સંવત ૧૯૮૩ના આસો સુદ-૬ના રોજ શ્રી ગોડપુરના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ શ્વેતવૈકુંઠદાસજી અમારા પુરાણી છે. તે મહારાજની કથારૂપી અમૃતરસ પીવરાવે છે.”
પછી સંતોને કહ્યું જે, “તમે તો મોટા ધનાઢ્યને ઓળખો અને બોલાવો. અમને ગરીબને કોણ બોલાવે!”
ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા! તમે ગરીબ ખરા, કેમ કે જીવ જીવ પ્રત્યે મહારાજ ભેળા લકાઈ રહ્યા છો.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સંત આટલા થોડાક જ છે તોપણ સદાય રાખવા હોય તો ન રાખી શકાય. અને ગૃહસ્થ એક ઘરમાં દશ-વીશ માણસ હોય તો તેનું સદાય પોષણ કરે. એમ ઘરમાં બંધાઈ રહ્યા છે. તે સર્વેને છોડાવવા આવ્યા છીએ. મહારાજે દેહોત્સવ કર્યો તે સાલને અને અમારે હવે બે વર્ષનું છેટું છે. એટલે અમને ચોરાસી વર્ષ થયાં.”
પછી સ્વામી વૃંદાવનદાસજી બેઠા હતા ત્યાં સૂર્યનો તડકો આવવાથી એકકોર ખસીને બેઠા.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સૂર્યનું તેજ ઝીલાતું નથી તો ધામનો પ્રકાશ કેમ ઝીલશો? લાડકીબાઈને તેજ ન ઝીલાણું પછી મહારાજે સામર્થી આપી ત્યારે ઝીલાણું.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આ સ્વામી જેવાને તેજ ન નડે.”
પછી સૌ હરિભક્તોની પ્રાર્થનાથી ઘેરઘેર પધારી દર્શન દઈ બાપાશ્રીએ સૌને આનંદ પમાડ્યો. તે જ દિવસે બપોરના સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “નંદ રાજાને નાણું કાંઈ કામ આવ્યું નહિ. તેમ આ સંત નિર્ભય નાણું છે તે મહિમા જાણીને સમાગમ નહિ કરે તેને નંદ રાજા જેવું થશે. આ સંત અક્ષરધામથી પરના એટલે મૂર્તિમાં રહેનારા છે, તોપણ કેટલાક બાળક જેવા છે તે સમજી શકતા નથી. ભુજમાં અમે સવારે જાગ્યા ત્યારે શ્રીજી શ્રીજી કરતા હતા ત્યારે એક સાધુએ અમને કહ્યું જે, ‘અત્યારમાં ઊઠીને સિદ્ધિ સિદ્ધિ શું કરો છો?’ એવા ડાહ્યા છે. તે સત્સંગમાં શું સમાસ કરતા હશે?”
પછી વાત કરી જે, “આપણે પ્રકૃતિના કાર્યમાં કાંઈ જોવું નહિ જે આમ બોલ્યા કે આમ બોલ્યા. શબ્દો તો વૈરાજના કરેલા છે તે સામું જોવું નહિ. કોઈક કોઠારું કરે, કોઈક ભંડારું કરે, કોઈક મહંતાઈ કરે, પણ આવા સંત ક્યાંથી મળે! આ સંત કરે તે કામ કોઈ ન કરે. એવા સંત આપણે ઘેર આવી બેઠા છે.”
પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની પ્રશંસા કરી લાલશંકરભાઈ સામે હાથ કરીને કહ્યું જે, “આ પ્રથમ ચિત્તા જેવા આકળા હતા, પણ એ બ્રહ્મચારીએ પકડીને હાથ કરી લીધા છે તે અત્યારે ‘હા બાપા, હા બાપા’ એમ કરે છે અને સંત-હરિજનનો મહિમા જાણે છે તે આજ જ્ઞાને કરીને બ્રહ્મરૂપ થઈ ગયા તેથી કેડે કેડે ફરે છે; જેમ કહીએ તેમ કરે છે.”
“જો પ્રકૃતિના કાર્યમાં ઊભા રહીએ તો મૂર્તિ ક્યાંય જાય. વૈરાજ તો આહીં કુટાય છે. આ બ્રહ્મરૂપ સંત બેઠા છે તે ક્યાં મળે! આ મહાપ્રભુજીની મૂર્તિ ક્યાં મળે! માટે કોઈનો શબ્દ ન લાગે અને કોઈનો અવગુણ ન આવે. ‘મેરે તો તુમ એક આધારા, તુમ બિન સબ જગ જરત અંગારા.’ એથી એ આઘો નીકળી ગયો. તેને શબ્દ ક્યાં લાગે! આવડા સ્વામિનારાયણ ભગવાન મળ્યા. તે જુઓને કેવડા! જેવડા સમજશું તેવડા! તોય અપાર ને અપાર.”
એમ કહી પછી બોલ્યા જે, “તમે પંડિત તો મહારાજને પ્રકૃતિથી આઘા સમજવા દેશો નહિ. અરે! તમે મારી દેશો. પ્રકૃતિના કાર્યમાંથી ઉત્પન્ન થયેલ તેને પણ તમે ભગવાન માનો છો, એવી સમજણમાં શું પાકશે? જુઓ એ વિદ્વાન! આજ આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તેવા બીજા કોઈને મળ્યા નથી.”
બપોરે ગોડપુરના મંદિરમાં સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “અહીં ધ.ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ આવ્યા હતા. તે અહીંના સત્સંગીને મઠની ખીચડી ખાતાં જોઈને કહ્યું જે, ‘એ ખીચડી મારે પણ ખાવી.’ પછી અમે કહ્યું જે, ‘મહારાજ! તમને નહિ સદે.’ તોપણ ખાધી તેથી ફેરો થઈ ગયો.”
પછી સ્વામી વૃંદાવનદાસજી કહે કે, “કોઠો ન પડ્યો હોય તેને નડે.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “જો જમાય તો કોઠો પડે. અમે નિત્ય મઠ જમીએ છીએ અને મૂર્તિનું સુખ ભોગવીએ છીએ, માટે મૂર્તિ ન મૂકવી. મૂર્તિ રહે તો સર્વે રહ્યું. સમજણ વિના તો આવા સંત આવે અને એક જ દિવસ રહે તોપણ ઝાઝું થઈ પડે; પોતે તો પચાસ વરસ રહીને કેટલુંય ખાઈ ગયો હોય, પણ આવા સંતને એક દિવસ જમાડવા કઠણ થઈ પડે.”
પછી સ્વામી બોલ્યા જે, “આજ જેવું સુખ આવે છે તેવું મૂર્તિમાં આવતું હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં તો સુખ અપાર છે. આપણે તેનું વર્ણન કરવું, પણ વૈરાજના શબ્દોનું આપણે કામ નહિ.”
ત્યારે સંતે પૂછ્યું જે, “વૈરાજના શબ્દ વિના બોલવું શું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આવા સંતને મુખે શ્રીજીમહારાજ પોતે બોલે છે. વૈરાજ બિચારો શું બોલશે અને શું કરશે? જીવા ખાચરને ઘેર કૂડિયાં ગવાતાં હતાં એટલે શ્રીજીમહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા તે સુખપુર ગયા; ત્યાં પણ એવો ને એવો જ વિવાહ હતો. ત્યાંથી ચાલ્યા તે કુંડળની ભાગોળે થઈને અરધી રાત્રે જતા હતા ત્યાં મામૈયો પટગર ઘરમાં રહ્યો થકો ‘હે સ્વામિનારાયણ બાપા!’ એમ બોલ્યો, ત્યારે શ્રીજીમહારાજ તુરત દર્શન આપીને બોલ્યા જે, ‘હા બાપા.’ એમ સંત બોલાવે તોપણ બોલે અને સંતને મુખે પણ બોલે. વૈરાજ તો ક્યાંય ભાગી જાય; તેનું કાંઈ કામ પડે નહિ. એના શબ્દમાં શું માલ છે? માટે મૂર્તિ ન ભૂલવી. મૂર્તિમાં રહીએ તો મહારાજ જ બોલે. માટે વૈરાજનું ખાતું પડ્યું મૂકવું, એને સાચું ન માનવું.”
પછી સભાને કહ્યું જે, “સત્સંગીઓ! આ વાતો સમજાય છે કે તુંબડીમાં કાંકરા ખખડાવ્યા જેવું થાય છે?” એમ કહીને બોલ્યા જે, “આ સત્સંગી બધાય વિશ્વાસી છે.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “સાચી વસ્તુ ન ઓળખાય અને બધે વિશ્વાસ કરે તો કેમ થાય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તો તો મરવા જેવું થાય. સાધુને પણ ઓળખવા ખપે. આવા મોટા સાધુ સાથે હેત કરવું અને વિશ્વાસ પણ આવાનો જ કરવો.” એમ વાત કરીને કથાની સમાપ્તિ કરી. પછી ત્યાંથી સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી નારાયણપુરના હરિજનોને દર્શન દઈને વૃષપુર પધાર્યા. ।।૨૩।।