સંવત ૧૯૭૨ના મહા વદ-૧૦ને રોજ સવારે સભામાં કર્તા, અકર્તા ને અન્યથા-કર્તાપણાનો પ્રસંગ નીકળ્યો હતો.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એક સમયે મોટા મુક્તોને એમ વિચાર થયો જે આપણે સત્સંગ કરાવીને જીવનો મોક્ષ કરીએ છીએ. ત્યારે શ્રીજીમહારાજે એ સંતોની સભાની ઉપર બીજી દિવ્ય તેજોમય સભા બતાવી. તે જોઈ સર્વે બોલ્યા જે, ‘આ શું?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘આ તો અક્ષરધામની સભા છે.’ એમ અન્યથાકર્તા છે.”
પછી વાત કરી જે, “આ જીવને મોહરૂપી નિંદ્રા તે આંધળો ઘોડો છે અને આ ગોત્રનો અવગુણ લેવાય છે તે મોહે કરીને લેવાય છે. આ સભા દિવ્ય છે તેમાંથી પણ મોહે કરીને અવગુણ શોધી કાઢે. માટે ભગવાનના સંતનો સમાગમ કરીને દોષમાત્ર ટાળીને પવિત્ર થાવું; તો આ સભાનો અવગુણ ન આવે.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “પવિત્ર થવાનો શો ઉપાય હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્ઞાનઇંદ્રિયોને જ્ઞાનમાર્ગે ચલાવે ને કર્મઇંદ્રિયોને કર્મમાર્ગે ચલાવે, એમ સર્વે ઇંદ્રિયે કરીને ભગવાન સંબંધી ક્રિયા કરે તો પવિત્ર થઈ જવાય. બીજું, આ બ્રહ્મસભામાં નહાય તો પવિત્ર થાય. આ બ્રહ્મઅગ્નિ છે. આ સભામાં ઝીલે એટલે જ્ઞાન ગ્રહણ કરે તો તે મૂર્તિથી ઓરો રહે નહિ.”
“પતિવ્રતાપણું જે ભગવાનને વિષે નિષ્ઠા, તે પાકી રાખવી. દેહ પડવાનો હોય તો ભલે પડે, પણ ઔષધની તથા કોઈ દેવની આસ્થા ન રાખવી. બીજા દેવની આસ્થા રાખે તો વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. ‘પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો’. એક બાઈએ સાંબેલું પડતું મૂક્યું, પણ પતિનું વચન મૂક્યું નહિ. એવી પતિવ્રતાના જેવી ભક્તિ કરવી, પણ રખડેલ ન થાવું. રખડેલની ખબર કોઈ રાખે નહિ. જ્યારે પ્રત્યક્ષ શ્રીજીમહારાજ પોતે મળ્યા ત્યારે દેવ-અદેવ પાસે જવું નહિ; કેમ કે વૈદ-દાક્તર પણ ચાલ્યા જાય છે. ઔષધ કર્યા વિનાના કેટલાય ડોસા અહીં પડ્યા છે અને વૈદ ને દાક્તર તો બિચારા પચીસ વર્ષમાં મરી જાય છે. ઔષધથી તો ઊલટો દેહ સડી જાય છે, માટે ઔષધની પ્રતીતિ ન રાખવી. અને જંત્ર-મંત્રની તથા દેવ-અદેવની પ્રતીતિ ન રાખવી. કીમિયાવાળાની પણ પ્રતીતિ ન રાખવી. કીમિયાવાળા બહુ ભૂંડા છે તે નજર બાંધીને સોનું બતાવે ને પછી કાંઈ ન હોય, માટે તેનો વિશ્વાસ ન રાખવો. જેણે સ્વામિનારાયણ ઓળખ્યા હોય તેને તો એ કોઈની પ્રતીતિ આવે જ નહિ.”
“આજ શ્રીજીમહારાજે ને મોટાએ ધર્મધુરંધર કલ્યાણનો માર્ગ બાંધ્યો છે, તેમાં જે જે નિયમ કહ્યા છે તેમાં જે ન વર્તે ને વર્તમાન લોપે તે સર્વે નર્કના અધિકારી છે, તે કોઈ દિવસ નીકળવાના નહિ; માટે તેનો પ્રસંગ ન રાખવો. આજ આ જ્ઞાનયજ્ઞ ને યોગયજ્ઞ થાય છે તેમાં આત્યંતિક કલ્યાણ થાય છે.”
“સતયુગમાં લાખ વર્ષ ધ્યાન કરે ત્યારે ભગવાનનું દર્શન માત્ર જ થતું. ત્રેતાયુગમાં દશ હજાર વર્ષ સુધી યજ્ઞ કરે ત્યારે દર્શન થાય અને દ્વાપર યુગમાં એક હજાર વર્ષ સુધી પરિચર્યા કરે ત્યારે દર્શન થાય. આ કળિમાં સો વર્ષ સુધી કીર્તન કરે ત્યારે દર્શન થાય. અને આજ વર્તમાન કાળે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ કરીને જોડી દઈએ છીએ. આજનો એવો પ્રતાપ છે. આજ તો સંત-હરિજનોનાં દર્શન કરે તો પગલે પગલે બ્રહ્મયજ્ઞ થાય ને વળી આત્યંતિક કલ્યાણ કરે. આ યોગયજ્ઞ ને બ્રહ્મયજ્ઞ છે. આમાં આવેલાને ફેર જન્મ ધરવો પડશે નહિ. ઠેઠ મૂર્તિમાં મૂકી દઈશું. આવો પ્રત્યક્ષ મૂર્તિનો પ્રતાપ છે.”
“યુધિષ્ઠિરને શાસ્ત્રમાં વિશ્વાસ હતો તો કલ્યાણ થયું નહિ. શાસ્ત્ર તો માયિક ગુણવાળા ઋષિઓનાં કરેલાં છે; માટે તેની પ્રતીતિ ન રાખવી. અને શ્રીજીમહારાજનાં કરેલાં શાસ્ત્ર તો દિવ્ય છે તેમાં પ્રતીતિ રાખવી. વાતચીત કરવી કે પ્રાયશ્ચિત્ત દેવું તે નિર્ગુણ થઈને કહેવું-દેવું, પણ ત્રણ ગુણમાં રહીને કહેવું-દેવું નહિ. જે સત્ય વચન બોલાય તે મહારાજ બોલાવે છે, ને અસત્ય વચન બોલાય તે માયા બોલાવે છે; એમ જાણવું.” ।।૧૪૯।।