સંવત ૧૯૭૩ના જેઠ વદ-૧૦ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૫૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભવ-બ્રહ્માદિક દેવ થકી સાધુ અધિક છે એમ વાત આવી.
ત્યારે બાપાશ્રીએ સંતોને પૂછ્યું જે, “એ ભવ-બ્રહ્માદિક કિયા હશે?”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આ ભવ તે મહાકાળને કહ્યો છે– જે દિવ્ય સંકર્ષણ છે તે, અને તે મૂળપુરુષનો ઉપરી છે. અને બ્રહ્મા તે મૂળઅક્ષર– જેને દિવ્ય અનિરુદ્ધ કહીએ છીએ તે; જે પંચાળાના બીજા તથા લોયાના સાતમા વચનામૃતમાં કહ્યા છે તે.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “તમે એ મૂળઅક્ષરથી અધિક છો અને કેટલાકને તેડવા જાઓ છો; તે તમને સાચું મનાય છે?”
ત્યારે સ્વામી બોલ્યા જે, “તમે કહો છો ત્યારે સાચું હશે; અમને તો કાંઈ જણાતું નથી.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાચું છે, પણ તમારી પાસે કામ કરાવીએ છીએ, ને વળી જણાવા દેતા નથી; એમ તમે અકર્તા છો. અને નથી જણાવતા તેનું કારણ એ છે જે તમારા સમાસને માટે તમારી સામર્થી રોકી રાખી છે. તમે તેડવા જાઓ છો ત્યારે કોઈકને અહીં રાખો છો પણ ખરા; એમ કરો છો અને વળી તમે જાણતા નથી, પણ તમારી સામર્થી અક્ષરથી પર છે.”
પછી શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજીએ પૂછ્યું જે, “ઘાટ-સંકલ્પ થતા હોય તેનું શું સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો તમને હોય જ નહિ, પણ ફડકાવવા રાખ્યા છે, તે મરેલા સર્પ જેવા છે ને પોતાને વિશેષ મનાય નહિ ને નિર્માની રહેવાય એટલા સારુ છે. ત્રણે અવસ્થામાં મૂર્તિ દેખે ને સર્વેના ભેળા ગોથાં ખાય ને તુચ્છ જીવ માન-અપમાન કરે તે સહન કરે એવા સંત છે. સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહિ; એ તો મહારાજ કે મહારાજના મુક્ત અને એકાંતિક સંત તે સહન કરે. તુચ્છ જેવા જીવ ‘ગોપાળિયું જ્ઞાન’ કહેતા, અને અત્યારે પણ ‘ગોપાળિયું જ્ઞાન દે છે’ એમ કહે છે; એવા જીવનું માન-અપમાન સહન કરવું એ જ મોટાઈ છે. એવો મહારાજે માર્ગ ચલાવ્યો છે તે જીવનાં કલ્યાણરૂપી કાર્ય કરવા સમર્થ રાખ્યા છે. એટલે જીવનો મોક્ષ કરવો તે સંકલ્પમાત્રમાં કરે અને કોઈનું ભૂંડું કરવાનો સંકલ્પ કરે તો તે ન થાય.”
“જ્યારે ભદ્રમાં શ્રીજીમહારાજને તેલના ટાંકામાં નાખવાનું કર્યું હતું ત્યારે દેવાનંદ સ્વામી (સંન્યાસી)એ શહેર ઊંધું વાળવાનો સંકલ્પ કરવા માંડ્યો તે વખતે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘મારા આશ્રિતનો શાપ કોઈને ન લાગે; એક મોક્ષ સંબંધી સંકલ્પ સત્ય થાય.’ આવું સમજીને વિશ્વાસ રાખે ને આત્મબુદ્ધિ કરે તો મોક્ષ થાય ને સુખિયો થાય. જે ધોકાપંથી થાય, તેને તો કાંઈ કહેતા નથી. ભુજમાં એક હરિભક્તનો છોકરો મરવા પડ્યો ત્યારે તેણે કહ્યું જે, ‘મારો છોકરો રાખો.’ ત્યારે અમે કહ્યું જે, ‘અમે તો કલ્યાણ કરીએ છીએ, પણ બીજું કાંઈ કરતા નથી.’ પછી છોકરો મરી ગયો અને તેનો ધીરે ધીરે શોક ટાળ્યો. એમ મોટા કલ્યાણ વિના બીજું માયિક સુખ આપે નહિ.” ।।૧૯૫।।