દે તો આગળ કેટલું ચાલે?”
“રાજાના કુંવરને પોતાના વૈભવ વધારે છે તેનો સંકલ્પ પણ ન થાય અને એમ જાણે જે સર્વે મારા પિતાનું જ છે. પછી બીજાને શું બતાવવા જાય? તેમ આપણને મહારાજનું આપેલું સન્માન છે. માટે રાજી રહેવું, પણ પોતાપણું આવવા દેવું નહિ; કારણ કે પોતાપણું આવે તો દુખિયો થઈ જાય. અને એમ જાણવું જે, ‘જે જે સેવા-સન્માન થાય છે તે મહારાજને થાય છે.’ રાજા સાથે કારભારી જાય તો રાજા સાથે તેને પણ સત્કાર મળે છે, એ બધું રાજાને લઈને છે. તેમ આ સત્સંગમાં સર્વેની મોટ્યપ મહારાજને લઈને છે. તે વિના તો કોઈ સંત બીજા રૂપમાં દર્શન દે તો અમારે ચપટી લોટ પણ આપવો તેમાં વિચાર કરવો પડે; માટે બધુંય તપાસવું. મોટા મોટા સદ્ગુરુ હોય તેમણે પણ એમ જાણવું જે, ‘પૂજા સર્વે મહારાજને જ થાય છે, આપણે તો નિમિત્ત માત્ર છીએ.’”
“જેમ લોટો હોય તો પાણી પીવાય છે તેમ આ જે બધા સંત છે તે પાત્રરૂપ છે. સાબરમતીમાં એક લોટો પાણી રેડે તો સમુદ્રમાં પહોંચી જાય અને સરપટું અગ્નિમાં નાખે તો અગ્નિરૂપ થઈ જાય. પછી તે અગ્નિનું કામ કરે, પણ મૂળ સ્વરૂપ વડવાનળ અગ્નિ તેનું કામ એ ન કરી શકે. મહારાજે કહ્યું છે જે, ‘પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વતે જ થાય છે.’ જેથી કારણ તો એક મહારાજ જ થયા.” ।।૬૪।।