સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૭ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૬ઠ્ઠું વચનામૃત વંચાતું હતું. તેમાં ભક્તિનું માન આવવા દેવું નહિ એમ વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભક્તિ કરતાં જો ઈર્ષ્યા આવે તો ભક્તિ નિષ્ફળ થઈ જાય. જેમ ઝાડ વાવીને પાણી પાય, પણ જો કવા આવે તો ફળ ન આવે તેમ થાય. જો જીવને હુંપણું ટળી જાય તો સર્વે દોષ નાશ થઈ જાય, ને આત્મા શુદ્ધ થાય ત્યારે મૂર્તિ દેખાય. માટે મૂર્તિરૂપી અમૃત મૂકીને વિષ ન ખાવું. મૂર્તિ વિના બીજું સર્વે વિષ જેવું છે.”
‘અમૃતરસ મેલી રે વિષ હું શીદ ચાખું’ એ સાખી બોલ્યા, અને બોલ્યા જે, “વસ્તુ તો બહુ જ મોટી મળી છે, પણ જીવને મેળવતાં આવડતું નથી; પણ સુખ તો એમાં જ છે. જીવ જ્યારે સંસારમાંથી ઉદાસ થાય છે અને સાધુ થવાનો વિચાર કરે છે ત્યારે આવો ઠરાવ કરે છે જે, ‘ઝોળી માગી ખાશું, સાધુની સેવા કરીશું, ધ્યાન-ભજન કરીશું અને સાધુનો સમાગમ કરીશું.’ જો એવો ને એવો ઠરાવ દેહપર્યંત રહે તો કાંઈ વાંધો જ ન રહે. એવો ઠરાવ રાખવો; પણ પૂજા, પ્રતિષ્ઠા, પદાર્થ, એ આદિકનો ઠરાવ ન કરવો.”
“કથા કરવા ગયા ને સો-બસો ધોતિયાં લાવ્યા અથવા ધર્માદો ઘણો લાવ્યા કે કોઈક હરિજન પાસે સેવા કરાવી તે સર્વે એમ જાણવું જે આ બધું શ્રીજીમહારાજને આપે છે; પણ આપણને કોઈ ન આપે; કેમ જે મહાપ્રભુજીને આગળ રાખીએ તો આપણને આપે, પણ મહાપ્રભુજીને મૂકી દઈએ તો આપણને કોઈ ઊભા રહેવા દે નહિ. પૂજા, પ્રતિષ્ઠા સર્વે મહાપ્રભુજીની થાય છે, પણ આપણને કોઈ પૂજતું નથી એવો ઠરાવ રાખવો. ‘માન મૂકે માન મળે, માન રાખે માન જાય.’” એ સાખી બોલ્યા. ।।૧૦૬।।