સંવત ૧૯૮૨ના માગશર સુદ-૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે મૂર્તિમાં રહેવું; મૂર્તિ મૂકવી નહિ. જો મૂર્તિ ભૂલ્યા તો ગોળીઓ આવે; માટે સભા સહિત મહારાજને પધરાવી લેવા. એકાંતિકથી પર પરમ એકાંતિક ને તેથી પર અનાદિ જુદા છે. ‘મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ.’ આદિ તે આ બેઠા જો ઓળખો તો; અને અનાદિ તે અક્ષરધામમાં બેઠા તે. જો મહારાજ ભેગા હશે તો બધુંય છે. મહારાજને મેલીને મોટા થાવું તે તો કાંઈ કામનું નથી. કાંઈ માગવું કે સમાધિ-પરચા જોવા ઇચ્છવું તે સર્વે સકામ માર્ગ છે અને મુક્ત પાસેથી મૂર્તિમાં જોડાવા ઇચ્છવું તે નિષ્કામ માર્ગ છે.”
પછી પ્રથમ પ્રકરણનું ૩૬મું વચનામૃત વંચાવ્યું, તેની ટીકામાં વાત આવી જે, પૈસાવાળા ત્યાગીના મુખથી કથા સાંભળે તેણે ચાંદ્રાયણ વ્રત કરવું.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહેચરભાઈ, સાંભળો! હવે કેમ કરશો? પૈસા રાખે તેવા સાધુ થકી કથા ન સાંભળવી, તેમજ કાંઈ દેવું પણ નહિ. પૈસા રાખે તેના પર શ્રીજીનો કુરાજીપો થઈ જાય અને મોટું પાપ લાગે. ઘર શું મૂંડાવવા મૂક્યું? બે વાતના તો હરામના સમ ખાઈને બેઠા; માટે તેનો તો વિષ્ટાની પેઠે ત્યાગ કરવો. એ પાપનો ત્યાગ કર્યા વિના સાધન કરે તોપણ એને કાંઈ પહોંચે નહિ. આ વાત સર્વે ધ્યાનમાં રાખજો. આવું ને આવું ધ્યાનમાં રાખજો. એમાં ધજ કહેવાશે; અભરું નહિ કહેવાય. અન્ન-વસ્ત્રનો ટોટો નથી, લાડુ ને ગાડું તૈયાર છે, તોપણ વચમાં બીજું ખપે. વળી બધુંયે મેલ્યું તેમાં શું મેલ્યું? બે વસ્તુમાં બધુંય આવી ગયું. સ્વામિનારાયણની આજ્ઞા પાળીએ તો બધુંય આવી ગયું. અમારે ત્યાં એક નીકળ્યો તે રખડે છે. એને કોઈ આશ્રમમાં રાખ્યો નથી.”
“મોટાનું સુખ કેટલાક છેટે રહ્યા હોય તે પણ લઈ શકે છે અને ઘણાક સમીપમાં રહ્યા હોય, પણ એ સુખ લઈ શકતા નથી; જેમ ગાયનું વાછરડું છેટે રહ્યું હોય તોપણ દૂધનો સ્વાદ લે છે અને ઈતરડી આઉમાં રહીને પણ એ સ્વાદ લઈ શકે નહિ તેમ. એનું કારણ દેહાભિમાન છે તેથી એ માર્ગ જડતો નથી. સત્સંગમાં એવાં રત્ન પડ્યાં છે કે તેમને ઓળખીને જોગ કરે તો અક્ષરધામમાં લઈ જાય.” ।।૨૩૯।।