સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજીને તથા મુક્તને તો સર્વે પદાર્થમાંથી નિષ્કંચન કરીને જીવોને મૂર્તિમાં જોડી દેવા છે. જીવ જ્યારે સત્સંગી થાય ત્યારે તો પ્રથમ એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હોય છે. પછી વધતાં વધતાં મહાતેજ જેવો થાય છે ને પુરુષોત્તમરૂપ પણ થાય છે. જેમ સરપટાને અગ્નિનો જોગ થાય તો અગ્નિરૂપ થઈ જાય છે; તેમ પુરુષોત્તમરૂપ થયેલા મુક્તોના જોગે કરીને જીવ પુરુષોત્તમરૂપ થાય છે. માટે મોટા અનાદિનો જોગ કરવો; પણ આધુનિકનો કરવો નહિ. આધુનિકના જોગથી અધૂરું રહે છે.”
“સત્સંગમાં સત્સંગ ઓળખવો; તે થોડા પુણ્યવાળાને ઓળખાતો નથી. મોટાના સંકલ્પો કરોડો રૂપે થાય છે; જેમ શ્રી ગોપાળાનંદ સ્વામીના હજારો સંકલ્પ જીવના રૂડા માટે ફરતા અને શ્રી સચ્ચિદાનંદ સ્વામીનો સંક્લ્પ ગઢડામાં શ્રીજીમહારાજ પાસે આવ્યો હતો તેમ.”
“શ્રીજીમહારાજ જીવોને તેડવા જાય તેમના ભેળા મોટા પણ જાય. સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અમદાવાદમાં હતા ને અહીં અણદા ભક્તને મહારાજ ભેળા તેડવા આવ્યા હતા. પછી જ્યારે કચ્છમાં સ્વામીશ્રી આવ્યા ત્યારે કહ્યું જે, ‘અણદા ભક્તને અમે મહારાજ સાથે તેડવા આવ્યા હતા ત્યારે પ્રકાશ જોઈને તમારા ભત્રીજા ગોવિંદ ભક્તને બીક લાગી હતી; તેમને તમે ધીરજ આપી હતી.’ મોટા હજારો ગાઉ છેટે રહેતા હોય ને હરિજનને વચન આપે જે, ‘આપણે જુદા નથી, ભેળા જ છીએ’ તો તેને આવરણ ટળી જાય.”
એમ વાત કરીને બોલ્યા જે, “મોટાનો સમાગમ કરવા જઈએ ને મોટાને સેવા, સમાગમ, ભક્તિએ કરીને રાજી કરીએ અથવા મોટા રાજી થાય ને રૂડા આશીર્વાદ આપે તેનું ફળ અહીં પ્રત્યક્ષ જીવના જોયામાં આવે નહિ, તેથી કૃતાર્થપણું મનાય નહિ. જેમ સુદામાજી શ્રીકૃષ્ણ ભગવાન પાસે ગયા, તેમની સેવા અંગીકાર કરીને તેમનું દારિદ્ર કાપીને કંચનના મહેલ કર્યા હતા, પણ સુદામાને ખબર પડી નહોતી તેથી માર્ગમાં જતાં શ્રીકૃષ્ણને વિષે ગુણ-અવગુણના ઘાટ થતા. પણ જ્યારે કંચનના મહેલ દેખ્યા ત્યારે મહિમા જાણ્યામાં આવ્યો. તેમ મોટાના આશીર્વાદનું ફળ જ્યારે ધામમાં જાય ને દેખે ત્યારે મહિમા સમજાય.” ।।૧૧૬।।