સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૭ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “માયા છે તે જીવને ઉપર વળગી હશે કે માંહી પ્રવેશ કરીને ભેળી ભળી ગઈ હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ દર્પણ ઉપર મેશ વળગે છે ને જેમ સૂર્યને વાદળાંનો પડદો આવે છે, તેમ માયા જીવ ઉપર ફરી વળી છે; પણ જીવની માંહી માયા પેસી ગઈ નથી.”
“તે જ્યારે સ્ત્રી, પુરુષ, ગામ, દેશ, ખારું, મોળું, મીઠું, રસના એ આદિક કોઈ ભેદ રહે નહિ ત્યારે કારણ દેહથી જીવ નોખો પડે છે; અને જે જે માનીનતા છે તે ટળી જાય છે. તે પ્રકૃતિપુરુષ સુધીની સર્વે માનીનતા ટળી જાય, ત્યારે અંકુર બળી જાય અને ફેર જન્મવું પડે નહિ. માટે સર્વે માનીનતા ટાળીને કારણ દેહને બ્રહ્મઅગ્નિ જે પોતાનો આત્મા તેને વિષે હોમવો, એટલે ઇંદ્રિયોની વૃત્તિઓ માયિક પદાર્થમાં ફેલાઈ ગઈ હોય ત્યાંથી પાછી વાળીને બ્રહ્મઅગ્નિ જે પોતાનો આત્મા તે આકારે કરવી. એટલે આત્માને તેજોમય જોયા કરવો ને તેમાં મહારાજની મૂર્તિને જોયા કરવી. એમ ને એમ ધ્યાન કરતાં કરતાં કારણ દેહ બળી જાય ને માયા નાશ થઈ જાય. અને આત્માને મહારાજની મૂર્તિના પ્રકાશને વિષે લીન કરીને તે આત્માની માંહી મહારાજની મૂર્તિ જોવી. એ અભ્યાસ હંમેશાં કરવો, પણ પ્રવૃત્તિમાં ભળી જાવું નહિ.”
“એક હરિજન મહારાજની મૂર્તિને આત્માને વિષે દેખતા તેમને ઉત્સવ-સમૈયાની પ્રવૃત્તિમાં મૂર્તિ ને આત્મા દેખાતાં બંધ થઈ ગયાં. પછી સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને તે વાત કરી. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘આપણા ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સમર્થ છે તેમની પ્રાર્થના કરો તો તેમની કૃપાથી મૂર્તિ ને આત્મા દેખાશે.’ પછી તે હરિભક્તે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રાર્થના કરી ત્યારે સ્વામીશ્રીએ વર આપ્યો જે, ‘ધ્યાન કરો; દેખશો.’ પછી મહારાજ ને આત્મા દેખાયા.”
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તો સ્વપ્નમાં આવે છે ને ન પેઠો હોય તો નથી આવતો. તે એ વિક્ષેપનાં સ્વપ્નાં તો આવે છે ને ભગવાનનાં સ્વપ્નાં તો નથી આવતાં; ત્યારે ભગવાન ચૈતન્યમાં રહ્યા છે કે નથી રહ્યા?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવોને માયાનું મુખ્યપણું છે તેથી માયિક વિક્ષેપ સ્વપ્નમાં આવે છે. તે જ્યારે ભજન કરતાં કરતાં શ્રી પુરુષોત્તમરૂપ થાય ત્યારે માયા ટળી જાય ને મહારાજ મુખ્ય થાય. તેનું સાધન એ છે જે શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળવી અને સર્વોપરી ઉપાસના દૃઢ કરવી. તે બે વડે શ્રી પુરુષોત્તમરૂપ થવાય છે. અનાદિમુક્તના જોગે કરીને આવું દૃઢ જ્ઞાન થાય ત્યારે સુખભોક્તાપણું વિશેષ થાય છે.” ।।૬૮।।