સંવત ૧૯૬૨ના જેઠ સુદ-૨ને રોજ સવારે સભામાં લોયાનું ૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે ઇંદ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણે કરીને પ્રત્યક્ષ ભગવાનને જાણે, ત્યારે આત્યંતિક કલ્યાણ થાય.
ત્યારે પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, “જ્યારે મહારાજ હતા ત્યારે તો ઇંદ્રિયે દેખાતા, પણ આજ મહારાજને પ્રત્યક્ષ ઇંદ્રિયોએ કરીને શી રીતે દેખવા?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજે ‘અમને મનુષ્યરૂપે દેખો’ એમ સંકલ્પ કર્યો ત્યારે મનુષ્યરૂપે દેખાયા. તેમ જ બીજો સંકલ્પ કર્યો કે ‘અમને પ્રતિમારૂપે દેખો’ માટે આજ પ્રતિમારૂપે પ્રત્યક્ષ છે. તેમનાં દર્શન ઇંદ્રિયોએ કરીને કરવાં અને એ પ્રતિમાનો મહિમા મુક્ત થકી અંતઃકરણમાં જાણવો અને એ પ્રતિમાને પોતાના ચૈતન્યને વિષે ધ્યાનમાં જોવી. તે જોતાં જોતાં જ્યારે આત્માને વિષે દેખાય ત્યારે મોક્ષ થાય. કદાપિ આત્માને વિષે દર્શન ન થાય તોપણ શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તો મોક્ષ થાય. તેમ જ મુક્ત મળ્યા હોય તેમને જેવા હોય તેવા મુક્ત જાણે તો કલ્યાણ થાય. એટલે મહારાજને મહારાજ જાણવે કરીને અને મુક્તને મુક્ત જાણવે કરીને કલ્યાણ થાય.”
“મહારાજ મનુષ્યરૂપે પ્રત્યક્ષ મળે તો મોક્ષ થાય અને જ્યારે મહારાજ પ્રતિમારૂપે દેખાતા હોય ત્યારે મહારાજની હજૂરમાંથી પરમ એકાંતિક મુક્ત મૂકેલા હોય તે પ્રત્યક્ષ મળે તો પ્રતિમાનો મહિમા સમજાવે અને મોક્ષ કરે. અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ તો જળ-તરંગવત્ એક જ છે. મુક્ત ન હોય ત્યારે પ્રતિમાથી પણ કલ્યાણ થાય, પરંતુ વિલંબ થાય. માટે મુક્ત આ પૃથ્વી ઉપર પધાર્યા હોય તે મુક્તને ઓળખીને સંગ કરવો. મુક્ત ઓળખવા એ ઘાંટી જબરી છે. જેને સર્વે સત્સંગે પ્રમાણ કરેલા હોય ને વયે કરીને પણ વૃદ્ધ હોય એવા મુક્તનો સમાગમ કરવો. આડે-અવળે ધોડા કરવા નહિ. મહારાજ અને મુક્ત વિના બીજે જે વળગ્યા છે તે હેરાન થવાનું કારણ છે.”
“માટે મુક્ત ઓળખીને સંગ કરવો; કેમ જે કેટલાક મુમુક્ષુ પણ ન હોય અને વિષયી પણ ન હોય ને પામર જેવા પણ ન હોય ને તે અનાદિમુક્ત થઈ બેઠા હોય. તેને મુક્ત જાણીને તેનો જોગ કરે તો તે સંગ કરનારની ભવાઈ થાય. તે શા વાસ્તે મુક્ત થયા હોય? માન માટે, પૂજાવા માટે ને વિષય માટે મુક્ત થયા હોય; પણ મોક્ષ માટે ન થયા હોય. એવા કપટીનો વિશ્વાસ લાવીને જે વળગ્યા હોય તેનું ભૂંડું થાય. તેમાં કોઈકને શંકા થાય જે પામરથી મુક્ત કેમ થઈ બેસાય? તો તેનું એમ છે જે, પહેલાં તો ભક્ત હોય અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તે થોડાં થોડાં હોય તેણે કરીને પોતાને સરસ માને, પણ બરાબર જ્ઞાન ન હોય તેથી અજ્ઞાનમાં વિચાર વિના ઉદ્ધત થઈ જાય અને કોઈ સાધુ કે સત્સંગીની ગણતરી રહે નહિ. માનને લીધે કોઈ મોટા મુક્તનો સમાગમ દાસ થઈને કરે નહિ. પોતાના બુદ્ધિબળે શાસ્ત્રમાંથી જ્ઞાન શીખવા જાય અને શાસ્ત્રનો સિદ્ધાંત હાથ આવે નહિ ને પોતાને અવળું-સવળું જેવું સમજાય તેવું જ્ઞાન બીજાને પણ કરે અને કોઈ મોટા સમજાવે તો માનના માર્યા કોઈનું કહ્યું પણ માને નહિ. પોતે અવળે રસ્તે ચાલે ને બીજા લાખોને અવળે રસ્તે ચલાવે. તેથી શ્રીજીમહારાજનો તથા સર્વે સત્સંગીનો કોપ થાય. તેણે કરીને તેની બુદ્ધિ દુષિત થઈ જાય તેથી વિષયવાસના વધે અને વર્તમાન લોપે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને બ્રહ્મરાક્ષસના જેવી ક્રિયા કરે. તેનો મહિમા ન મૂકે ને જોગ રાખે તે મૂર્ખ છે. કદાપિ એણે અમારી ઓળખાણ પડાવી હોય, પણ તેનો પગ ખાડામાં પડે કે ઉદ્ધતાઈ આવે તો તેનો ત્યાગ કરવો.”
“જેને સત્સંગમાં દાસપણું હોય તે જ ઊંચે પગથિયે ચઢે છે. મહારાજને સાથે રાખવા ને દાસપણું રાખવું; તો ઘણો લાભ થાય. જેમ ટટ્ટુ હોય તે પહેલું બહુ દોડે, પણ પછી બહુ થાકી જાય; કુંતલ ઘોડા હોય તે જેમ જેમ મજલ કરે તેમ તેમ વધારે બળ આવે અને સર્વે ઘોડાની આગળ જતા રહે. તેમ જે મોટા ન હોય ને મોટા થાવા જાય તો તેનું આગળ જતાં ભાંગી પડે, પણ લાંબું ચાલે નહિ. મુક્ત હોય તે તો દિવસે દિવસે પ્રસિદ્ધ થાતા જાય, પણ ઘટે નહિ. જે એમનો જોગ કરે તે પણ તેવો જ મુક્ત થાય, પણ જે મુક્ત ન હોય ને પરાણે મુક્ત થઈ બેઠા હોય અને વર્તમાન લોપતા હોય ને પોતાનું ધ્યાન કરાવતા હોય તેને કોટિ કલ્પે દુઃખનો અંત આવતો નથી. એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભૂખ, દુઃખ ને માર એ ત્રણ વાનાં મળે. અક્ષરધામને ને એમને તો લાખો ગાઉનું છેટું છે. તે મરે ત્યારે બ્રહ્મરાક્ષસ થાય અને હેરાન હેરાન થાય ને એમનો સંગ કરનારની પણ તેમના જેવી દશા થાય. માટે વિચારીને મુક્ત ઓળખીને સંગ કરવો.”
“જે મુક્ત ન હોય ને તે કહે જે, ‘હું મુક્ત છું’ તો તેને અતિ મહાપાપી જાણવો. જે ભગવાન થઈને પોતાનું ધ્યાન કરાવે તે તો તેનાથી પણ અત્યંત મહાપાપી જાણવો. તેનું મુખ પણ ન જોવું. અને એવાએ કદાપિ કોઈકને તેડવા આવવાનો વર દીધો હોય તે ખોટો જાણવો અને એવાનો જોગ ન કરવો.” ।।૩૭।।