(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૩) પછી બાપાશ્રી સભામાં પધાર્યા ત્યાં વચનામૃતની કથા વંચાતી હતી તે પ્રસંગે વાત કરવા લાગ્યા જે, “જેને શ્રીજીમહારાજનું સુખ અંતરમાં વર્ત્યું, તેને સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે; માટે મહિમા બહુ સમજવો. જેમ ગોળ-સાકરનું મોટું પાત્ર ભર્યું હોય તેમાંથી કીડી કેટલુંક ખાય, પણ મનમાં જાણે જે આખું પાત્ર લઈ લઉં, પણ તે તેનાથી લેવાય નહિ; તેમ શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ અપરંપાર છે તેનો અનાદિ મહામુક્ત પણ પાર પામતા નથી. એવું સુખ છે. જેમ હીરો તથા ચિંતામણિ ઘરમાં રાખી હોય, પણ તેની કિંમતની ખબર પડતી નથી, તે તો જ્યારે કિંમત કરનાર મળે ત્યારે પડે છે; તેમ જીવ પંચભૂતના દેહનો ત્યાગ કરીને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામશે ત્યારે ગતિ પહોંચશે. આજ શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરાવનાર બેઠા છે.”
“આપણે તો અલભ્ય લાભ મળ્યો છે. તેથી અંતર ઠરીને હીમ થઈ જાય છે. જીવ મહારાજને તથા મોટા મુક્તને સંભારે તો તરત શાંતિ થઈ જાય. સો ગાઉ ઉપર હોય અથવા હજાર ગાઉ ઉપર હોય, પણ તેનું તેને બળ આવે છે; તેવો મોટા મોટા સદ્ગુરુનો અભિપ્રાય છે. આવો અભિપ્રાય અંતરમાં ઉતારે તો ત્રિવિધના તાપ ટળી જાય. આવા શબ્દ પાત્ર વિના ઝીલી શકાય નહિ. કસ્તુરી હોય ત્યાંથી કસ્તુરીની સુગંધ આવે, તેમાંથી બીજી આવે નહિ. આ સત્સંગ કરીએ છીએ, તે માંહેલી કોર કરોડ પડ રહ્યા છે તે જેમ જેમ ઊંડા ઊતરીશું તેમ તેમ અપારપણું જણાશે. બત્રીસ અક્ષરની વિદ્યા કોઈનો કાગળ વાંચતા હોય ત્યારે સાચી મનાય છે, તેમ મોટા સદ્ગુરુ જે જે કહી ગયા અને જે જે વાત કરે છે તેમાં વિશ્વાસ રાખવો. જેટલો વિશ્વાસ ન આવે તેટલો નાસ્તિક ભાવ. આપણા સંપ્રદાયમાં બત્રીસ લક્ષણવાળા સંત કહેવાય છે, તે અક્ષરધામની ખબર લાવે તેમાં કાંઈ નવાઈ નથી. મોટા અનાદિમુક્ત સાથે મન બાંધ્યું હોય તો તેને ઠેઠ પુરુષોત્તમ ભગવાનને મેળવી દે અને જે પુરુષોત્તમ ભગવાનનો વિશ્વાસ રાખીને મંડ્યો હોય તેને ભગવાન મોટા મુક્તનો જોગ મેળવી દે. માયા છે તે સુલભા છે, ને મોક્ષાર્થી જીવ છે તે વિદેહી છે; એમ જાણવું.”
“મોટા મોટા સદ્ગુરુ હતા તે પોતે સદા મૂર્તિમાં રહેતા અને કથા-વાર્તા કરતા. વળી શ્રીજીમહારાજના સંકલ્પ ભેળો સંકલ્પ મેળવીને હજારો, લાખો જીવને સુખિયા કરી મૂકતા. ખંડિયો રાજા હોય તેને બીક રહે, પણ ચક્રવર્તી રાજા હોય તેને કોઈની બીક હોય નહિ. તેમ મહારાજ સ્વતંત્ર છે અને અનાદિમુક્ત પણ સ્વતંત્ર છે. આ સત્સંગમાં ચીંથરે વીંટ્યા રત્ન છે. તે સમાગમ કરે ત્યારે ખબર પડે. ક્યાં પુરુષોત્તમ ભગવાન ને ક્યાં તેમના અનાદિમુક્ત! તેમનો મેળાપ ક્યાંથી થાય! આ તો બહુ ભારે વાત છે. શ્રીજીમહારાજનો અવતાર કેવળ કૃપાસાધ્ય છે. તેમના અનાદિમુક્ત આપણને મળ્યા તે પણ કૃપાસાધ્ય. ‘કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું.’ એવું છે. સમુદ્રને ઠેકાણે મહારાજ છે. ગંગાજીને ઠેકાણે મહારાજના મુક્ત છે. ધરાના પાણીને ઠેકાણે સાધનદશાવાળા છે તે સિદ્ધદશાવાળા મુક્તને જોગે કરીને શ્રીજીમહારાજની મૂર્તિરૂપ સમુદ્રને પામે છે, ત્યારે સર્વે સજાતિ થાય છે.”
પછી વૃષપુરના પ્રેમજીભાઈએ પૂછ્યું જે, “બાપા! તેની વિલક્ષણતા કેમ જણાય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગંગા વગેરે જળમાંથી મોતી નીપજે નહિ, ને સમુદ્રમાંથી મોતી નીપજે; તેમ સર્વે મહારાજની મૂર્તિના સુખભોક્તાએ કરીને ભારે ભારે સુખ લે છે તે સુખ મોતીને ઠેકાણે છે, પણ ગંગાજીના પાણીમાંથી એ નીપજે નહિ. તેમ સજાતિપણે એક સરખા જણાય, પણ સુખભોક્તાએ કરીને વિલક્ષણપણું છે. મહારાજ તો સૌને અભય સુખ આપી દે છે, એ સુખ લેવાને ત્વરા કરવી.”
“મોટા હાથ ઝાલે છે તે મૂકતા નથી. એક નાવમાં બેઠા તે સર્વે સાથે ઊતરી જશે. એક નાવવાળો જુદો પડે નહિ. મોટાને વિષે વિશ્વાસ ન આવે ને તર્ક રહે તો જાણીએ જે જુદા નાવમાં બેઠો. કોઈ વાત ઝીણી હોય અને તે સમજાતી ન હોય તો એમ જાણે જે આ વાત છે તો સાચી, પણ મને સમજાતી નથી, તો તર્ક ન કહેવાય. મહારાજની મૂર્તિને વિષે મુક્ત રહ્યા છે તે મહારાજરૂપ કહેવાય. એવી રીતે સમજે તો નિસ્તર્ક થયો જાણવો; ત્યારે જાણીએ જે સંપૂર્ણ વિશ્વાસ આવ્યો. જેટલો તર્ક કરે તેટલો સુખમાં ફેર છે.”
“મોટા મુક્ત જે જે વાત કરે તેમાં મહારાજનું મુખ્યપણું આવે એવો મોટાનો સિદ્ધાંત છે, તેથી એ પોતાની મોટાઈ તો જણાવે જ નહિ; કેમ જે એમને તો એક મૂર્તિ જ છે. એવા અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત રહ્યા છે. તે તો એ મૂર્તિનું જ સુખ લે છે. મહારાજના સંકલ્પે અહીં દેખાય છે, તોપણ એ તો છે એમ ને એમ છે. પોતે પોતાનો યશ કે ચમત્કાર કોઈને જણાવવા ઇચ્છતા જ નથી. મહારાજના અપાર સુખમાં પોતે લુબ્ધ રહે છે અને સમર્થ થકા જરણા કરે છે. શ્રીજીમહારાજ જેટલું કરે તેટલું મોટા મુક્ત કરે. કેમ જે તે તો સદાય મૂર્તિમાં રસબસ રહ્યા છે અને કર્તાપણું મહારાજનું છે જેથી જે મુક્ત દ્વારે ધારે તેટલું શ્રીજીમહારાજ બતાવે.”
“આ લાભ મળ્યો છે તે ફોગટ જાવા દેવો નહિ. આજ્ઞા-ઉપાસના અને આવા મોટા મુક્તનો મહિમા સમજાય એ શરદઋતુ ગણાય. મોટાના શબ્દ છે તે શ્રીજીમહારાજની મરજી વિના પડતા નથી. જેમ જેમ મહિમા સમજાતો જાય તેમ તેમ સુખ વધતું જાય. આપણને અત્યારે ખરેખરી શરદઋતુ મળી છે એમ જાણવું. શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ ક્યારે રહેવાય? તો જ્યારે દેહના સુખદુઃખને ન ગણીને કારણ ઉપર નજર રાખે ત્યારે. માટે કાર્ય ઉપર નજર રાખવી નહિ.”
“મહારાજને સર્વોપરી સમજવા; બીજાને સૌ સૌના સ્થાને રાખવા. મહારાજનો બાંધેલો સંપ્રદાય તેમની પુષ્ટિમાં રહીએ તો મહારાજ રાજી થાય ને જો તોડાય તો મહારાજ કુરાજી થાય, માટે જે કરશે તે ભોગવશે. બીજા કોઈના હાથમાં હુકમ નથી. કારણ મૂર્તિ વિના મોટાઈ બધી આ લોકની છે.” પછી બોલ્યા જે, “પ્રસન્નતાનાં સાધન જે કરી રહ્યા હોય તેને આવરદા હોય તોપણ મહારાજ દેહ મુકાવીને મૂર્તિના સુખમાં લઈ જાય અને એવો ન હોય તેને આવરદા ન હોય તોપણ રાખે.” ।।૯૨।।