(સંવત ૧૯૮૪, કારતક વદ-૨) સાંજે સંત ગોડી બોલ્યા તેમાં ‘ત્રિગુણાતીત ફીરત તન ત્યાગી, રીત જગતસે ન્યારી; જગતમેં સંત પરમ હિતકારી’ તે ટૂંક બોલી રહ્યા.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંતો તમારી તો રીત ન્યારી છે. અમારે વ્યવહારમાર્ગમાં કૂટારા ઘણા. આજ તો અમે ઘેર છોકરાને કથામાં મોડા આવે છે તેથી વઢ્યા તે જરા ગુણમાં આવી ગયા.”
ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, “બાપા! આપ તો સદાય નિર્ગુણ છો. આપના જોગે અનેક નિર્ગુણ થઈ જાય છે તો તમારે ગુણમાં આવવાનું શું હોય!”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ તો અમે ગુણમાં આવીને કોઈને ન વઢવું એવી ભલામણ કરીએ છીએ. અમે તો મૂર્તિ વિના બીજું કાંઈ રાખ્યું નથી ને રાખવુંય નથી. મહારાજના અનાદિમુક્ત તો મૂર્તિના સુખરૂપ અમૃત વિના બીજો આહાર કરતા જ નથી. તેમની સામર્થી અપાર છે, પણ જીવને ખબર પડે નહિ. મહારાજે તો રાજાનું રાજ્ય તેટલું રાણીનું રાજ્ય કહ્યું છે. તોપણ અનાદિ મહામુક્તરાજ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીને સત્સંગમાં કેટલાક મૂળઅક્ષર નામે કહે છે. તેમ કહેવાનું તાન એ છે કે બીજા મુક્ત અક્ષર ને આ તેમનાથી મોટા એટલે મૂળઅક્ષર.”
“વળી કેટલાક તો સમજ્યા વિના એમ બોલે છે જે, ‘અક્ષર વિના પુરુષોત્તમ પમાય નહિ. સ્વામી અને નારાયણ એમ જુદું જુદું નામ છે તે મહારાજે અક્ષર-પુરુષોત્તમનું ભજન કરાવવા ભેળું કરેલ છે.’ આવા પોતાના ઠેરાવે મહિમા સમજાવવા જાય છે અને કહે છે કે, ‘બધાય અવતારને જોડ ને મહારાજને જોડ નહિ?’ એવી સમજણ બંધ બેસારે છે. પણ તે જો મહારાજનો મહિમા મોટા અનાદિ થકી સમજે તો આપણે કહીએ છીએ તેથી મોટપ વધે છે કે ઘટે છે તેની ખબર પડે. મહારાજના અનાદિમુક્તને તો મહારાજરૂપ જ કહેવાય.”
“મહારાજનું તેજરૂપ ધામ તો સર્વત્ર પૂર્ણ સચ્ચિદાનંદપણે અખંડ છે. મહારાજ તે તેજના કારણ એટલે જ્યાં મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. એ મૂર્તિ અખંડ અનાદિ છે તેથી તે મૂર્તિમાં રસબસ રહેનારા મુક્તોને મહારાજથી પૃથક્ જે જે ઉપમા દેવાય તે અધૂરી જ છે. મહામુક્તને તો એક શ્રીજીમહારાજ જ છે, તેથી તે મૂર્તિરૂપ છે. અને ‘જોવા રાખી નહિ જોડ પુરુષોત્તમ પ્રગટી’, ક્ષર-અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહેનારા મહારાજ તેથી તેમને મહારાજની જોડે ગણાય નહિ.”
“જો એમ એ કહેતા હોય કે, ‘અમે તો અક્ષર દરજ્જાવાળાને નથી કહેતા’, તો મહારાજના અનાદિ મહામુક્ત તો મહારાજની મૂર્તિથી પૃથક્ રહેતા નથી. ‘રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કંદ’ એ દિવ્ય મૂર્તિના મહારસનું સદાય પાન કરનારા છે. એ દિવ્ય સુખના જ ભોગી છે. અનાદિ મહારાજ, એટલે એ પણ અનાદિ; તેને જે જે બીજી ઉપમા દેવાય તે ઓછી છે. આવા જે મહા અનાદિ તે તો મહારાજની મૂર્તિમાં સુખભોક્તાપણે રસબસભાવે રહ્યા છે. અને પરમ એકાંતિક સન્મુખ રહ્યા છે તેને પણ ‘સર્વ મુક્તથી અધિક આ મુક્ત’ એમ નથી; સર્વ મુક્તોને સર્વોપરી એક મૂર્તિ જ છે ને મુક્તોને તો એ મૂર્તિના સુખમાં ક્યારેય પાર પામવાપણું નથી, સદાય અપાર ને અપારપણું છે. એવો મહિમા જેને સમજાય તેને એ મૂર્તિ વિના બીજા કોઈનો ભાર રહે નહિ.” ।।૧૧૮।।