સંવત ૧૯૮૪ના કારતક સુદ-૧૧ને રોજ ગામ શ્રી કેરાના મંદિરમાં સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી.
તે સમયે મનજી હરજી પાંચાણી એમ બોલ્યા જે, “બાપા! આપણે શું થઈએ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમને મનુષ્ય જેવા જાણો તો અમે કુટુંબી થઈએ, અને જેવા છીએ તેવા જાણો તો સર્વના સ્વામી શ્રી પુરુષોત્તમ ભગવાન તેમની મૂર્તિમાં જ રસબસ છીએ. અમે જીવોને એ મૂર્તિના સુખમાં રાખવા આવ્યા છીએ, પણ અમે કોઈના બાપ, દીકરા કે સંબંધી નથી. અમે તો અનાદિમુક્ત જ છીએ. અમારી આ લોકમાં કોઈ જોડ નથી.” એમ પોતાનો અલૌકિક દિવ્યભાવ જણાવ્યો.
પછી બાપાશ્રી કુંવરજીભાઈની વાડીએ નાહવા પધાર્યા અને સંતોને કહ્યું જે, “તમે જમીને ત્યાં આવજો.” બાપાશ્રી નાહીને કુંવરજીભાઈની વાડીએ બેઠા હતા, તે વખતે વૃષપુરથી ભુજના સ્વામી ભક્તિપ્રિયદાસજી તથા શ્રીવલ્લ્ભદાસજી આદિ સંતો આવ્યા.
તેમણે પૂછ્યું જે, “બાપા! આપની અમોએ માંદાઈ સાંભળી હતી તે હવે આપને શરીરે કેમ છે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે માંદા નથી. માંદા તો દેહધારી હોય. અમે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સદાય સુખ લઈએ છીએ. અમને જે ઓળખે તેને પણ એવા જ સુખિયા કરીએ છીએ. તમે સૌ અમારા જેવા સુખિયા રહેજો. કેટલાક અમારે વિષે મનુષ્યભાવ પરઠીને દુખિયા થાય છે તેવું કોઈ કરશો મા. અમે તો સદાય મહારાજની મૂર્તિમાં રસબસ છીએ, તેના સ્વામિનારાયણ સાક્ષી છે. અને જે અમારી સામે દૃષ્ટિ રાખશે તેને પણ મૂર્તિને સુખે સુખિયા કરીશું.”
એમ કહીને પછી સંતોએ સહિત મંદિરમાં પધાર્યા. ।।૧૧૫।।