સંવત ૧૯૭૦ના ફાગણ સુદ-૧૦ને રોજ સવારે સભામાં લોયાનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં ૮મા પ્રશ્નમાં શ્રી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે ધ્યાન કરતાં સંકલ્પ-વિકલ્પ રૂપે કરીને માયા કેમ દુઃખ આપે છે એ વાત આવી.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “સંકલ્પ તે શું ને વિકલ્પ તે શું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પદાર્થનો ઘાટ થાય તે સંકલ્પ કહેવાય અને તે સંકલ્પ વારંવાર થાય તે વિકલ્પ કહેવાય; એટલે જે સંકલ્પ થયો હોય તે વિવિધ પ્રકારે થાય તે વિકલ્પ કહેવાય. તે મોટા સાથે જીવ જોડે તો સર્વે ટળી જાય ને કાંઈ બાકી રહેવા દે નહિ ને પૂરું કરી દે ને ઠેઠ મૂર્તિમાં મૂકી દે; એવો મોટાનો પ્રતાપ છે.”
તે જ દિવસે બપોરે સભામાં સર્વે સંતોએ કહ્યું જે, “દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળીએ, પણ અંતઃકરણમાં ઘાટ થાય તે ટાળવા અમારા હાથમાં નથી.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દેહે કરીને આજ્ઞામાં જરાએ ફેર પડવા દે નહિ તો તેના અંતરના દોષમાત્ર ટાળીને તેને બળિયો કરી દઈએ. આ તો આજ્ઞાએ પાળવી નથી ને બધું મોટા પાસે કરાવવું છે તે કેમ બને? પાત્ર તો પોતે જ થવું જોઈએ.”
પછી સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, “પાત્ર તો કંસારા કૂટીકૂટીને કરે છે, માટે પાત્ર કરનારા પણ જોઈએ.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પાત્ર કરનાર તો તૈયાર છે, પણ તેમનું માનવું નથી તો શી રીતે પાત્ર થવાય?”
પછી વળી સ્વામીએ કહ્યું જે, “અમને તો વહાણમાં બેસારી દો.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વહાણમાં બેસાર્યા કેડે પણ તેમાંથી પડતું મેલે તેને કેમ કરીએ? મહારાજ ને મુક્ત તો સર્વેને જોઈ રહ્યા છે, પણ જીવ ભાળતા નથી તેથી આજ્ઞા લોપી નાખે છે એટલે મહારાજ ને મોટા તેને મૂર્તિનું સુખ આપતા નથી. માટે આજ્ઞા પાળવી ને માન, મદ, મત્સરાદિક સર્વે દોષ ટાળવા; તો મૂર્તિનું સુખ આવે.”
પછી વળી સ્વામીએ કહ્યું જે, “માનાદિક દોષ તો રહ્યા છે ખરા.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ દોષ ઓળખાણા ને તેની સાથે વૈર બંધાણું તો હવે એ દોષ રહેશે નહિ. મહારાજ ને મોટા સહાય કરીને નાશ કરશે. માટે વોળાવો સારો લેવો, પણ ચોરટાને વોળાવો લેવો નહિ.”
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછ્યું જે, “કેવા હોય તેને ચોરટા જાણવા?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ધર્મામૃત તથા નિષ્કામશુદ્ધિમાં કહેલી આજ્ઞા લોપતા હોય ને ‘અમે મુક્ત છીએ’ એમ કહેતા હોય તે ચોરટા જાણવા. તેની સાથે જીવ જોડે તો તેના ભેળા દુઃખ પામે; માટે મુક્ત ઓળખીને જીવ જોડવો.”
“આજ અક્ષરધામનું સુખ ભોગવો છો. આવી સભામાં પણ દોષના જોનારાને દોષ સૂઝે ને પોતે તો ધૂળ બલા જેવા હોય ને કાંઈ પણ માલ હોય નહિ, અને મહારાજના અનાદિમુક્તમાં દોષ પરઠે છે, તે તો દોષરૂપી ભાર માથે ભરે છે. તેનો તો જીવ પણ નાશ પામશે તેની તેને ખબર નથી. આવી શ્રીજીમહારાજના મહિમાની વાતો થાય છે, પણ જે સમજતા નથી તે એમ કહે જે, ‘આ તો ખૂણિયું જ્ઞાન કરે છે.’” વાર્તાની સમાપ્તિ કરીને સંત-હરિજન સર્વે સાંજના નારાયણપુર ગયા ને ત્યાંથી ભુજ થઈને ગુજરાત તરફ આવ્યા. ।।૧૩૭।।