સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૭ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “ધર્મામૃતમાં બારસ અને પૂનમ એ બે દિવસે પાકી રસોઈ લેવી એમ કહ્યું છે તેનું અમારે કેમ કરવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંતને શ્રીજીમહારાજની ઇચ્છાથી જે મળે તેનો શ્રીજીમહારાજને થાળ કરી જમાડવા. પછી પાણી નાખીને ખૂબ મેળવીને એરંડિયા જેવું કરીને મહારાજને સંભારીને એક વાર જમવું; બીજી વાર જમવું નહિ. ડબા ભરી રાખવા નહિ. જમવાની ના નથી. અને ભાતું તો ક્યારેક લાંબી મજલ કરવાની હોય ને અવશ્ય લેવું પડે એવું હોય તો લેવું. પોતાના હાથે થાળ કરીને શ્રીજીમહારાજને અને સંતને જમાડવાની શ્રદ્ધા રાખવી. શ્રીજીમહારાજને અને સંતને રસોઈ કરીને જમાડે તો મહાપ્રભુજી રાજી થાય, પણ બેસી રહ્યામાં કાંઈ સુખ મળે નહિ. કદાપિ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવી પડે, તો શ્રીજીમહારાજનો આશ્રિત હોય ને શુદ્ધ આચારવાળો પવિત્ર હોય તો તેના હાથની કરેલી જમવી, પણ સત્સંગી ન હોય તેના હાથનું ખાવું નહિ.”
ત્યારે સ્વામી બાલકૃષ્ણદાસજીએ પૂછ્યું જે, “જે સાધુ વર્તમાન ન પાળતા હોય તેના હાથનું ખાવું પડે તો કેમ કરવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એવા હોય તો નોખી પંક્તિ કરવી, પણ તેના હાથનું ખાવું નહિ.” ।।૧૦।।