સંવત ૧૯૮૨ના પોષ સુદ-૧ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ધ્યાનમાં આવરણ કરનાર દોષને ટાળવાનું ભગવાન પાસે માગે તે સકામ કહેવાય કે નહિ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તે તો સકામ ન કહેવાય.”
પછી બોલ્યા જે, “તમે સર્વે શ્રીજીના અવતાર છો. કેમ? છો કે નહિ?”
ત્યારે સંત બોલ્યા જે, “હા બાપા. આપ કહો તો છીએ.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “જો અવતાર થયા હો તો અનંત જીવનો ઉદ્ધાર કરો. અને જો મોઢું વાઘનું ને પાછળ બીજું એવું હોય તો તો મૂર્તિનું સુખ ન આવે, અને તે વાંઝિયું કહેવાય. તે વિના કેટલાક દીકરા, દીકરી, સ્ત્રી, ધનાદિક માગે ને તેમાં સુખ માને, પણ તેમાં સુખ નથી.”
ત્યારે સંત બોલ્યા જે, “છોકરા હોય તે કેડે શ્રાદ્ધ કરે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રાદ્ધ તો નારાયણજીનું ખરું; માટે શ્રીજીમહારાજનું શ્રાદ્ધ આવે તે ભેળું સર્વેનું શ્રાદ્ધ આવી જાય.”
પછી બોલ્યા જે, “રસના તો મહા ભૂંડી છે, એમાં કાંઈ માલ નથી. તેને તો આની કોરથી ખોસે ને ઓલી કોરથી કાઢે, ને પૂછ્યા કરે જે, ‘મારા ઘાટ-સંકલ્પ કેમ ટળતા નથી?’ તે શી રીતે ટળે? મઠના રોટલા અને મઠની દાળ જમે તો ઘાટ કાંઈ ન રહે. અમારા યજ્ઞમાં આ ઈશ્વર બાવે મગ મંગાવ્યા હતા, તે કહે કે મઠ સર્વને નડે છે.”
પછી બોલ્યા જે, “અદાજી ઉપર મહારાજ અનંત કોટિ બ્રહ્માંડનો ભાર મૂકીને બેઠા તે ઊઠી શક્યા નહિ. પછી તેમને ગરુડજી બનાવ્યા ત્યારે ઊડ્યા ને એક મિનિટમાં કાળે તેરે લઈ ગયા. (તેમણે મહારાજને કાંકરી મારી હતી ને તેમનું કાંકરીએ મોત થયું હતું).”
એવામાં ઘાંટીલાના વિઠ્ઠલ ભક્તે આવીને જય સ્વામિનારાયણ કહ્યા.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઘાંટીલાના હરિભક્તો સર્વે સુખી છે, એ બહુ સારા છે ને વિશ્વાસી ને નિર્મળ છે ને અમો ઘણા રાજી થયા છીએ ને એમણે બહુ લાવ લીધો છે તે એવા ને એવા છે કે?”
ત્યારે તે ભક્તે કહ્યુ જે, “બાપા, આપે ‘તળાવમાં પાણી થશે’ એ વર આપ્યો ને તરત જ તળાવમાં પાણી આવ્યું તેવો પરચો દીધો છે ને વર્ષ પણ સારું પાકયું છે તેથી આપનો ઘણો મહિમા સર્વ જાણે છે. અને સર્વ હરિજનોનો આગ્રહ બહુ જ છે જે બાપાશ્રી એકવાર પધારે તો સર્વ હરિજનોને આપનાં દર્શન થાય ને અસંખ્ય જીવનું કલ્યાણ થાય ને આપને પાલખીએ બેસારીને ફેરવશું અને મંદિર ફરીથી કર્યું છે તે પ્રસાદીનું કરવા પધારો.” એમ પ્રાર્થના કરી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારે કાંઈ માન-મોટપ જોઈતી નથી. તમે કહ્યું એટલે અમને ત્યાં આવેલા જ જાણજો. અને તમે એક એક સંતમાં અનેક મુનિનાં વૃંદ રહ્યા હોય એવા સંતનો સમાગમ કરજો તો મોક્ષમાં વાંધો નહિ આવે. આવા સંતનો જોગ, સમાગમ ને સેવા કરજો તો જીવતા રહેશો. અમે રખડતાં રખડતાં ક્યાંય ભાવનગર ને ક્યાંય ફરતા હતા ને ત્યાંથી ઘાંટીલે આવ્યા હતા અને કેટલાક કહે કે, ‘અમારે દર્શનથી આનંદ થયો’ અને કેટલાક કહે જે, ‘અમારે જમાડે આનંદ થયો’ અને કેટલાક કહે જે, ‘અમારે પ્રસાદી જમવે કરીને આનંદ થયો’ અને કેટલાક કહે જે, ‘ઘેર પધાર્યાથી આનંદ થયો’. એવી રીતે સર્વ આનંદ પામ્યા હતા, તે એવા ને એવા રહેજો. અમારે તો અધમ જીવને પણ ઉદ્ધારવા છે, માટે તમારે માયા ટાળવી હોય તો મહારાજને ને અમને ભૂલશો નહિ. અમારાથી જુદા પાડે એવાનો સંગ કરશો નહિ. જો એવાનો સંગ કરશો તો જેમ બાર સાહેબે વાઘ માર્યો પછી તેની પાસે ગયા ત્યારે વાઘે ઊઠીને બારેના પ્રાણ લીધા તેમ થાય.” ।।૨૪૮।।