એક સમયે નારાયણપુરમાં જાદવજીભાઈ માંદા થયા હતા. તેમને તેડવા બાપાશ્રી પધાર્યા. તે વખતે જાદવજીભાઈના મનમાં એમ થયું જે મને તેડવા તો આવ્યા, પણ મેં પૂરાં સાધન કર્યાં નથી, માટે મને બીજે ક્યાંઈક મૂકશે તો શું થશે? એવો વહેમ આવ્યો. પછી બાપાશ્રીએ રહેવા દીધા ને સાજા થયા. ને થોડા દિવસ પછી ધનજીભાઈનાં માતુશ્રી માંદાં પડ્યાં. તેમને જોવા સારુ દિવસમાં એક વાર બાપાશ્રી આવતા. તે એક દિવસ કાંઈક કામ આવ્યું તેથી જવાણું નહિ ને બીજે દિવસે ગયા. ત્યારે તે બાઈ બોલ્યાં જે, “ગઈ કાલે કેમ ન આવ્યા?” ત્યારે કહે જે, “કામ હતું તેથી અવાણું નહિ.” ત્યારે તે બાઈ બોલ્યાં જે, “આવતી કાલે કેમ કરશો?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આવતી કાલે તો આવ્યા વિના છૂટકો જ નથી, માટે જરૂર આવીશું.”
પછી બીજે દિવસે સવારમાં વહેલા વૃષપુરથી ચાલ્યા તે નારાયણપુરના ઝાંપામાં આવ્યા. ત્યાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રી આદિ અનંત મુક્ત રંગ રમે છે એવું એ બાઈના દેખવામાં આવ્યું. પછી બાપાશ્રી એમના ઘરમાં આવ્યા. ત્યારે તે બાઈએ શ્રીજીમહારાજ સાથે રંગ રમેલા તે રંગવાળી પછેડી બાપાશ્રી પાસેથી માગી લીધી અને કહ્યું જે, “આ પછેડી મારા ઉપર ઓઢાડજો.” પછી એમણે દેહ મેલ્યો. તેમના ઉપર એ પછેડી ઓઢાડી તેમાંથી ખુશબો ઘણી આવતી હતી. તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા જે આ પછેડીમાંથી આવી અલૌકિક ખુશબો ક્યાંથી આવતી હશે? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમે તથા શ્રીજીમહારાજ અને અનંત મુક્ત આ નારાયણપુરના ઝાંપામાં હમણાં જ રંગ રમ્યા તેની ખુશબો છે.” પછી જાદવજીભાઈને કહ્યું જે, “તમારા કલ્યાણનો વહેમ છે કે મટી ગયો?” ત્યારે તે બોલ્યા જે, “આ ધનજીની માનું કલ્યાણ કર્યું એ પ્રમાણે તો મારે હવે વહેમ નથી રહ્યો.” પછી જાદવજીભાઈને પણ તેડી ગયા. ।।૫૮।।