સંવત ૧૯૭૩ના જેઠ વદ-૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જે વર્તમાન લોપે તે જો ગૃહસ્થ હોય ને ઠાકોરજીની સેવા કરે તો તેમાં લોભાઈને તે સેવા ન લેવી. જ્યારે પ્રાયશ્ચિત્ત કરે ત્યાર પછી સત્સંગમાં લેવો, પણ પૈસાના લોભથી પ્રાયશ્ચિત્ત કરાવ્યા વિના છોડી મૂકવો નહિ; પ્રાયશ્ચિત્ત તો કરાવવું જ. જો સાધુનો શિષ્ય હોય ને તે સેવા બહુ કરતો હોય, પણ તે ધર્મમાંથી પડે તો તેનો પક્ષ ગુરુએ રાખવો નહિ ને તેને પ્રાયશ્ચિત્ત કરાવવું, પણ સેવાને લોભે કરીને પક્ષ ન રાખવો. તેમ જ ગુરુ હોય ને ઘણા પદાર્થ આપતો હોય, પણ જો ધર્મથી પડે તો શિષ્યે તેનો ત્યાગ કરવો, પણ ઝાઝા પદાર્થના લોભે કરીને પક્ષ ન લેવો અને તેના ભેળાયે રહેવું નહિ. અને આચાર્યે પણ પ્રાયશ્ચિત્ત કરવું તો શ્રીજીમહારાજ ને મુક્ત રાજી થઈને પોતાને સુખે સુખિયા કરે. જો ગાફલાઈ અથવા મહોબત રાખીને કોઈને કાંઈ ન કહે અને ભેળા રહે તો તેનું કલ્યાણ થાવું કઠણ છે; માટે સર્વેને પ્રાયશ્ચિત્ત કરાવવું. જે પ્રાયશ્ચિત્ત ન કરે તેનો ત્યાગ કરવો. અને બ્રાહ્મણ સત્સંગી ન હોય તેના હાથની રસોઈ જમવી નહિ; કેમ જે એમાં ધર્મ ન હોય અને સ્વામિનારાયણની કંઠીયે ન હોય.”
“આપણી સંવત ૧૯૫૯ની સાલની પારાયણમાં એક બ્રાહ્મણ આવ્યો હતો તેણે કહ્યું જે, ‘અમને કોઈ માનતા નથી’, ત્યારે કેરાના હરિભક્તે કહ્યું જે, ‘એ દારૂ પીએ છે માટે અમે નથી માનતા.’ પછી તે ભૂંઠો પડ્યો. અને દેવપરામાં એક બ્રાહ્મણ તમાકુ સૂંઘતો હતો તે એવા બ્રાહ્મણ પાસે રસોઈ કરાવો છો તે અમને ગમતું નથી. અમારે અહીં ભુજમાં બ્રાહ્મણ અન્નકૂટ કરતા તે છીંકણી સૂંઘતા, તેથી હવે વૃષપુરના હરિભક્તો હાથે રસોઈ કરીને સર્વે સત્સંગને જમાડે છે. સાધુ ઘણા છે તે સારી રીતે રસોઈ કરે તો સેવાથી અંતઃકરણ પણ પવિત્ર થાય. કદાપિ સત્સંગી બ્રાહ્મણ હોય તોપણ તેના ભેળા કુસંગી બ્રાહ્મણ ભળે; માટે તેમની પાસે રસોઈ કરાવવી નહિ ને જમવીયે નહિ.” ।।૧૮૮।।