સંવત ૧૯૭૨ના માગશર માસમાં ગામ અશ્લાલીનાં કંકુબાએ જેતલપુરમાં તુળસીક્યારો કે જ્યાં શ્રીજીમહારાજ દાતણ કરતા તે ઠેકાણે છત્રી કરાવી. તે પોષ માસમાં પૂરી થઈ ત્યારે તેમણે બાપાશ્રીને તેડાવવાનો કાગળ લખાવ્યો જે, “વસંતે છત્રીએ ચરણારવિંદ પધરાવવાં છે ને પારાયણ કરાવવી છે માટે પધારશો.”
તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીને પુરાણી નંદકિશોરદાસજીએ કહ્યું જે, “બાપાશ્રી વસંતે પધારશે તો છપૈયામાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ જન્મસ્થાનમાં પધરાવવાની છે ત્યાં સુધી બાપાશ્રી આ દેશમાં સંઘે સહીત રહેશે નહી; માટે ચૈત્રના સમૈયામાં પધારે તો ઠીક.”
તેથી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કાગળ લખ્યો જે, “આપ વસંત ઉપર આવવાનું બંધ રાખશો ને અમો તેડવા આવશું ત્યારે પધારશો; કેમ જે છપૈયામાં અખાત્રીજે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવાની છે અને ઉપરદળના ઠક્કર મોતીભાઈ જીવણભાઈ પારાયણ કરાવશે. માટે ચૈત્રના સમૈયા ઉપર પધારવાનું રાખશો.”
તે કાગળ મહા સુદ-૧ને રોજ શ્રી વૃષપુર સવારમાં બાપાશ્રીને પહોંચ્યો. જેતલપુર આવવા માટે રામપરેથી દેવરાજભાઈ આદિ તથા દહીંસરેથી ખીમજીભાઈ આદિ હરિજનો તૈયાર થઈને બાપાશ્રીને ત્યાં આવ્યા હતા, પણ નીકળવા ટાણે કાગળ વાંચીને બંધ રાખ્યું ને કહ્યું જે, “સૌ સૌને ઘેર જાઓ; હમણાં જવાનું બંધ રહેશે.” તેથી હરિજનો સૌ સૌને ઘેર ગયા.
સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો મુળીએ વસંત કરીને કચ્છમાં ગયા. તે અંજાર, ભુજ થઈને શ્રી વૃષપુર ગયા ને ત્યાં બાપાશ્રીને મળ્યા, ને વાત કરી જે, “આપને તેડવા આવ્યા છીએ.”
પછી બાપાશ્રીએ કહ્યું જે, “રામપરાની પારાયણ સાંભળીને સંઘ સૂંઢાડશું.”
પછી બીજે દિવસે એટલે મહા વદ-૬ને રોજ રામપરે ગયા ને વદ-૭ને રોજ પારાયણ બેઠી. તે સવારે વચનામૃત વંચાતાં હતાં અને સાંજે ભક્તચિંતામણિ વંચાતી હતી.
મહા વદ-૭ને રોજ સવારે વચનામૃતની કથા વંચાતી હતી, તેમાં શ્રીજીમહારાજની લીલા સંભારવાનું આવ્યું.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મહારાજની લીલા સંભારવાનું કહ્યું તેમાં કેટલાકનાં મન બીજા અવતારોમાં તથા બીજાં સ્થાનોમાં જતાં રહે છે, પણ પ્રગટ મહારાજની ને પ્રગટ અવતાર એટલે મુક્તોની લીલા સંભારવાનું કહ્યું છે; માટે શ્રીજીમહારાજે ને તેમના મુક્તોએ જે જે સ્થાનોમાં જે જે લીલા કરી હોય તે સંભારવી.”
“મહારાજ આજ મધ્યસ્થ બિરાજે છે ને ફરતાં મુક્ત બેઠા છે. આ મહારાજ મધ્યસ્થ બેઠા; તે જે જાણતા હશે તેને આનંદનો પાર નથી. પ્રગટ શ્રીજીનાં ચરિત્ર-લીલા તે અજાણે સાંભળે તેનાં જન્મ-મરણ ટળે. અને પ્રત્યક્ષ છે એમ જાણીને અને તેમનો મહિમા જાણીને સાંભળે તેનું તેજોમય તન થાય એવી આ સભા છે. આ સત્સંગમાં અવતારાદિકને તથા બ્રહ્મકોટિને તથા અક્ષરકોટિને પણ આવ્યા વિના છૂટકો નથી; એ સર્વે આવ્યા છે. આ સત્સંગમાં જેને જેને જન્મ આવ્યા તેનો મોક્ષ થઈ જાય છે. રાજાને સંગે ભિખારણ પણ રાણી કહેવાય, તેમ આ સત્સંગમાં ને આ જોગમાં જે આવે તે સર્વેને મુક્ત જાણવા. તે સર્વેનું આત્યંતિક કલ્યાણ થાય છે. નારાયણ અને પુરુષોત્તમ એ બે શબ્દ ભુલાવે છે. ઇંદ્ર-બ્રહ્માથી લઈને અક્ષરકોટિ સુધી સર્વે નારાયણ અને પુરુષોત્તમ કહેવાય છે. માટે આપણા સ્વામી જે શ્રી પુરુષોત્તમ તે તો સર્વેથી પર છે.”
“બહારવૃત્તિએ કરીને કાર્ય જોવાય છે અને અંતર્વૃત્તિએ કરીને કારણ જોવાય છે. બહારવૃત્તિ કારણને આવરી લે છે. શ્રીજીમહારાજ અક્ષરધામમાં રહ્યા થકા લીલા કરે છે તે બહારદૃષ્ટિવાળાને મનુષ્યના જેવી દેખાય છે, પણ અંતર્દૃષ્ટિવાળાને મનુષ્યભાવ ટળીને દિવ્ય દેખાય છે.”
“ભક્તચિંતામણિમાં જેના સેવક આત્મારામ કહ્યા છે તે અનુભવી તથા અનાદિને જાણવા. જે અનાદિ છે તે પ્રત્યક્ષ દેખાય ત્યારે તેમને આદિ કહેવાય, અને પરોક્ષ એટલે અક્ષરધામમાં છે તે અનાદિ કહેવાય, માટે તે આદિ અનાદિ કહેવાય છે.”
“જીવ મનનું ધાર્યું મૂકે ને સ્વભાવ મૂકીને આવા અનાદિનાં વચનમાં વર્તે તો જાડી બુદ્ધિ નાશ પામીને કુશાગ્ર બુદ્ધિ આવે; પણ પોતે ધણી ન થાય તો. જેમ અલૈયા ખાચર ધણી થયા તો પોશાક લઈ લીધો એટલે શ્રીજીમહારાજે પોતાની આપેલી સામર્થી લઈ લીધી; તેમ કોઈકને સામર્થી આવે તે પોતાની માને તો શ્રીજીમહારાજ ને મોટા લઈ લે. જેમ અહીં જે આજ્ઞા લોપે તેનાં કંઠી, પૂજા, ભગવાં વસ્ત્ર તે લઈ લે છે તેમ. માટે ધણી થાવું નહિ. જે ધણી થાય તથા આજ્ઞા લોપે તેને દેખીએ તો તે સારો ન લાગે; કેમ જે એમાંથી મહારાજ સભા લઈને ઊઠી ગયા તેથી ભૌતિક દેહ પણ નકારું લાગે છે. માટે હૃદયમાં શ્રીજીમહારાજને અને મુક્તને અવશ્ય પધરાવવા એ કરવાનું છે.” ।।૧૪૭।।