સંવત ૧૯૮૧ના વૈશાખ વદ-૧૦ને રોજ સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત વાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસી પૂજા કરી અને જાંબુના વૃક્ષ નીચે સભા કરીને બેઠા.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ભૂતયોનિ છે તો ખરી, પણ એકાંતિકને મતે તો ભૂત વસ્તુ જ નથી. તેમ જ ચાર પ્રકારની મુક્તિ છે, તે મુક્તિને ઇચ્છે તેને શ્રીજીમહારાજની મૂર્તિનો સંબંધ થાય નહિ. જે સેવા ઇચ્છે તેને મૂર્તિ મળે.”
પછી વાત કરી જે, “શ્રીજીમહારાજ જેતલપુરમાં સભાઓ કરીને નિત્ય વાર્તા કરતા તે સમે કોઈને નિદ્રા આવે તો ઊભા કરતા. કોઈક દિવસ શ્રી મુક્તાનંદ સ્વામીને સભામાં ડોલું આવ્યું, ત્યારે મહારાજ કહે કે, ‘ઊભા થાઓ, સભામાંથી જાઓ.’ ત્યારે સ્વામીશ્રીએ ઊભા થઈને વિચાર કર્યો જે, ‘આ નિદ્રાએ વાતો સાંભળવામાં વિઘ્ન કર્યું માટે તેને કાઢવી.’ પછી ચૈત્ર માસની તપેલી રેતીમાં જઈ સૂતા. તે સ્વામીશ્રીનું શરીર કોમળ હોવાથી શરીરમાં ફોલ્લા પડ્યા અને નિદ્રાને કહ્યું કે, ‘તેં મને અભડાવ્યો અને અક્ષરધામની સભામાંથી કાઢી મુકાવ્યો.’ પછી તો નિદ્રા મૂર્તિમાન હાથ જોડીને સામી ઊભી રહી અને પ્રાર્થના કરી કે, ‘મારો ગુનો માફ કરો, હવે તમારી પાસે નહિ આવું.’ તે જોઈને શ્રીજીમહારાજ બહુ રાજી થયા. પછી તો જ્યારે બોલાવે ત્યારે નિદ્રા આવે, પણ એ વિના આવે નહિ. એવો નિદ્રા ટાળવાનો પ્રયાસ કર્યો; માટે નિદ્રા ટાળવી. ઊંઘ ને આહાર વધાર્યાં વધે છે ને ઘટાડ્યાં ઘટે છે.”
“વળી એક સમય શ્રીજીમહારાજે જેતલપુરમાં છ મહિના લાગઠ કથા કરી અને બીજી ચાતુર્માસમાં ચાર મહિના કથા કરી. ત્યાં અલીખાં નામે પઠાણ હતો, તે પણ કથા સાંભળવા સભાથી છેટે બેસતો. પછી એક દિવસે મહારાજ રમૂજમાં આવ્યા અને સૌ સંતોને પૂછ્યું કે, ‘હે સંતો! ચાર મહિનાથી કથા થાય છે તેમાં કયે વખતે કઈ કથા આવી તે કહો; નહિ તો સભામાં બેસવા નહિ દઈએ.’ પણ સંતો તથા આશજીભાઈ આદિ હરિભક્તો કોઈ પૂરું કહી શક્યા નહિ. પછી મહારાજે અલીખાં પઠાણને પૂછ્યું તો તે ચાર મહિનાની સોંસરી કથા કહી ગયો. તે પઠાણ જાડો-કાળો સૂંથણો પહેરતા અને બગલમાં કાળું ખપ્પર રાખતા ને માગી ખાતા.”
“જેતલપુર બહુ રમણીક સ્થાન છે. જેતલપુર જઈએ તો કેવું મંદિર! કેવો મહેલ! કેવું તળાવ! અક્ષરધામની ઉપમા દઈએ તેવું! તેમાં સ્વામી નિર્ગુણદાસજી તથા ભગવત્ચરણદાસજી અને તમે રહેતા ત્યારે અમે આવતા ને બહુ રળિયામણું લાગતું. આ સત્સંગમાં મહારાજ ઘોડે ચઢીને ફરે છે. આજ્ઞા લોપે તેને ચાબુક મારે છે.”
પછી ‘શ્રી હરિ સુરનર મુનિ શિરતાજ’ એ કીર્તનની ટૂંક બોલ્યા ને કહ્યું જે, “શ્રીજીમહારાજ પ્રત્યક્ષ હોય ત્યારે શાસ્ત્રની સાખ લેવી તે દોષ છે, માટે ન લેવી. શાસ્ત્રની સાખ લે તો ઠીકરું ફૂટી જાય. એવા માણસ હોય તે તીર્થમાં, કથામાં, શાસ્ત્રમાં બધેય દોષ કાઢે.” ।।૨૨૪।।