(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૨) બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે તો સ્વામિનારાયણને સાથે જ રાખવા. પાધરા થયા વિના અક્ષરધામમાં ગરવા દેશે નહિ. આકરા બહુ છે, માટે આઘા-પાછા અને વાંકા-ચૂકા ચાલવું નહિ. મહારાજની આજ્ઞામાં રહી સદાય સરખા એટલે પાધરા રહેવું. મોટા તો મોક્ષનો દરવાજો છે. આ સભા દિવ્ય જાણે તેને માયાનો પડદો ટળી જાય છે. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાંથી ખુશબો છૂટે છે. મૂર્તિથી બહાર નીકળે તે સુખિયા ન થાય. મૂર્તિ વિનાનું બીજું જ્ઞાન છે તે પ્રકૃતિનું છે. તેમાંથી નીકળી શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું. તે મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે એટલે સુખ આવે છે. ‘સાચા શૂરા રે જેના વેરી ઘાવ વખાણે’ માટે ફોશી ન થાવું. સૌને માથે ઠેક દઈને પુરુષોત્તમનારાયણ પાસે પહોંચવું, પણ માન આદિક દોષ નડતા હશે તો છેટું ઘણું થઈ પડશે. જીવને અહંમમત્વ ન રાખવો. આ લોકની બીક લાગે, પણ સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં અખંડ બિરાજે છે તેમની બીક ન લાગે એ કેવડું બધું અજ્ઞાન! કેટલાક તો પકડી વાત મૂકે નહિ, એમ ન કરવું. આજ્ઞા લોપે તો દેવાળું નીકળે છે. તેવી જ રીતે ભગવાન અને ભગવાનના મુક્ત સન્મુખ ન થવાય તે દેવાળું કહેવાય. લોકાલોક પર્વત પાડવો હોય તો વાર લાગે, પણ ધૂડનો ઢગલો પાડતાં વાર ન લાગે. તેમ મહારાજની આજ્ઞા લોપાય તો અપમૃત્યુ થયું જાણવું. અમારે ત્યાં લોક મજૂરીએ જાય છે તોપણ તપ કરે છે, ધર્મ પાળે છે, ભગવાન ભજે છે. એમ કરવું; તો ભગવાન રાજી થાય.”
પછી બાઈઓના મંદિરમાં સુખશય્યામાં મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું, તેથી સમય થયો એટલે મોટર આવી. વાજાં, પડઘમ આદિ સર્વે તૈયારીઓ થવા લાગી. બાપાશ્રી પણ સર્વ સંતો સહિત સાથે જવા તૈયાર થયા. મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી તે મૂર્તિઓ ગાદી-તકિયાએ સહિત મોટરમાં પધરાવી. એ રીતે મહારાજની બે મહાન ચમત્કારી દિવ્ય મૂર્તિઓ ને પાછળ બાપાશ્રી તથા સંતોની ગાડીઓ. આગળ ઉત્સવ કરનાર હરિભક્તોની મંડળી, પાછળ હરિભક્તો તથા પુરવાસી મુમુક્ષુજનો.
એ રીતે ગાજતે-વાજતે શહેરમાં દર્શન દેતાં ગાડીખાતામાં બાઈઓના મંદિરે પધાર્યા. ત્યાં સંતોએ મહારાજની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી. હરિભક્તો ઉત્સવ કરતા હતા ને સંતો શ્લોક બોલતા હતા. વચમાં હરિભક્ત સૌ પર ગુલાલ નાખતા હતા, છડીદાર ઊંચે સાદે ‘મહારાજાધિરાજાને ઘણી ખમ્મા..’ એમ છડી પોકારતા હતા, એવા ઉમંગભર્યા હરિભક્તો તથા મુમુક્ષુજનોથી મંદિર ઊભરાતું હતું. સમય થયો ત્યારે બાપાશ્રીએ શ્રીજીમહારાજની મૂર્તિઓ સુખશય્યામાં પધરાવી મહાપ્રભુજીની જય બોલાવી. મોહનલાલ નથુભાઈએ તે વખતે રૂ. ૫૦૦) ભેટ કરી આરતી ઉતારી બાપાશ્રીની પ્રસન્નતા મેળવી. સૌને એ દિવ્ય મૂર્તિ તથા મુક્તમંડળનાં દર્શનથી આનંદ આનંદ થઈ રહ્યો હતો. મંદિરમાં હરિભક્તો ન સમાતાં હજારો માણસો બહાર આ દિવ્ય શોભાનાં દર્શનથી કૃતાર્થ થતા હતા.
પછી ત્યાંથી ગાજતે-વાજતે શ્રીજીમહારાજ દિવ્ય સ્વરૂપે કરાંચીમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે પધારેલા છે તેની સ્મૃતિરૂપ છત્રી કરી જે સ્થળે ચરણારવિંદ પધરાવેલાં છે, ત્યાં પણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા બાપાશ્રીને હાથે કરવાની હતી, તેથી સૌ ત્યાં આવ્યા. ત્યાં પણ એવી જ ધામધૂમથી પ્રતિષ્ઠાવિધિ થયો. શ્રીજીમહારાજની તથા ચરણારવિંદની બાપાશ્રી તથા સર્વ સંતોએ આરતી ઉતારીને જય બોલાવી.
પછી બન્ને સદ્ગુરુઓએ કહ્યું જે, “બાપા! આ દેશમાં શ્રીજીમહારાજ દિવ્ય સ્વરૂપે પધાર્યા છે તેની સ્મૃતિરૂપ આ સ્થાન બન્યું છે ને આપે અહીં મહારાજની પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી, માટે આશીર્વાદ આપો.”
ત્યારે બાપાશ્રી કહે, “અહીં આવીને જે શ્રીજીમહારાજ તથા ચરણારવિંદના દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે.” એ વર આપ્યો.
પછી ઠાકોરજીને થાળ જમાડેલ મગજની પ્રસાદી સૌને વહેંચી. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “આ દેશમાં શ્રીજીમહારાજ દિવ્ય સ્વરૂપે પધાર્યા છે, એમ અમે આપણા ગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજીની વાતોમાં સાંભળેલું, પણ આ સ્થાન થતાં સૌને શ્રીજીમહારાજની સ્મૃતિ થશે. વળી અહીં મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તેથી લાખો જીવોનાં આત્યંતિક મોક્ષ થશે. આ સ્થાન બહુ ભારે થયું.” એમ પ્રશંસા કરી.
પછી લાલજીભાઈને ઘેર ઠાકોરજીના થાળ થયેલ તેથી બાપાશ્રી સર્વ હરિભક્તોએ સહિત તેમને ઘેર ઠાકોરજી જમાડવા ગયા.
ત્યાં લાલજીભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! બહુ મોડું થયું.”
ત્યારે બાપાશ્રી કહે, “આવું મોડું તો અનંત જીવના મોક્ષ કરી નાખે તેવું છે. આજ તો કાંઈના કાંઈ કામ થયાં. તે શું? તો આત્યંતિક મોક્ષનું સદાવ્રત ઊઘડ્યું. શ્રીજીમહારાજને ઘેર આવાં કામ થાય છે. ‘અસંખ્ય જીવ ઉદ્ધારવાને આવિયા રે લોલ, બ્રહ્મમોહોલવાસી હરિરાય’ એ રીતે આવા સમૈયાનાં દર્શનથી સહેજે મહારાજની પ્રસન્નતા થાય.”
“આવા હેતવાળા હરિભક્ત બાઈ-ભાઈ સૌને ધન્ય છે. બાઈઓએ આ ભારે સેવા કરાવી છે. હરિભક્તોનાં હેત પણ એવાં. અમારે આ વખતે પાંચ દિવસ રહેવાનું હતું, પણ દસ-બાર દિવસ તો થઈ ગયા. હજી સૌ રોકવાની તાણ કરે છે. સંતોને પણ વશ કરી લીધા છે. હરિભક્તોનાં હેત જોઈને એમ થાય છે જે આમને શુંયે આપી દઈએ! અમે તો મહારાજ વિના બીજો ઠરાવ રાખ્યો નથી. સૌને મૂર્તિમાં જોડવા છે.”
“અહીં હરિભક્તોના સમૂહ કરતાં બાઈઓનો સમૂહ મોટો જણાય છે. અહીં સાંખ્યયોગી બાઈઓએ સત્સંગ ભારે ફેલાવ્યો છે. ધર્મવાળા હોય તેના પર શ્રીજીમહારાજનો રાજીપો થાય. તેથી પોતે સુખિયા રહે ને જોગ કરનારાને પણ સુખિયા રાખે. બાઈઓ ભોળાં ને વિશ્વાસી હોય તેથી મહારાજમાં હેત થતાં વાર ન લાગે. અહીં મંદિર પણ ભારે થયું છે. મહારાજ તો ચમત્કારી છે જ, એમાં શું કહેવું? આ બધુંય જોતાં કરાંચીવાસી સૌ સત્સંગી બાઈ-ભાઈનાં મોટાં ભાગ્ય લાગે છે. જેને આ ટાણે સત્સંગ ઓળખાણો, જેને શ્રીજીમહારાજનો આશરો થયો, તેને તો ભારે લહાવ આવી ગયો છે. ‘આવ્યો અવસર ને ચેત્યા ટાણે’ એવું અહીં થયું છે. સૌ આવું ને આવું હેત છેલ્લી ઘડી સુધી રાખજો.”
પછી મહારાજને થાળ જમાડી બાપાશ્રી લાલુભાઈને ઘેર જતાં મારગમાં જે જે હરિભક્તોના આગ્રહ હતા તે સર્વેને દર્શન દઈ તેમના પર અમૃત નજર કરતાં આશીર્વાદ આપી નાનાં બાળકોને વર્તમાન ધરાવી અનેકને દર્શનદાને સુખિયા કરતાં લાલુભાઈને ઘેર પધાર્યા.
લાલુભાઈએ ચંદન-પુષ્પથી પૂજા કરી દંડવત કર્યા ને કહ્યું જે, “બાપા! આવાં ને આવાં સદાય દર્શન દેજો.”
ત્યારે બાપાશ્રી તેમના પર પ્રસન્ન થઈને બોલ્યા જે, “લાલુભાઈ! જીતે હલો ઈ તે વલો (જ્યાં ચાલો ત્યાં વાલો). મહારાજની મૂર્તિમાં આનંદ કરજો.” એમ કહી સૌ હરિભક્તોને કહ્યું જે, “આ લાલુભાઈ મહામુક્ત છે, રત્ન છે. ક્યાં સિંધ ને ક્યાં આવા મુક્ત! આ બધી શ્રીજીમહારાજની દયા છે, નહિ તો આવી વાત દુર્લભ.”
એમ કહી પછી દેવજીભાઈ આદિને ત્યાં દર્શન દઈ કેટલાક મુમુક્ષુને મોક્ષના આશીર્વાદ દેતાં બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।।૮૯।।