સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૪ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સાધુનાં ઘણાં નામ હોય. નારદ-સનકાદિક પણ સાધુ કહેવાય છે, પણ સનકાદિકને ક્રોધ થયો ને નારદજી પણ નાક, કાન કપાવી બેઠા. માટે આ સંત છે તે છેલ્લો મુદ્દો છે. મહારાજે કહ્યું છે કે, ‘જે સંતો મોટા મોટા હોય તે આગળ બેસો’; તે સંત આ રહ્યા. મૂર્તિમાંહી તેજ ઝળક ઝળક કરે છે ત્યાં આ સભા બેઠી છે. આ જુઓને કેવાં સંતનાં વન કમળનાં જેવાં ફૂલી રહ્યાં છે! કેમ સંતો! વાત સાચી કે ખોટી?”
ત્યારે સંત બોલ્યા જે, “બાપા, આપ કહો છો તે સાચી વાત છે.”
એવામાં હરિજનની સભામાંથી ઝળળળ ઝળળળ તેજ નીકળ્યું. તે દેખીને એક હરિજન આશ્ચર્ય પામ્યો.
પછી બાપાશ્રી બોલ્યા કે, “આ સભાનો મહિમા હરિજનોને છે તો ઓ જાણે જે હું સેવા કરું ને ઓ જાણે જે હું સેવા કરું. જેને મહિમા ન સમજાય તેને તો આ સભાનું સુખ ન આવે. આ સભાનો મહિમા સમજાય તેને તો આઠે પહોર આશ્ચર્ય થયા જ કરે. જેણે શ્રીજીમહારાજનો આશ્રય કર્યો હોય તેને માન્યામાં આવે છે.”
“બધા ગુણ શ્રીજીમહારાજના છે. કદાપિ શ્રીજીમહારાજ પોતાના ગુણ કોઈકને કિંચિત્ આપે તો તે પોતાના ન માનવા. ધણીના માનવા. ધૂળ ઘાલી તેણે શું થાય? આ ધૂળ નથી ઘાલી; આ તો શ્રીજીમહારાજની ચૂંદડી ઓઢી છે, તે ધન્યભાગ્ય છે. જેટલું રાજાનું એટલું રાણીનું રાજ્ય થઈ ગયું છે. જુઓ તો ખરા, ભીખ માગી ખાતા હતા તે મટી ગયું; એ મહારાજનો પ્રતાપ છે. આવો અવસર ફરી નહિ આવે.”
“માંડવીનો ભાટિયો પરણીને આવતો હતો, તે દરિયામાંથી તો ઊતર્યો, પણ ધામધૂમ કરવા રહ્યો એટલામાં નદી આવી તે તાણી ગઈ; માટે ધામધૂમ કરવા ન રહેવું. પુસ્તક, ચેલા, ધર્માદા, આદિક નવાં નવાં ચરિત્ર કરવાં તે સર્વે ધામધૂમ છે. તે ધામધૂમરૂપી કાર્યમાં રખડવું નહિ. તેને મૂકીને મૂર્તિમાં જોડાઈ રહેવું, પણ બેઠે બેઠે તરંગ કરવા નહિ. યાત્રા કરવા જાવું, સભાઓ જીતવી, સમૈયા કરવા તે સર્વે ધામધૂમ છે. તે ન કરવું.”
“આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજે શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજનો વરઘોડો ફેરવવા માંડ્યો ત્યારે સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ના પાડી; તોપણ ફેરવ્યો તો વિઘ્ન આવ્યું જે માણેકચોક આગળ બંદૂકો ફૂટી ને ખૂન થયાં ને પાછા આવ્યા. માટે મોટા તો શ્રીજીમહારાજના સિદ્ધાંત પ્રમાણે બોલે તેમ જ થાય. પાછા આવ્યા ત્યારે વળી બીજાએ અવગુણ ઘાલ્યો જે, ‘સ્વામીએ ના પાડી તેમાં આ વિઘ્ન આવ્યું; તેથી એમનો શાપ લાગ્યો’ એમ અવગુણ ઘાલ્યો. મહિમાય સમજે ને વળી અવગુણ પણ લે એવા જીવના સ્વભાવ છે.”
“આ લોકમાં તનનાં, મનનાં ને જનનાં દુઃખ છે. અનેક પ્રકારના રોગ દેહમાં ભર્યા છે તે પીડા કરે એ તનનાં દુઃખ; લોક નિંદા કરે, ધૂળ નાખે, અપમાન કરે, એવાં દુઃખ દે તે જનનાં દુઃખ; અને ધ્યાનમાં, ભજનમાં, માળા ને માનસી પૂજામાં સંકલ્પ-વિકલ્પ થાય તે મનનાં દુઃખ છે. એવાં ઘણાં દુઃખ છે તે મોટા પુરુષનો જોગ કરે ને એમના જેવો નિષ્કંચન થાય તો સર્વે દુઃખ ટળી જાય છે.” ।।૧૦૩।।