સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૧૨ને રોજ બપોરે કૂવા પાસે ઓરડીમાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મૂળજી બ્રહ્મચારીએ શું કર્યું હતું તે કૃપા કરીને કહો.”
ત્યારે બાપાશ્રીએ કૃપા કરીને કહ્યું જે, “મૂળજી બ્રહ્મચારી મખિયાવ ગામના બ્રાહ્મણ હતા. તે યજમાનની દીકરીને તેડવા ગયા હતા, તેને તેડીને આવતાં માર્ગમાં એક ગામ આવીને રાત રહ્યા. ત્યાં એ બાઈની નજર ખોટી દેખવામાં આવી, તેથી તેને ત્યાં ને ત્યાં પડી મૂકીને ચાલી નીકળ્યા ને શ્રીજીમહારાજ પાસે આવીને બ્રહ્મચારી થયા. એવા નિષ્કામી હતા. તેમને શ્રીજીમહારાજે જોડા પહેરવાની અને ઘી-ગોળ જમવાની બંધી કરી અને પોતાની સેવામાંથી પણ કાઢી મૂક્યા; તોપણ શ્રીજીમહારાજને વિષે જેવી પ્રીતિ ને દિવ્યભાવ હતો ને જેવી દૃઢતા હતી તેવી ને તેવી જ રહી, પણ તેમાં ફેર પડ્યો નહિ. એવી રીતે શ્રીજીમહારાજે ઘણીક પરીક્ષા લીધી, તોપણ બ્રહ્મચારી ડગ્યા નહિ એવા પરિપક્વ નિશ્ચયવાળા હતા. એવી એમની કેટલીક વાર્તાઓ સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની લખેલી વાતોમાં છે.” ।।૬૦।।