સંવત ૧૯૮૪ના કારતક સુદ-૭ને રોજ સવારે વૃષપુરના મંદિરમાં બાપાશ્રી ચોકમાં તડકે બેઠા હતા તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજી ઉપર કરજીસણથી સાધુનો કાગળ આવેલ તે વાંચતા હતા.
ત્યારે બાપાશ્રી કહે, “પુરાણી! કાગળ ક્યાંથી આવ્યો છે?” ત્યારે પુરાણી કહે, “બાપા! કરજીસણથી સાધુનો. ત્યાંથી એ સાધુએ તથા ત્યાંના હરિભક્તોએ આપને જય શ્રી સ્વામિનારાયણ લખ્યા છે.” ત્યારે બાપાશ્રી અજાણ્યા થકા પૂછવા લાગ્યા જે, “પુરાણી! એ કરજીસણ કયું?”
ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ કહ્યું જે, “બાપા! શ્રીજીમહારાજે ગુજરાતમાં કરજીસણ અને ડાંગરવામાં ગોવિંદભાઈ તથા જતનબાને ત્યાં બહુ લીલાઓ કરી છે તે. આપ પણ ત્યાં પધાર્યા હતા. તે આપનાં દર્શનથી સૌ સુખિયા થયા છે, એમ કાગળમાં લખે છે.”
ત્યારે બાપાશ્રી કહે, “હા, હવે યાદ આવ્યું. અમે મુળીનો યજ્ઞ થયો ત્યાર પછી કરાંચી ગયા હતા ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કરજીસણ હતા ત્યાંથી તેમના કાગળો આવતા જે, ‘વળતાં અહીં જરૂર પધારજો.’ પછી અમો કરાંચીથી વળ્યા ત્યારે સ્વામીશ્રીને અમારા દેશમાં આવ્યાના ખબર પડવાથી તાર કર્યો ને સ્ટેશને સૌ સામા આવ્યા હતા. પણ અમો તે વખતે રોકાણા નહિ, પરબારા અમદાવાદ ગયા. ત્યાં સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતો તથા ત્યાંના પાંચ-છ હરિભક્તો પણ સાથે આવ્યા હતા. પછી અતિ હેત જણાવીને અમને તેડી ગયા. તેમાં સોમાભાઈ, હરજીવનદાસ, નારણદાસ, ભાઈચંદ, મોહનભાઈ, ઈશ્વરભાઈ આદિક હરિભક્તો ડાંગરવે ગાડાં લાવી કરજીસણ તેડી ગયા હતા. ત્યાં ભારે ધામધૂમ કરી મહારાજનાં ચરણારવિંદ પધરાવ્યાં. પછી ત્યાં અમે ઠાકોરજીને જમાડ્યા, તેથી સર્વેને આનંદ આનંદ થઈ રહ્યો. પછી ગોવિંદજીભાઈના માઢમાં મથુરભાઈના ઘેર થઈ સોમાભાઈ તથા મણિભાઈ આદિક ઘણા હરિભક્તો પોતપોતાને ઘેર તેડી ગયા હતા.”
ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, “બાપા! આ કાગળમાં તો એક હરિભક્તને ત્યાં તેમનો ઈચ્છિત મનોરથ આપે પૂરો કર્યો હતો તેવું લખે છે.”
ત્યારે બાપાશ્રી કહે, “એ શું?”
તે વખતે પુરાણીએ કહ્યું જે, “આ કાગળમાં હરિભક્તો લખે છે કે બાપાશ્રીને અમારા સૌ હરિભક્તોના દંડવતે સહિત જય સ્વામિનારાયણ કહેશો અને સાથે એટલી યાદી આપશ્રીને આપવા તેમની વિનંતી છે જે એક હરિભક્તે પોતાને ત્યાં દીકરા થવાનું માગેલ ત્યારે આપ એમ બોલ્યા હતા જે, ‘અમે તો મહારાજની મૂર્તિ આપીએ છીએ. દીકરાનું તો શ્રીજીમહારાજની મરજી પ્રમાણે થાય.’ તોપણ તેમણે ફરીવાર પ્રાર્થના કરેલી, જેથી આપે કહ્યું હતું જે, ‘અમારે વચને તમારો સંકલ્પ મહારાજ પૂરો કરતા હોય તો અમે રાજી છીએ.’ ત્યાર પછી તે હરિભક્તનો મનોરથ મહારાજે પૂરો કર્યો છે. એ યાદી આપીને આપને તેમણે જય સ્વામિનારાયણ કહેવાનું લખ્યું છે.”
તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “જુઓને! આ લોકનાં કેવાં તાન છે? આવું હેત મહારાજની મૂર્તિમાં હોય તો કાંઈ વાંધો રહે નહિ. આ સમે મહારાજે કોઈ વાતે સુખ આપવામાં મણા રાખી નથી. મોટા મોટા સંતો તથા સ્થિતિવાળા હરિભક્તો તો મૂર્તિમાં ગુલતાન જ રહે છે, પણ ઉત્તમ સ્થિતિને ન પામ્યા હોય તે આવાં લૌકિક પદાર્થમાં સુખ માને. તોપણ સત્સંગમાં જેનો જન્મ આવે તેનાં મોટાં ભાગ્ય; કેમ કે આ સત્સંગ દિવ્ય છે, તેથી મહારાજ તથા મોટા મુક્તોનો જોગ અહીં તરત મળે.”
એમ કહી પોતે ઠાકોરજીને થાળ જમાડવા ઘેર પધાર્યા. ।।૧૧૨।।