સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૦)) અમાસને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા, ત્યાં નાહીને સર્વેએ માનસી પૂજા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ તો રોકડું કલ્યાણ છે તે દેહ છતાં જ કલ્યાણ. લાખ જન્મ તપ કરે તોપણ કલ્યાણ ન થાય તે આજ ચાર વર્તમાન પાળવામાં કલ્યાણ. આ તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો મળ્યો છે. મહારાજનો અને મોટાનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે, ને દેહના ઘસારાને પણ ગણે નહિ અને માન-અપમાનને પણ ગણે નહિ અને ધ્યાન-સેવામાં તત્પર થઈ જાય. જેમ પરદેશમાં ઘણા રૂપિયા મળે તો દુઃખ વેઠે છે તેમ. આ સમય અને આ જોગ સારો છે, તેમાં પૂરું કરી લેવું. આ જોગ ન હોય ત્યારે જેમ આજ કથા-વાર્તા-જોગ કરો છો એ લાભ ક્યાંથી રહે? માટે જોગ કરી લેવો.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “કોઈકને એમ થાય જે, ‘મોટાના જોગનું શું કામ છે? આપણે શાસ્ત્રમાંથી મહિમા જાણીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરીશું.’ તો એને કારણ મૂર્તિની પ્રાપ્તિ થાય કે નહિ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અંતઃકરણમાં મનુષ્યભાવે મૂર્તિ દેખે; પણ આત્મામાં કારણ મૂર્તિનો સાક્ષાત્કાર ન થાય. કારણ મૂર્તિના પધરાવનારા તો મુક્ત છે. જેમ પૃથ્વીમાં સો ગજ ઊંડો હીરો દાટેલો હોય તેને જે જાણતા હોય તે બતાવે, પણ બીજાને હાથ ન આવે; તેમ જેને મૂર્તિની લટક હોય તે જ મૂર્તિ બતાવે, પણ બીજાથી ન બતાવાય.”
“આ જીવને ધ્યાનમાં અંતરાય કરનારા દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ, સ્વભાવ, પ્રકૃતિ ને સંગદોષ એ સર્વે છે; તેને ઘસારો દઈને આ કામ કરી લેવું. એ સંગદોષ કેવો છે? તો જેમ સમુદ્રમાં ગઢ ચણે તે વેળ આવે ત્યારે પાડી નાખે, તેમ સંગદોષ મૂર્તિમાંથી બહાર કાઢી નાખે એવો છે. માટે મોટા પાસેથી લટક શીખીને ધ્યાન કરે, તો અંતરાય કરનારા સર્વે દોષને મોટા નાશ કરે, અને તત્કાળ ધ્યાન સિદ્ધ કરાવીને કારણ મૂર્તિ પધરાવી દે એટલે વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દે.”
“આ જોગ સારો છે. જેમ ‘જળ જળ કમળ ન નીપજે, વન વન અગર ન હોય’; તેમ ઘેર ઘેર મુક્ત ન હોય; માટે ચેતી લેવું. આ જોગ ગયા પછી સાધનિકનો જોગ કરે તો જેમ ‘રાંડીને ઘેર માંડી ગઈ, તે આવ બાઈ હું જેવી તું થા’ એવું થાય; માટે આ જોગ કરી લેવો. જેમ ચિંતામણિ પાસેથી જે ચિંતવે તે મળે, તેમ મોટા છે તે મહાપ્રભુજીની મૂર્તિ આપી દે.”
“જેને મહારાજની ઉપાસના બરાબર ન હોય ને મહિમા પણ ન હોય ને તે ધ્યાન કરે તો મૂળપુરુષ દ્વારે દર્શન થાય છે. તે મૂળપુરુષની મૂર્તિ લાસા કાગળ જેવી એટલે રેખાઓ વગરની છે અને મહારાજની મૂર્તિ અવયવવાળી એટલે રેખાઓવાળી છે. જેને અનાદિમુક્તનો જોગ કરીને ઠેઠ મહારાજની મૂર્તિ સુધી જ્ઞાન થાય તેને મહારાજ અને મોટા કોઈને વિષે બંધાવા દે નહિ, અને તેને કોઈ બીજો દર્શન દેવા આવી શકે જ નહિ. તેને તો મહારાજ ને મોટા જાળવે છે ને પોતે દર્શન આપે છે.”
“મોટા મુક્તનો હેતે સહિત ને મહિમાએ સહિત એક દિવસ જોગ કર્યો હોય તો સદાય કામમાં આવે. જેમ રાતઅંધો હોય તે બશેર ઘી ખાય તો બાર મહિના સુધી આંખમાં તેજ રહે છે; તેમ મોટાના જોગનો કેફ રહે છે. જે એમ જાણે જે, ‘મહારાજ ને મુક્ત મારા ભેળા જ છે’ તો એને મહારાજનું અને મોટાનું સુખ સદાય રહે છે; પણ જીવને નાસ્તિક ભાવ બહુ રહે છે. ને વળી નબળાનો જોગ થાય તેનો સંગદોષ લાગે. જો ખરેખરો થઈને મંડે અને ‘હું જે જે ઘાટ-સંકલ્પ કરુ છું તે સર્વે મહારાજ અને મોટા જાણે છે’ એવી મર્યાદા રાખીને ખરી આતુરતાથી મંડે તો મોટા મહાસુખિયો કરી મૂકે. જ્યાં મહારાજ અને મુક્ત વિરાજમાન હોય તે સ્થાનમાં ધ્યાન કરે તો મૂર્તિ સાક્ષાત્કાર દેખાય. અને મહારાજે અને મુક્તે જ્યાં વિચરીને ઘણી લીલા કરી હોય તે સ્થાનમાં પણ મૂર્તિનો સાક્ષાત્કાર થાય.”
“એક સમયે સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અહીં પધાર્યા હતા. તેમણે કહ્યું જે, ‘આ કચ્છ દેશમાં જ્યાં જ્યાં મહારાજ વિચર્યા છે, તે બધે ઠેકાણે મારે દર્શન કરવા જાવું છે.’ ત્યારે અમે કહ્યું કે, ‘સ્વામી! તમારું શરીર ખમે નહિ ને બધે પહોંચાય નહિ; માટે અહીં બેઠા દર્શન કરો.’ એટલામાં તો જ્યાં જ્યાં મહારાજ વિચરેલા તે સર્વે ચૈતન્ય ભૂમિકાઓ સ્વામીએ ભાળી. પછી સ્વામી બોલ્યા જે, ‘બધેય દર્શન થઈ ગયાં.’ તે જ્યાં જ્યાં મહારાજ સાત વર્ષ સુધી વિચર્યા હતા તે સર્વે સ્થાન દિવ્ય તેજોમય જણાણાં.” ।।૮૩।।