સંવત ૧૯૭૨ના મહા વદ-૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સંત છે તે શ્રીજીનું પાકું ગોત્ર છે. તેમને શ્રીજી કહે છે કે, ‘તમે જીવકોટિથી લઈને મૂળઅક્ષરકોટિ પર્યંતનાં સુખ ખોટાં જાણો.’ કીટ એટલે જીવકોટિ, ને બ્રહ્મા એટલે મૂળઅક્ષરકોટિ જાણવી; તેમાં બંધાવું નહિ એમ કહે છે. પંચ વર્તમાન પાળવાનાં કહ્યાં છે તેમાં બરાબર વર્તવું અને ગૃહસ્થોએ સ્ત્રી, પુત્રાદિકને બંધનકારી માનીને તેમાં હેત ન કરવું. એક સુતારનો છોકરો મરી ગયો તેના હાથમાં કુહાડો આપીને કહ્યું કે, ‘ઘસ’, એમ કહીને વળી ફેર કહ્યું જે, ‘સારો ઘસ્યો’, એવું હેત થઈ જાય છે; માટે જ્ઞાન જોઈએ.”
“પારકી અને પોતાની સ્ત્રી, તે પણ તરવારની પેઠે નાશ કરે એવી છે; માટે તેથી બીતા રહેવું. કેટલેક ઠેકાણે બાપ થકી દીકરીને બાળક થાય છે; માટે એકાંતમાં મા, બેન, દીકરી તથા પરસ્ત્રી ભેળું રહેવું નહિ. કળિનું રૂપ એવું છે જે કળિમાં કામનું જોર છે. સતયુગમાં સંકલ્પનાં ફળ થતાં, ત્રેતામાં દૃષ્ટિનાં ફળ થતાં, દ્વાપરમાં સ્પર્શનાં ફળ થતાં અને કળિમાં વીર્યનાં ફળ થાય છે; માટે મા, બેન, ને દીકરીથી પણ છેટે રહેવું. આજ્ઞા ન પાળે તો પૈસા ખૂએ, નાતજાતમાં ફજેતી થાય, લાજ વંજાવે ને મોક્ષથી પડે. સ્ત્રીની દૃષ્ટિમાં ઝેર રહ્યું છે તે ચઢીને જીવ લે એવી છે. ગૃહસ્થના આશ્રમમાં રહીને પણ નિર્વાસનિક રહેવું.”
“સ્ત્રી-પુરુષનો ભેદ મૂળમાયા સુધી છે; મૂળમાયા ઉપર સ્ત્રી-પુરુષોનો ભેદ નથી; સર્વે પુરુષાકાર છે ને દિવ્ય છે, તે બ્રહ્મકોટિમાં ને અક્ષરકોટિમાં અને મહારાજના ધામમાં આ ત્રણ ઠેકાણે દિવ્ય પુરુષાકાર છે.”
એમ કહીને વળી કહ્યું જે, “આજ્ઞારૂપી લીટો લોપે તેનું રૂડું ન થાય. આજ્ઞા આત્મસત્તારૂપનું કામ કરે છે. ઇંદ્રિયોના ગણ જીવને ક્યાંય લઈ જઈ ફગાવી દે. જેણે જેણે આજ્ઞા લોપી છે તે મોટા હતા તોપણ ધર્મથી પડ્યા છે. રણછોડ મિસ્ત્રીએ સત્સંગમાં ઘણી સેવા કરી હતી, પણ આજ્ઞા લોપી તો વટલાઈને ભ્રષ્ટ થઈ ગયા અને મોટા સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનું કહ્યું પણ ન માન્યું. એને સિદ્ધિઓ આકાશમાંથી આવીને ઉપાડી ગઈ. કેવાં કેવાં કીર્તન બોલતા ને ગર્જના કરતા! પણ ક્યાંય તુર્કસ્તાનમાં જતા રહ્યા.”
“ત્યાગી તથા ગૃહસ્થ લોભથી કસાઈના જેવું કર્મ કરે છે. લોભથી લાંચ લેવાય, કોઈકને મારે, જૂઠું બોલે, અન્યાય કરે; માટે ભેંસનું ગાય તળે અને ગાયનું ભેંસ તળે એમ ન કરવું. તેમ કરવાથી ધાવી શકાય નહિ ને લાતો ખાઈ ખાઈને ડાચું ભાંગી જાય અને યમના માર ખાવા પડે. માટે તેમ ન વર્તવું; ચોખ્ખું વર્તવું. શાસ્ત્રનું ને સંતનું વચન પાળે તો સુખી થાય. મોડજી દરબારે સ્વામી હરિકૃષ્ણદાસજીનું વચન માન્યું તો સુખી રહ્યા. જો ન માન્યું હોત ને સરકારના સામા થયા હોત તો કલેવરનો નાશ થાત.”
“સૂકા કાષ્ટમાં ઘણ (જીવડાં) પડે છે તેને પણ ભગવાન ખાવા-પીવા આપે છે ને પશુ-પક્ષી પણ ખાઈને આરામ કરે છે. તે સર્વેના દિવસ નીકળે છે; માટે દ્રવ્ય કાંઈ કામમાં આવતું નથી. જો લાંચ લે, તો આગળનું રળેલું હોય તેને પણ તાણી જાય, માટે ગૃહસ્થોએ લાંચ ન લેવી. કન્યા-વિક્રયનું પાપ પણ અતિશય છે અને લાંચનું પણ પાપ છે; માટે તે માર્ગે ચાલવું નહિ.”
“અને કોઈનો વાદ પણ લેવો નહિ. ડોશીની પેઠે પોતે ઊગરવું; તો જગ તર્યો. શાસ્ત્રમાં ને ધર્મમાં કોઈનો વાદ ન લેવો ને ઇંદ્રિયોના આહાર શુદ્ધ કરવા. બ્રહ્મચર્યવ્રતમાં કુશળ ન હોય તેની રસોઈ ન લેવી તે શુદ્ધ આહાર કહેવાય. અને અજાણમાં લેવાઈ જવાય તેનો બાધ નહિ, પણ મહોબત રાખીને ન લેવી. મહોબત રાખીને લે તો એક ઉપવાસે શુદ્ધિ થાય, અજાણમાં લેવાઈ ગયું હોય તેની ખબર કોઈ દિવસ પડે તો સો માળા ફેરવે શુદ્ધિ થાય. આ ધનબાઈ ડોશી ખાવા-પીવા આપે છે ને કથા સંભળાવે છે માટે તેનાં ધન્ય ભાગ્ય છે, અને જે હેતે કરીને સાંભળે તેનાં પણ ધન્ય ભાગ્ય!” ।।૧૫૩।।