સંવત ૧૯૮૩ના આસો સુદ-૯ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૪૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવાની વાત આવી.
ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “ભગવાન ને ભગવાનના ભક્તને તો રાજી કરીએ, પણ મુક્ત તો મૂર્તિમાં રહ્યા હોય તેમને શી રીતે રાજી કરવા?”
પછી બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં રહેલા મુક્તને જુદા રાજી કરવા ન પડે; એ તો મહારાજ ભેળા રાજી થાય. એટલે મહારાજને રાજી કરવાથી એ રાજી થઈ ગયા એમ જાણવું. પરમ એકાંતિક મુક્ત તથા સાધનદશાવાળા એકાંતિકને રાજી કરીએ તો તે ભેળા મહારાજ રાજી થાય.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “દાસત્વપણું આવે તો મૂર્તિમાં રહેવાય.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપ સર્વેને મૂર્તિમાં રખાવજો.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહુ સારુ મહારાજ!” એ વર આપ્યો.
રાત્રે સભામાં છેલ્લા પ્રકરણનું ૨૭મું વચનામૃત વંચાતું હતું તેમાં ભગવાનની અલૌકિક સુખમય દિવ્ય મૂર્તિમાં સર્વે પ્રકારે જોડાવું એમ આવ્યું.
ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “સર્વે પ્રકારે તે કેમ સમજવું?”
પછી બાપાશ્રી બોલ્યા જે, “એક દેશમાં ન રહેવું; સર્વ દેશમાં રહેવું. નખશિખ મૂર્તિમાં ચારે દિશે એટલે સર્વત્રપણે જોડાવું. મૂર્તિથી બહાર ન રહેવું; સળંગ મૂર્તિમાં રહેવું.”
ત્યારે વળી પુરાણીએ પૂછ્યું જે, “પરમ એકાંતિક તો મૂર્તિની સમીપે રહે છે, પણ મૂર્તિની અંદર રહેલા મુક્તને સન્મુખ કેવી જાણવું?”
પછી બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં સળંગ રહ્યા થકા સમગ્ર મૂર્તિને એકકાળાવિછિન્ન દેખે છે એમ સન્મુખ જાણવું.”
પછી વચનામૃતમાં એમ આવ્યું જે માને કરીને પડી જાય છે એવા કામે કરીને પડતા નથી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘સાધન સર્વે માન બગાડે પળ વિષે.’ માનીને માન બધુંય બગાડે. કદાચ કામી હોય તો નભ્યો જાય, પણ માનીને જોખો મોટો છે; કેમ જે કોઈ મોટા સંત-હરિભક્ત પ્રકૃતિને મરોડે ત્યારે માનરૂપ દોષને લીધે તેના અવળા સંકલ્પ થયા કરે. માટે માનીને એવા સંકલ્પ થાય એ જોખો મોટો છે, કારણ કે એમાંથી જીવનું બગડે.”
એમ વાત કરતા હતા ત્યાં બાપાશ્રીના પૌત્ર જાદવજી બાજરાનો પોંક લાવ્યા તે ઠાકોરજીને જમાડી સંત-હરિભક્તો સૌને પ્રસાદી વહેંચીને બોલ્યા જે, “માવતર હોય તે પહેલું છોકરાને જમાડે ને વધે તો પોતે જમે અને ન વધે તો ભૂખ્યા રહે.” એમ કહીને બોલ્યા જે, “હાથ ખલ્લા તો દે અલ્લા.” પછી સંતોને કહ્યું જે, “આપણે તો એક સ્વામિનારાયણ ભગવાનમાં વળગી રહેવું, એટલે આનંદના ઢગલા; મૂર્તિમાં રસબસ રહેવું.”
પછી આશાભાઈને પૂછ્યું જે, “તમે આત્મા, અનાત્મા અને પરમાત્મા તેને ઓળખો છો? જો ઓળખતા હો તો બતાવો.”
ત્યારે આશાભાઈ બોલ્યા જે, “મહારાજના તેજથી ઓરું બધુંય અનાત્મા અને મહારાજનું તેજ તે આત્મા અને મહારાજ તે પરમાત્મા.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ તો સિદ્ધ થઈ ગયો.” એમ કહીને બોલ્યા જે, “જેને ખરી સિદ્ધદશા આવે તે તો એક મહારાજને દેખે; બીજું કાંઈ એને હોય નહિ. કેટલાક સમાધિને અધિક કહે છે, પણ એ ઉત્તમ માર્ગ નથી; તે તો સકામ કહેવાય. એને ઐશ્વર્યનું રહે, જોયાનું રહે. માટે સિદ્ધદશા તે અખંડ સમાધિ કહેવાય અને તે ઉત્તમ છે. તે જ્યાં જુએ ત્યાં મૂર્તિ જ જુએ, બીજું કાંઈ દેખે જ નહિ. જો એમ ન સમજાય તો લાડકીબાઈ તેજ જોઈને ચીસો પાડવા મંડ્યાં ત્યારે મહારાજે કહ્યું જે, ‘એક મૂર્તિ જુઓ, ભાટનો દેહ ને બીજી વસ્તુ નથી.’ પછી મૂર્તિ જોઈ તો આનંદ આનંદ થઈ ગયો. એવી રીતે ગોરધનભાઈ પણ મૂર્તિ વિના બીજું દેખતા જ નહિ. પાણી જોવા મોકલ્યા તો કહે જે, ‘નથી.’ એવી સ્થિતિવાળા એક મૂર્તિને જ દેખે, ઘોડે ચડેલા દેખે, હરતાં ફરતાં દેખે, એમ મૂર્તિ વિના બીજું કાંઈ દેખે જ નહિ. હાથી, રથ, ઘોડા, વિમાન તે તો થોડીવારમાં અદૃશ્ય થઈ જાય; પછી કાંઈ હોય નહિ. ગોરધનભાઈને તો મીઠું ને સાકર બે જમાડ્યા તે એક થઈ ગયું. તે અખંડ સમાધિ કહેવાય. ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ દૂધપાકમાં અજાણમાં મીઠું નાખેલ તે જમી ગયા; બીજા સર્વેને ખારું લાગ્યું. એ તેથી ઉત્તમ સમાધિ કહેવાય. એ સમાધિમાં કાંઈ વિઘ્ન આવે નહિ.” એમ કહી વાર્તાની સમાપ્તિ કરી. ।।૨૭।।