ગામ ધ્રાંગધ્રાના સલાટ હરનારાયણભાઈ શ્રી વરતાલ કામ કરતા હતા તે ગણપતિના ઉપાસક હતા. ત્યાં સત્સંગી થયા તેમને શ્રીજીમહારાજે દર્શન આપ્યાં અને જોડે નરનારાયણ, લક્ષ્મીનારાયણ આદિ દેખાયા ને તે મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. પછી ગણપતિએ હરનારાયણનું કાંડું ઝાલીને શ્રીજીમહારાજને કહ્યું જે, “આ તમારું બાળક.” પછી તેને શ્રીજીમહારાજે સમગ્ર પરમહંસનાં દર્શન કરાવીને કહ્યું જે, “આ ગોપાળાનંદ સ્વામી તારા ગુરુ.” એમ કહીને અદૃશ્ય થયા.
પછી તે જ્યારે ધ્યાન કરે ત્યારે પાંચસો પરમહંસનાં દર્શન શ્રીજીમહારાજનાં ભેળાં થાય. પછી તે ધ્રાંગધ્રાના મંદિરમાં ગયા. ત્યાં શ્રીજીમહારાજ ખુરશી ઉપર બેઠેલા એવાં દર્શન થયાં. સંવત ૧૯૬૪ની સાલમાં માંદા થયા તે સમયે તેને એમ જણાણું જે મુળીમાં સભામંડપમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પાસે બેઠો છું. એમ એકવીસ દિવસ સુધી દર્શન થયાં. પછી જ્યારે પુરાણી ધર્મકિશોરદાસજી ધ્રાંગધ્રે ગયા ત્યારે તેમને વાત કરી જે આવી રીતે મને દર્શન થાય છે.
પછી તેમણે કહ્યું જે, “મહારાજ કે સંત તમારી સાથે બોલે છે?” ત્યારે તે કહે, “ના.” પછી તેમણે કહ્યું જે, “વરતાલના પમા વચનામૃતમાં કહ્યું છે જે પ્રત્યક્ષ સત્પુરુષ મળે તો સો જન્મની કસર મટે ને આ જન્મે શુદ્ધ કરે. માટે પ્રત્યક્ષ મળે તો કામ થાય.” એમ કહીને બાપાશ્રીની ઓળખાણ કરાવીને કહ્યું જે, “મહારાજ અને સંતના ભેળા બાપાશ્રીને ધારજો.” પછી ઘેર જઈને ધ્યાન કર્યું ત્યારે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી અને બાપાશ્રીની વચ્ચે શ્રીજીમહારાજનાં દર્શન થયાં. પછી બન્ને મહારાજની મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા ને એક શ્રીજીમહારાજ રહ્યા. પછી તે મુળી ગયા.
બ્રહ્મચારીને ત્યાં બ્રહ્માનંદ સ્વામીની મોટી મૂર્તિ છે તે ઠેકાણે દર્શન કરતાં બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિએ હરનારાયણ સામો હાથ કરીને કહ્યું જે, “તમને અનાદિમુક્ત મળ્યા છે તે બહુ મોટા છે તેથી કાંઈ અધૂરું નહિ રહે.” પછી તે પાટણ ગયા. ત્યાં તેમના ભાઈનો દીકરો માંદો પડ્યો. તેને હરનારાયણે બાપાશ્રીને સંભારીને મહારાજની પ્રસાદીનું પાણી પાયું તેથી તે સાજો થયો. પછી તેને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “એની આવરદા થઈ રહી હતી, પણ તમે અમારું નામ લીધું તેથી સાજો કરવો પડ્યો.”
પછી મુળી દેવનાં દર્શન કરવા ગયા. તેમની પાસે જોખમ હોવાથી બીક લાગી, ત્યારે મહારાજ ને બાપાશ્રીએ દર્શન દઈને બે બાજુ કાંડાં ઝાલ્યાં ને બેય કોરે અનંત મુક્તો દિવ્ય તેજોમય દેખાય એવી રીતે સ્ટેશનથી મંદિરમાં આવ્યા. પછી મહારાજ ને બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. તે વખતે મૂર્તિઓ ને સભા દિવ્ય તેજોમય દેખી. પછી રાત્રિએ તાપ કરવા સારુ સાંઠીઓ લેવા ગયા. ત્યાં સંકલ્પ થયો જે સાંઠીઓમાં કાંટા હશે તો? ત્યારે બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, “કાંટા નથી.” પછી સાંઠીઓ લઈને આવ્યા ને સદ્. રામકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ધર્મકિશોરદાસજીને એ વાત કહી. તેથી રામકૃષ્ણદાસજી સ્વામીને બાપાશ્રીને વિષે બહુ હેત થઈ ગયું. પછી સ્વામી જ્યારે માંદા થયા ત્યારે નિરંતર શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ રહેતા. તેમને અંત સમયે મહારાજ અને બાપાશ્રી દર્શન આપીને તેડી ગયા. ।।૩૧।।