(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૪) બાપાશ્રીએ તે વખતે કૃપા કરીને વાત કરી જે, “સ્થાવર ને જંગમ બે પ્રકારનાં તીર્થ છે. તેમાં સ્થાવર તીર્થ વિષયી તથા પામરને માટે છે, તે સ્મૃતિ કરાવી દે. અને સંત તથા અનાદિમુક્ત છે તે તો જંગમ તીર્થ છે, તે માયા પર કરી મૂકે. એવા મહારાજ ને મુક્ત તે આપણા આધાર છે.”
“શું તેજ! શું લાવણ્યતા! શું ઐશ્વર્ય! ઝળળ ઝળળ મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે. એ મૂર્તિમાં મુક્ત સદાય રસબસ રહ્યા છે. એમ દૃઢ નિશ્વય કરે તો જ મૂર્તિ હાથમાં આવે. બીજે હણોહણ કરે, પણ મૂર્તિ કોઈ પધરાવે નહિ. માટે ચોખ્ખો થઈને મંદિર તૈયાર કરે, તો મોટા તરત મૂર્તિ પધરાવી આપે; પણ વાર ન લાગે. જીવ કાર્યમાં ખેંચાય, પણ કારણ મૂર્તિનો એવો આનંદ ને મહિમા નહિ; પણ ખરું સુખ તો મહારાજ અને અનાદિમુક્તના જોગમાં છે. તે અનાદિમુક્ત અનંત કોટિ કલ્પ સુધી મૂર્તિના સુખમાં ઝીલે છે તેમ આપણે પણ સદાય મૂર્તિમાં ઝીલવું; મૂર્તિ બહાર નીકળવું નહિ.”
“અત્યારે મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિક મહામુક્તો પ્રત્યક્ષ બેઠા છે એમ જાણવું. આવા સંતને દિવ્ય જાણવા. આ સંત સર્વે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે એમ જાણે તો હેત બહુ થાય. જેમ ઝાડને કલમ કરે છે તેમ રસબસ થઈને મૂર્તિમાં જોડાઈ રહેવું. આ સંત અમદાવાદના છે, ભુજના છે, એવો ભાવ ટાળવો. આ તો સર્વે શ્રીજીમહારાજના સંકલ્પ છે એવો ભાવ લાવવો.”
“સંતનું મધ્ય તે શું? તો આ સભામાં મહારાજ બિરાજે છે એ સંતનું મધ્ય છે. ત્યાં જન્મ માગવો ને મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તો નવ મહિનાની કેદ મળે તે કેદમાં વાર ન લાગે, પણ જો બ્રહ્મ તથા અક્ષર આદિનાં ઐશ્વર્યમાં રાગ હોય તો કોટિ કલ્પે છૂટકો ન થાય. માટે ચૈતન્ય ભૂમિમાં જન્મ લેવો તે ચૈતન્ય ભૂમિ એટલે અક્ષરધામ (મહારાજની મૂર્તિનો પ્રકાશ) એ અક્ષરથી પર છે. ગોલોક મધ્યે અક્ષરધામ, તે મધ્યે સાકાર મૂર્તિ સહજાનંદ શ્યામ. તે ગોલોક મહારાજના તેજની કિરણો તે મધ્યે મહારાજનો ઘાટો પ્રકાશ છે. તે મધ્યે મૂર્તિ છે એ મૂર્તિના સુખમાં રહેવું; તો માયા છેટી થઈ જાય તે ગોતી જડે નહિ. શ્રીજીમહારાજને અંતર્યામી જાણવા ને નાની-મોટી સર્વે આજ્ઞામાં દૃઢપણે વર્તવું અને ઉપાસનામાં તો વાંધો ન જ આવવા દેવો. અજાણમાં કોઈ આજ્ઞામાં ફેર પડ્યો હોય તો તપ કરાવીને અથવા જન્મ ધરાવીને વાંધો ભાંગે, પણ જો ઉપાસનામાં કાચું હોય તો એ વાંધો ભાંગે નહિ. માટે પતિને પડ્યા મેલવા નહિ.”
એમ વાત કરતાં ગાડી આવી તેથી સર્વે સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।।૧૦૧।।