સંવત ૧૯૭૨ના ફાગણ સુદ-૫ને રોજ સવારે સભામાં સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, “થોડી બુદ્ધિવાળાને કોઈના દોષ નહિ સૂઝતા હોય તેનું શું કારણ હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “થોડી બુદ્ધિવાળાને મૂઢપણું છે ને મોટાને વિષે વિશ્વાસ ને હેત હોય તેથી કોઈના દોષ સૂઝે નહિ અને એને સંતનું વચન અકેકું લાખો હીરાનું થઈ પડે ને દોષ તો દેખવામાં આવે જ નહિ. આ રામપરના ધનબાઈના ભાઈ દેવશી ભક્ત ભોળા હતા તે બીજા હરિભક્તોને શ્રીજીમહારાજની વાતો કરતા, તે જોઈને કુસંગીઓ મશ્કરીમાં હસે; ત્યારે તે ભક્ત બોલે જે, ‘જુઓ! આ ભક્ત વાતોમાં કેવું સમજે છે ને એને કેવો મહિમા છે! તે વાતો સાંભળીને રાજી થાય છે.’ એવા વિશ્વાસુ હતા તે એમને કુસંગીના દોષ દેખવામાં આવ્યા નહિ.”
“વ્યાવહારિક બુદ્ધિ કાંઈ કામમાં આવતી નથી. દીવાનજીને હાથમાં વચનામૃત આપીએ તો તે શું સમજે? વ્યાવહારિક બુદ્ધિમાં રાગદ્વેષ ગરે ને પ્રશ્ન-ઉત્તરમાં પણ વિક્ષેપ થઈ જાય ને ભગવાન ભુલાય; માટે વ્યાવહારિક બુદ્ધિ મોક્ષના ઉપયોગમાં આવતી નથી. બાળક અવળું ચાલે ત્યારે એને ધીરે રહીને સમજાવવું. વાતમાં રાગદ્વેષ થાય તો વાત, કથા, દર્શન તે ગમે નહિ; માટે વાત કરનારે સમુદ્ર જેવા થઈ રહેવું. ગુણ નહિ આવવા દેવાનો ખટકો રાખવો અને વાંચનાર વાંચતાં કોઈ અક્ષર ભૂલી જાય તો તેને બતાવવું ને શાંતિ રાખીને સમજાવવું. સમજનારે પણ શાંતિ રાખીને સમજવું, પણ ધમાધમ કરવી નહિ ને રાગદ્વેષ ન રાખવો.”
“શ્રીજીમહારાજનાં વચનની સાહેદી લેવી, પણ જાડી બુદ્ધિએ કરીને જેમ તેમ ન બોલવું. વચનામૃતમાં ન હોય ને તેથી બીજું કહેતા હોય તો તે ન માનવું ને વચનામૃતમાં હોય તેને તો સત્ય માનવું, પણ તેમાં બીજા કોઈ ગ્રંથની સાખ ન ગોતવી. વચનામૃતમાં જે વાત હોય તે સમજાય નહિ તો તે જાડી બુદ્ધિ કહેવાય, માટે વચનામૃત પ્રમાણે કહેતા હોય તેની વાત ખોટી ન માનવી. મોટાની વાતોની સાખ પણ વચનામૃતને મળતી આવતી હોય તેટલી જ લેવી અને વચનામૃતને મળતી ન આવે તો ન લેવી. વચનામૃતને મુખ્ય માનવાં ને વચનામૃતમાંથી જે શબ્દ બતાવે તે માનવા, પણ વચનામૃતમાં કોઈની સાખ ન લેવી.”
“સંતને વિષે બરોબરિયાપણું ન કરવું, પણ મહિમા સમજવો. બંદરાના નારણજીએ સ્વામી અક્ષરજીવનદાસજીને જારના છોડમાત્રને હાથ દેવરાવ્યા તે એમ જાણીને કે એ ખડને ને દાણાને જે જમશે તે ઢોરનો ને માણસનો મોક્ષ થશે. એવો મહિમા આપણે સમજવો. આ સંત તો શ્રીજીમહારાજની સભા છે ને એમને શ્રીજીમહારાજ બોલાવે છે. તેમનાં વચનને માન તથા બુદ્ધિનો ડોડ મૂકીને તથા વૈરાગ્યનો ડોડ મૂકીને માનવાં.”
“નારણજીના દીકરા રવાજીને ઘેર અમે ગયા ત્યારે એની સ્ત્રીને કહે જે, ‘અનાદિમુક્ત આવ્યા છે માટે ઘરમાંથી નીકળીને એમનાં દર્શન કરો; નહિ તો યમ લઈ જશે, કોઈ ધણી નહિ થાય.’ ત્યારે અમે કહ્યું જે, ‘તમે છેટે જાઓ તો આવે.’ ત્યારે તે કહે જે, ‘એને કલ્યાણની ગરજ હોય તો ઓઝલ છોડીને દર્શન કરે, હું તો દર્શન મૂકીને છેટે નહિ જાઉં.’ એવો એમનો પ્રેમ. અને બબ્બે દાણા પુંખના સંતોને જમાડીને રાજી થયા જે, ‘મારી રસોઈ મુક્ત જમ્યા’ એવો એમનો વિશ્વાસ. માટે વિશ્વાસ રાખીને મોટાની વાત સાંભળવી. મોટાને વિષે હેત ન હોય તો મોટાના શબ્દ ડુંગર જેવડા થઈ પડે ને એકેય શબ્દ મનાય નહિ. મોટાને વિષે હેત અને વિશ્વાસ રાખીએ તો વાત મનાય ને સમજાય ને તેથી બહુ કામ થાય. વચનામૃત નિત્ય નિત્ય વાંચીએ છીએ તોપણ નવું નવું સમજાતું જાય છે.”
“આ સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ છે અને શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી મુક્તાનંદ સ્વામી જેવા પૂછનારા છે ને મહારાજ ઉત્તર કરે છે ને પોતાના મુક્ત પાસે કરાવે છે. આ સભામાં એ સર્વે બેઠા છે ને ચંદન, પૂજા, આરતી ઉતારે છે ને હાર પહેરાવે છે; એવી આ સભા છે. એવી જાણે તો વાતમાં તર્ક ન થાય અને એવું દેખાતું ન હોય તો જાણવું જે મને માયારૂપી પડળ વળગ્યાં છે. જો આડા-અવળા બુદ્ધિને ડહાપણે હાલીએ તો મહારાજ ને મોટા હસે છે, માટે સભામાં આડા-અવળા ન થાવું.”
“કોણ પાર પામ્યો છે તે મહિમાની બંધી કરવી? કોઈ પાર પામે એમ નથી. શ્રીજીના ને મુક્તના મહિમાનો પાર પામવો તે રમત વાત નથી. સાત સમુદ્રની શાહી કરે, પૃથ્વીનો કાગળ કરે ને વૃક્ષમાત્રની કલમો કરે ને કલ્પની આયુષ્ય કરે ને લખે, તોપણ પાર આવે તેમ નથી. મોટા મોટા ઈશ્વરકોટિ ને બ્રહ્મકોટી ને તેથી પર મૂળઅક્ષરકોટિ તે જેને જાણી શકતા નથી, અને સદા સમીપે રહેનારા એવા પરમ એકાંતિક સિદ્ધ મુક્ત તે પણ પૂરો મહિમા જાણી શકતા નથી, તેમ જ મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે તે પણ જેના મહિમાનો પાર પામી શકતા નથી; તો આપણી શી બુદ્ધિ જે પાર પામીએ? શ્રીજીમહારાજે પોતે પણ કહ્યું છે જે, ‘અમારા મહિમાનો અમે પાર પામતા નથી, તો બીજો કોણ પાર પામે?’ માટે કોઈ કહેશે જે, ‘શ્રીજીમહારાજ તો આવા જ છે’, તે તો એણે એના ઘરનું ઘાલ્યું. તે ઘરનું ઘાલવાથી પૂરું ન થાય.”
“આ સંપ્રદાય શ્રીજીમહારાજે તથા મોટા મોટા સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી એવા મોટાએ પૃથ્વી ઉપર આવીને અનંત જીવોના કલ્યાણને અર્થે ચલાવ્યો છે. આજ મોટા અધિકારીઓએ તે કાયમ રાખવો અને સાધુ, સત્સંગીને તથા ગરીબ-ગરબાને સુખી કરવા. કોઈને વિક્ષેપ ન થાય ને ત્યાગી તથા ગૃહસ્થો ભગવાન ભજે એવું કરી દેવું; તો શ્રીજીમહારાજ બહુ રાજી થાય. માટે મોટેરાઓએ ધર્મમાં વર્તીને ને વર્તાવીને આ સંપ્રદાયની રીતિ ચલાવવી. શ્રીજીમહારાજનાં વચનમાં વર્તો ને વર્તાવો તો શ્રીજીમહારાજ અતિશે રાજી થાય. આ સત્સંગમાં ગરીબ સાધુ ને ગરીબ સત્સંગી ઉપર રહેમની નજર રાખવી ને સુખિયા રાખવા; તો મહારાજ ને મોટા તથા સર્વે સત્સંગ આશીર્વાદ આપે. દેહ મૂકીને અક્ષરધામમાં ગયા કેડે પણ બધા સત્સંગનો આશીર્વાદ મળે જે, ‘નિયમમાં રહેતા ને રખાવતા તેથી અહીં સર્વેને સુખિયા કર્યા ને પોતે સુખિયા રહ્યા’; એમ આશીર્વાદ મળે. આશીર્વાદે દિવ્યભાવ આવે છે.”
“મોટાની સારપે સૌને સારપ છે. મોટા મોટા સંત બ્રહ્માનંદ સ્વામી આદિ સભામાં બેસતા ને આજ પણ એવા ને એવા જ છે. અક્ષરધામની સભાના છે ને મૂર્તિની સભાના કહેનારા આવ્યા છે. એમનું ન માનીએ તો આપણે કઈ જગ્યામાં રહેવું? મોક્ષનો દરવાજો બંધ કરવો નહિ. આથી પછી બીજા કિયા કહેનારા આવશે? આજ અભયદાન આપે છે તે માયામાંથી મુક્ત કરીને તથા સર્વે આવરણ ટાળીને મહારાજની મૂર્તિમાં બેસારી દે છે; માટે દાસપણું રાખવું. આ સભા મળે તેમ નથી; માટે એનાં વચન સત્ય માનવાં ને પૂરું કરી લેવું.”
“અક્ષરજીવનદાસજી સ્વામી સુખી રહેતા અને રાખતા. લીલાપુરના સ્ટેશને શેદલાવાળા પુરાણી પ્રાણજીવન આવીને ‘કાનજીભાઈ માંદા છે’ એમ કહીને અમને શેદલે લઈ ગયા, ત્યારે વલુ પટેલે કહ્યું જે, ‘અમે રસોઈ તૈયાર કરાવી છે તે તમે સંકલ્પે કરીને જમી ગયા ને દાસને પ્રસાદી રહી’ એમ બોલ્યા ને રજા આપી. તેના ઉપર અમે રાજી થયા. વળતાં કચ્છમાં આવતાં અમારે જાવું હતું, પણ જાદવજીભાઈ માંદા હતા તેથી અમે કચ્છમાં આવ્યા ને સ્વામી લીલાપુર ગયા. દાસ ઉપર એવા રાજી થયા, માટે દાસપણામાં સુખ છે. ‘દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર’ એમ પ્રેમાનંદ સ્વામીએ પણ માગ્યું છે. માટે દાસપણું રાખવું અને સત્સંગની ખબર રાખવી, તો મહારાજ રાજી થઈને અક્ષરધામમાં લઈ જાશે. પોતાની સામર્થી પ્રમાણે આ સંપ્રદાય સુધારવો તેમાં શ્રીજીમહારાજનો રાજીપો બહુ છે. માટે સાધુ થાવું ને રજ-તમ ન લાવવો ને જાણપણું રાખવું.” ।।૧૫૮।।