સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૧૨ને રોજ નિત્યવિધિ કર્યા પછી બાપાશ્રી સંત-હરિભક્તોને મળ્યા ને જય સ્વામિનારાયણ કરી આસને બેઠા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી ચંદનનો વાટકો લઈ બાપાશ્રીને ચર્ચવા આવ્યા. ત્યારે બાપાશ્રીએ તે વાટકામાં હાથ બોળી સ્વામી ઈશ્વરચરણદાસજીના ભાલે ચંદન ચર્ચ્યું ને વાટકો હાથમાંથી લઈ લીધો.
પછી સ્વામી વૃંદાવનદાસજીને ચંદન ચર્ચીને બોલ્યા જે, “આવો સંતો! તમારી પૂજા કરીએ.”
એમ કહીને સંતોને ચંદન ચર્ચવા લાગ્યા ને બોલ્યા જે, “આ અક્ષરધામમાં પૂજા થાય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે. આ સભા દિવ્ય તેજોમય છે. કોઈ રહી જશો મા. આ અવસર દુર્લભ છે.”
પછી કીર્તનની ટૂંક બોલ્યા જે, “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ આજ ધર્મવંશીને દ્વાર.” એમ બોલી ચંદન ચર્ચતાં વળી કહ્યું જે, “કોઈ રહી જશો મા. આવા ક્યાંથી આવશે?” તે વખતે એક સંત ઠાકોરજીનાં દર્શન કરવા ગયેલ તે આવ્યા. તેને ભાલે ચંદન ચર્ચી કહ્યું કે, “આ તો મંડળધારી છે.”
પછી પોતે એમ બોલ્યા જે, “સંત મંડળધારી કે ભગવાન મંડળધારી?”
ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, “બાપા! મહારાજ મંડળધારી. મુક્તનાં તો અનેક મંડળ.”
પછી બોલ્યા જે, “સ્વામી! કારણને ઓળખો છો? ‘સર્વેના કારણ શ્રીહરિ રે.’ કારણ એક મહારાજ, બીજું બધુંય કાર્ય. ‘સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન’ એવા સર્વોપરી મહારાજ છે. માટે શ્રીજીમહારાજ વિના ક્યાંય અટકવું નહિ. આવી વાતો આ સભામાં થાય છે. બીજે તો કોઈ કાંઈ કરશે ને કોઈ કાંઈ કરશે. કોઈ વેપાર કરશે, કોઈ બજર કૂટશે. કેમ મહાદેવભાઈ?”
ત્યારે મહાદેવભાઈ કહે, “બાપા! સાચી વાત છે. તમે દયા કરશો તો એ કાંઈ નહિ નડી શકે. આમ ને આમ સાથે રાખજો.”
ત્યારે બાપાશ્રી કહે, “બહુ સારું.”
પછી પાર્ષદ કુબેર ભક્ત પૂજા કરી દર્શને આવ્યા તેના સામું જોઈને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આ આપણી સેવા સારી કરે છે.”
ત્યારે બાપાશ્રી કહે, “હા, એની સેવાને હું જાણું છું. મહારાજને સેવાભક્તિ ગમે છે. જીવને દિવ્યભાવ ન હોય એટલે દેહને ઘસારો ખમી શકે નહિ. જેથી સેવામાં કારસો આવે.”
પછી વળી એમ કહ્યું જે, “આવો લાભ અને આવી પ્રાપ્તિ થઈ છે તેને ભૂલીને કોઈ રાહુ-કેતુ જેવા સ્વભાવ મ રાખજો. કેટલાક રાહુ-કેતુ જેવા સત્સંગમાં હોય, તે પહેલાં તો સહુ ભેગા ભળી જાય, પણ પછી સ્વભાવ જણાવે. સ્વભાવ છે તે જીવને દુઃખ દે છે.”
એમ કહી અહીરાવણ-મહીરાવણની વાત કરી. પછી વળી લક્ષ્મણજીની વાત કરી જે, “તે રાવણની ગાદીએ જરાક બેઠા એટલામાં બુદ્ધિ ફરી ગઈ ને બોલ્યા જે, ‘આ કેનું નગારું વાગે છે? કોનું સૈન્ય છે? બોલાવો આપણા સૈન્યને, એના સૈન્યને મારી કાઢો.’ એમ ગમ વિના ગાદીએ બેસતાં થયું. પછી વિચાર હાથ આવ્યો ત્યારે પસ્તાવો બહુ કર્યો. તેમ સ્વભાવને વશ થઈ જાય તે ટાણે કાંઈનું કાંઈ બોલાઈ જાય. ને રાહુ-કેતુ જેવા માંહી પ્રવેશ કરે ત્યારે માથાં ફેરવી નાખે ને સુખ બધું ખોઈ નાખે, એવા જીવ અવળા છે. માટે સૌ ઓળખજો. આ સભાનો દિવ્યભાવ આવે તો એ કોઈ નડી શકે નહિ. જુઓને! જાગ્યા ત્યારથી આઠવાર તો સૌના પર હાથ ફર્યા એ કાંઈ થોડી વાત નથી. આવો લાભ મનાય તો અહો! અહો! થઈ જાય. મહારાજે સંતનાં મંડળ બાંધ્યાં છે તે કથા-વાર્તા કરવા અને દેશમાં ફરવા. આ તો સ્થિતિ થઈ ન હોય ને ‘હમ બન ગયે રાજા’ એમ માનીને બેસે છે, એમ સદ્ગુરુ નિર્ગુણદાસજી કહેતા. એ સ્વામીનો હું સેવક છું.”
પછી સ્વામીશ્રીએ મણિલાલભાઈનો કાગળ ચરણારવિંદ પધરાવવા સંબંધી આવેલ તેની વાત પૂછી.
ત્યારે બાપાશ્રી કહે, “ત્યાં તો જવું જોઈશે.”
પછી એક સાધુની છાતીએ હાથ ફેરવીને બોલ્યા જે, “કહો તો અહીં પગલાં પધરાવી દઈએ. સાધનદશાવાળાને આ સલો છે. સિદ્ધદશાવાળાને તો મૂર્તિરૂપી ખજાનો. આપણે પાકો સિદ્ધાંત એ છે કે હૃદયમાં પધરાવી દેવા. મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસ તે જેટલાં રૂપ એ સર્વે દિવ્ય મૂર્તિઓ. તે મહારાજ ભેગા અનંત એટલે જેટલી મૂર્તિઓ એટલાં પગલાં થયાં. એમને છેટા રાખીને રખડે તો આ લાભ ન મળે. બીજે તો લાંબા વિધિ ને લાંબા કૂટારા. જુઓને વૈરાટનારાયણ કેવડાં! એના દિવસ, વરસ ને માસ કેવડાં! કામ પણ કેવડાં! એનો પાર ન આવે તેવું છે. તો આ તો પરભાવની વાત.”
“આ લોકમાં કેટલાક સમજ્યા વિના કહે છે કે, ‘હે ત્રણ લોકના નાથ!’ તે ત્રણ લોક કયા? તો પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી. આપણે એ વાત પરભાવની છે, એમાં તો અક્ષરકોટિથી પર એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ છે; પણ અવરભાવવાળાને એ હાથ ન આવે. મહારાજની પાઘ ન્યારી, તેમ રીત ન્યારી, મૂર્તિ ન્યારી, કૃપા ન્યારી. એ વાતમાં ગતિ પહોંચે પછી તો એ મૂર્તિના સુખ વિના સંકલ્પ પણ ઊઠે નહિ. નવાં નવાં સુખ ઇચ્છે તે મહારાજ પમાડે, ક્યારેય તૃપ્તિ ન થાય.”
એમ કહીને સંતો સામું જોઈને રમૂજે યુક્ત વચન કચ્છી ભાષાનું બોલ્યા જે, “સંતો! અસાંજી તો એડી ગાલ્યું આહે (અમારે તો એવી વાતો છે). અમે તો રાત-દિવસ મૂર્તિનો જ વેપાર કરીએ છીએ. પણ આવી વાત ન સમજ્યા હોય ને રાહુ-કેતુ જેવા નબળા સ્વભાવ મૂક્યા ન હોય તો માથાં ફેરવી નાખે, તે કાંઈનું કાંઈ બોલે.”
એમ કહીને બોલ્યા જે, “કાળી તલાવડીએ એક સાધુએ અમને કહ્યું જે, ‘આ સ્થાનમાં કોઈને વાસના રહે તો?’ તે સાંભળીને અમે કહ્યું જે, ‘આમાં વાસના રહે તો શું ખોટી?’ એમ અમને ભેગા ગણીને આવી વાત કરેલ. આવું ઊંધું સમજે છે, તોય અમે એવું કાંઈ મનમાં લાવતા નથી. અમે તો એનેય જમાડીએ છીએ, કલ્યાણ પણ કરીએ છીએ, એવી અમારી આવડત છે.”
પછી આશાભાઈ આવ્યા તેની પ્રશંસા કરીને કહ્યું જે, “આ બાપડો મારી સેવા બહુ કરે છે. એને ઊંઘ કે થાક નડતાં નથી. મહિમા જાણ્યો હોય તેને દેહનો કારસો વેઠવો કઠણ ન પડે.” ।।૮૭।।