એક સમયે બાપાશ્રી ભુજ પધાર્યા હતા. તે પાછા વૃષપુર તરફ જવા તૈયાર થયા એટલે બ્રહ્મચારી તથા સંતો કહે જે, “બે દિવસ રહો ને વાત કરો.” પછી બાપાશ્રી કહે જે, “ઘર સુધી જઈ આવીએ, પછી પાછા આવશું.” એમ કહીને ચાલ્યા તે આઘા જઈને પાછા વળ્યા ને કહે જે, “કોઈક સંત-હરિભક્ત અમને ખેંચે છે તે નહિ જવાય.”
એટલામાં તો રામજીભાઈ અંજારથી ભુજ ગયા. ત્યાં બાપાશ્રી મંદિરના ચોકમાં મળ્યા અને ઉત્તમાનંદ બ્રહ્મચારી તથા સંત-હરિભક્તોએ કહ્યું જે, “બાપાશ્રી તો ચાલ્યા હતા ને પાછા વળ્યા ને બોલ્યા જે, ‘કોઈક હરિભક્ત ખેંચે છે તે અમને નહિ જવા દે’ એમ કહેતા હતા એટલી વારમાં તો તમે આવ્યા.” પછી બાપાશ્રી તેમને બાથમાં ઘાલીને મળ્યા ને કહ્યું જે, “અમે સર્વેને કહ્યું હતું જે અમને કોઈક ખેંચે છે તે નહિ જવાય તેથી રોકાણા છીએ.” પછી તેમણે હાથ જોડીને કહ્યું જે, “એક ગાઉ ઉપર નંદવાણાં મોંઘીબાએ આપના સમાચાર આપ્યા ને કહ્યું જે, ‘બાપાશ્રી ભુજ છે ને હમણાં વૃષપુર જવાના છે.’ ત્યાંથી જ મને બહુ ખેંચ થઈ હતી.” એમ કહીને પોતે ભુજ રહીને બાપાશ્રીની સાથે વૃષપુર ગયા. ।।૩૨।।